સરકાર જગ્યા આપશે તો અમદાવાદમાં બનશે મિની ખોડલધામ: નરેશ પટેલ
ખોડલધામ સમિતિ, અમદાવાદ દ્વારા રવિવારે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે યુવાનો સાથે સંવાદ કર્યો હતો. નિકોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે યુવાનોને જીવનની સફળતાનો મંત્ર આપતા કહ્યું હતું કે, બીજા શું કરે છે, તે જોવાના બદલે તમને ગમે તે કાર્ય કરો, તો જ સફળતા મળશે.
કાગવડ ખોડલધામના ચેરમેન નરેશ પટલે કહ્યું કે, સરકાર જગ્યા આપશે તો અમદાવાદમાં મિની ખોડલધામ બનશે. આ જાહેરાત બાદ દસ્ક્રોઈના સમાજના આગેવાને જાહેરાત કરી હતી કે, સરકાર જગ્યા આપે કે ના આપે પણ હું 20 વીઘા જમીન આપવા તૈયાર છું. આ કાર્યક્રમમાં ધારાસભ્યો, કોર્પોરેટર્સ, રાજકીય આગેવાનો સહિત 35 હજારથી વધુ લોકો હાજર રહ્યા.
નરેશ પટેલે કહ્યું કે, અમદાવાદના મિની ખોડલધામમાં મંદિર, હોસ્ટેલ, શિક્ષણ સંસ્થાન અને યુવાનોમાં માર્ગદર્શન કેન્દ્ર સહિતની સુવિધાઓ સાથેની વ્યવસ્થા ઊભી કરાશે. કાગવડમાં ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં ભવ્ય મંદિર બનશે. માઇક્રો પ્લાનિંગથી જ શક્ય બન્યું છે. કોઈ પણ કાર્યમાં તમારી સક્રિયતા હોય તો જ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તેમણે જીવન સફળ બનાવવાનો મંત્ર જણાવતા કહ્યું કે, બીજા શું કરે છે, તે જોવાના બદલે તમને ગમે તે કાર્ય કરો.
દેશમાં 30 કરોડ કુર્મી પટેલ છે, પાર્ટી બનાવો: યુવા સંવાદ દરમિયાન એક યુવકે દેશમાં 30 કરોડ કુર્મી પટેલ છે તો સમાજના આગેવાનોએ રાજકીય પક્ષની રચના કરવા સૂચન કર્યું હતું. તેના જવાબમાં નરેશ પટેલે કહ્યું હતું કે, સાથે મળી ચર્ચા કરીશું. મિની ખોડલધામથી ઓરિજિનલ મંદિરની વિશિષ્ટતા રહેશે કે નહીં? તેવા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ઓરિજિનલ એ ઓરિજિનલ જ છે.