સુરતમાં રસ્તા પર રહેતા અને ભીખ માંગતા બાળકોને શિક્ષણ આપીને ખરા અર્થમાં સમાજસેવા કરતું અનોખું ગૃપ
રસ્તા પર તમને અવાર નવાર નાના બાળકો ભીખ માંગતા જોવા મળતા હશે. લોકોને તેમના પર દયા આવી જતી હોય છે અને તેઓ તેમને થોડા પૈસા અથવા તો કઈ ખાવા માટેનું આપતા હોય છે. દરેક વ્યક્તિ એવું વિચારે છે કે મે તે બાળકને થોડા પૈસા અથવા તો ખાવાનું આપીને તેની થોડી મદદ કરી લીધી.
મોટા ભાગના લોકોને આવો વિચાર આવતો હોય છે જે સામાન્ય છે, પરંતુ બહુ જ થોડા વ્યક્તિ એવા પણ હોય છે જેઓને એવો પણ વિચાર આવે છે કે હું આ બાળકો માટે એવું કઈક કરું જેના લીધે એ બાળકોને કાયમ માટે ભીખ ના માંગવી પડે અને જીવનપર્યંત એ કોઈ સારી નોકરી કરીને પોતાનું તથા પોતાના પરિવારનું પાલનપોષણ કરે.
આવા જ ઉતમ વિચાર સાથે સુરતનું એક ગ્રુપ “યુવા જાગૃતિ એજ્યુકેશન” આ ઉત્તમ વિચારને સાકાર કરી રહ્યું છે. સામાન્ય લોકો દ્વારા જ શરૂ કરવામાં આવેલ આ કાર્ય ખૂબ જ અસામાન્ય અને અદભૂત છે. આ ગ્રુપ નો હેતુ રસ્તા પર રહેતા અને ભીખ માંગતા બાળકોને પ્રાથમિક શિક્ષણ આપીને સ્કૂલમાં એડમિશન કરાવીને તેઓને શિક્ષિત બનાવવાનો છે.
આ ગ્રુપ દ્વારા સૌપ્રથમ સુરતના હીરાબાગ વિસ્તારમાં આ બાળકો માટે શિક્ષણ આપવા માટેનું કાર્ય શરૂ કરવામાં આવેલ હતું. જ્યાં તેઓએ બાળકોના માતપિતાને શિક્ષણનું મહત્વ સમજાવીને ધીરે ધીરે કરીને અમુક બાળકોને આ ટ્યુશન આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેઓએ સરથાણા વિસ્તારમાં તથા નાના વરાછા ચોપાટીમાં પણ થોડા દિવસ પહેલા જ ટ્યુશન આપવાનું શરૂ કર્યું હતું.
“યુવા જાગૃતિ એજ્યુકેશન” એક નાનકડું પગલું એવા લોકો દ્વારા કે જેઓએ ફક્ત પોતાના માટે નથી વિચાર્યું પરંતુ એવા બાળકો માટે પણ વિચાર્યું કે જેવો અભ્યાસ જેવી પાયાની જરૂયાતો થી પણ વંચિત રહી ગયા છે તેવા બાળકો ને અભ્યાસ આપવો સમાજ માં પોતાનું આગવું સ્થાન મેળવી શકે તે માટે કટિબદ્ધ છે યુવા જાગૃતિ એજ્યુકેશન. આજના સમયમાં આપણે સૌ જાણીએ છીએ અભ્યાસ નું મહત્વ અને તેની જરૂરિયાત અને એટલા જ માટે કે અભ્યાસ જેવા મૂળભૂત અધિકાર અને જરૂરિયાત થઈ કોઈ પણ બાળક વંચિત ના રહે તેનું સતત ધ્યાન રાખે છે આ ગ્રુપ
આ ઉપરાંત ગ્રુપ દ્વારા બાળકોને આધ્યાત્મિક માર્ગદર્શન પણ આપવાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સંસ્થા બાળકોને ધર્મ અંગેનું જ્ઞાન આપીને ફક્ત પોતાની જાત માટે જીવન ન જીવતા સમગ્ર માનવજાતના કલ્યાણ માટે ઈશ્વર દ્વારા આપવામાં આવેલ આ જીવનનો સાચો ઉપયોગ કરી શકાય. બાળકોને ધર્મનું જ્ઞાન આપીને સંસ્કારોનું પણ સિંચન કરી શકાય તે હેતુથી આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું નક્કી કરેલ છે.
ગ્રુપ ની કાર્યપધ્ધતિ :
અભ્યાસ થી વંચિત રહેલા બાળકો જેવા કે સડક પર રહેતા, અને ભીખ માંગતા બાળકો ને અભ્યાસ નું મહત્વ સમજાવી તેને ભીખ માંગવાની પ્રવૃત્તિ છોડાવી અને અભ્યાસ તરફ વાળવા અને અભ્યાસ માટેની સામાન્ય જરૂરિયાત પૂરી પાડવી જેવી કે સ્ટેશનરી, સ્કૂલ બેગ, નાસ્તો, વગેરે તથા બાળકોને નાના પ્રવાસ કરાવવા થતા બાળકો સાથે વિવિધ તહેવારોની ઉજવણી કરવી વગેરે.
શરૂઆતના સમયમાં આ સેવાકીય કાર્યને શરૂ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ગ્રુપમાં કુલ 15 થી 17 લોકો છે જે આ બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. આ ગ્રુપમાં નિસ્વાર્થ ભાવે કાર્ય કરતાં આ વ્યક્તિઓમાં વિદ્યાર્થીઓ, ગૃહિણી તથા નોકરિયાત વ્યક્તીઓ છે જેઓ વ્યસ્ત જીવનમાંથી પણ આ બાળકો માટે સમય કાઢીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
સડક પર રહેતા બાળકો પણ સારી નોકરી અને સારું ભવિષ્ય ઇચ્છતા હોય છે પરંતુ નાણાકીય પરિસ્થિતિને લીધે તેઓ શિક્ષણ મેળવી શકતા નથી અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકતા નથી. પરંતુ હવે તેમના સપના પૂરા કરવાનું બીડું આ ગ્રુપએ ઝડપ્યું છે.
આ ગ્રુપમાં અમોને સૌથી ઉત્તમ બાબત એ લાગી કે કોઈ વ્યક્તિ આ બાળકો માટે ડોનેશન આપવા ઈચ્છે તો સંસ્થા ને રોકડની સાથે સાથે તમે સ્ટેશનરી, નાસ્તો, કપડાં કે કોઈપણ અન્ય વસ્તુ બાળકોને આપી શકો છો.
તમે કેવી રીતે ગ્રુપની મદદ કરી શકો?
1. સ્વયં સેવક તરીકે : રોજના અથવા અઠવાડિયાના 2 કલાક આવા બાળકોને અભ્યાસ કરાવીને.
2. દાતા તરીકે : બાળકો ને જરૂરિયાત ની વસ્તુઓ દાન કરીને, જેવી કે સ્ટેશનરી, સ્કૂલ બેગ, નાસ્તો, તથા અન્ય જે રીતે દાતાની મરજી મુજબ
3.મધ્યસ્થી તરીકે : તમે અમને મદદ કરી શકો છો દાતા અને સ્વયં સેવક શોધવામાં (જેવી કે તમે સંસ્થા ની કાર્યપધ્ધતિ સોશિઅલ મીડિયા પર પ્રસારિત કરીને અને પોતાના મિત્રો તથા પરિવારને જણાવીને)
જો તમે પણ આ ગ્રુપના આ નિસ્વાર્થ કાર્યમાં આ બાળકોને મદદ કરવા ઈચ્છો છો તો સંસ્થાના મોબાઇલ નંબર ૭૦૪૬૬૨૯૦૮૪ પર સંપર્ક કરી શકો છો.
“યુવા જાગૃતિ એજ્યુકેશન” દ્વારા કરવામાં આવતા આ ઉત્તમ અને નિસ્વાર્થ કાર્યને બીરદાવે છે તથા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે.