ગરીબ બાળકો ભણે માટે આ યુવાનો દર શનિ-રવિ કરે છે રેસ્ટોરાંમાં લાઇવ પર્ફોર્મન્સ, કરી ચુક્યા છે 3 હજાર બાળકોને મદદ
બીજા પાસે દાન લઇ અથવા માત્ર દાન આપી સેવા કરતાં દાતાના ઘણા બધા કિસ્સા સમાજમાં છે. પણ મહેસાણાના યુવાનોનું એક એવું ગૃપ છે કે જે રેસ્ટોરન્ટ અને કેફેમાં લાઇવ પર્ફોમન્સ કરી ભેગી થતી આવક ગરીબ બાળકોના અભ્યાસ પાછળ ખર્ચે છે. આ ગૃપ પોણા બે વર્ષમાં રૂ.3 લાખથી વધુનું ફંડ ભેગું કરી 3 હજારથી વધુ બાળકોને અભ્યાસમાં મદદ કરી ચૂક્યું
બે વર્ષ પહેલાં જમ્મુ-કાશ્મીરના કટુઆથી મહેસાણા અભ્યાસ અર્થે આવેલા રજતસીંગ, બોક્સીંગની પ્રેક્ટીસ માટે શહેરમાં આવ્યા ત્યારે રસ્તામાં ઘણા બાળકોને કપડાંની જરૂરિયાત દેખાઇ હતી. હોસ્ટેલમાં સાથે રહેતા મિત્રોને જરૂરમંદ બાળકોને કપડાં પૂરાં પાડીયે તો કેવું રહે? તેવો પ્રસ્તાવ મૂક્યો. 20 મિત્રો સાથે શહેરની સોસાયટીઓમાં ફરી પોતાની વાત મૂકી કપડાં ભેગા કરી બાળકોને આપવાનું શરૂ કર્યું.
આવા બાળકોને નજીકથી મળ્યા તો બાળકોને કપડાં કરતાં શિક્ષણની વધુ જરૂરિયાત હોવાનું ધ્યાને આવ્યું. જેથી આ યુવાનોએ 6 માર્ચ, 2017ના રોજ 20 સભ્યો સાથે પર્પઝ ઓફ લિવિંગ વેલફેર ફાઉન્ડેશન બનાવ્યું અને ફંડ માટે રેસ્ટોરન્ટ તથા કેફેમાં લાઇવ પર્ફોમન્સ આપવાનું નક્કી કર્યું. આ પર્ફોમન્સ માટે રેસ્ટોરન્ટ કે કેફે માલિક પાસેથી કોઇ રકમ લેવાની જગ્યાએ ત્યાં આવતાં લોકો જે ફંડ આપે તે જ લેવાનું નક્કી કર્યું.
ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી જય ભરતભાઇ પટેલના જણાવ્યા મુજબ, ફાઉન્ડેશન શરૂ થયાના પોણા બે વર્ષમાં 50થી વધુ સભ્યો જોડાયા છે. દર શનિ-રવિવારે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં પર્ફોમન્સ કરી રૂ.3 લાખથી વધુનું ફંડીંગ 3 હજારથી વધુ બાળકોના અભ્યાસ પાછળ ખર્ચ્યું છે. તેમજ જુદી જુદી શાળાના 22 વિદ્યાર્થીઓને ધોરણ-12 સુધી અભ્યાસ માટે દત્તક પણ લીધા છે.