સુરતમાં કડકડતી ઠંડીમાં ઝાડીમાં તરછોડાયેલ નવજાત શિશુનો આ યુવાને બચાવ્યો જીવ, પોતાનો શર્ટ બાળકને ઓઢાડ્યો

છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય તે કહેવત હવે જાણે બદલાઈ ગઈ હોય તેવા કિસ્સા સામે આવી રહ્યાં છે. નવજાત બાળકને તરછોડી દેવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. કતારગામના સિંગણપોર વિસ્તારમાં વણઝારા વાસ નજીક તાપી નદીના કિનારે ઝાડીમાં એક નવજાત બાળકને કડકડતી ઠંડીમાં મરવા માટે તરછોડી દેવાયું હતું. જેને તાપીના પાળે બેસવા ગયેલા યુવાનો પૈકી જેસીબીના ઓપરેટર અને મેનેજમેન્ટનું કામ કરતાં અજય વણઝારા નામના યુવાને શર્ટ કાઢીને બાળકને ઓઢાડી દીધો હતો. ત્યાર બાદ આ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જ્યાં તબીબોએ તેની તબિયત સાધારણ હોવાનું જણાવ્યું હતું.

બાળકના રડવાના અવાજથી ચોંક્યા-બચાવનાર યુવક

કતારગામ સિંગણપોર ગામના વણઝારા વાસ નજીક તાપી નદીના પાળા પર જેસીબી મશીનમાં ઓપરેટર અને મેનેજમેન્ટનું કામ કરતો અજય વણઝારા તેના મિત્રો સાથે રાત્રિના સમયે બેસવા માટે ગયો હતો. આ દરમિયાન તાપી નદીના કિનારે આવેલી ઝાડીમાંથી બાળકના રડવાનો અવાજ સાંભળીને તમામ મિત્રો ચોંકી ગયાં હતાં. જેથી સૌ પ્રથમ પોલીસને જાણ કરી દઈને અજયે ઝાડીમાં ઉતરી બાળક પાસે ગયો હતો. બાળક નવજાત હતું તેની નાળ પણ કપાઈ ન હોય તેમ લાગતું હતું. તાજા જન્મેલા બાળકને કોઈ એક પણ કપડું ઓઢાડ્યાં કે પહેરાવ્યાં વગર તરછોડી ગયું હતું.

અજયે પોતાનો શર્ટ બાળકને ઓઢાડ્યો

કડકડતી ઠંડીમાં બાળકને કોઈ મરવા માટે ઝાડીમાં છોડી ગયા હોય તેમ અજયને લાગતાં એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર અજયે પોતાના શરીર પર રહેલો શર્ટ કાઢીને બાળકને ઓઢાડી દીધો હતો. બાદમાં અજય બાળકને પાળા પર લઈને આવી ગયો હતો. આ દરમિયાન પોલીસ પણ આવી ગઈ હતી.સાથે જ 108 એમ્બ્યુલન્સ પણ આવી જતાં બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. બીજી તરફ બાળકને જન્મ બાદ ત્યજી દેનાર નિષ્ઠુર જનેતા સામે લોકોએ ફિટકાર વરસાવી હતી. સાથે જ પોલીસે બાળકને ત્યજી દેનાર માતા અને પરિવારની શોધખોળ હાથ ધરી છે.

અજયના કામની પ્રશંસા કરાઈ

પોલીસે અજય વણઝારાની કામગીરીને બિરદાવી હતી. સાથે જ અન્ય લોકોએ પણ અજયના કામની પ્રશંસા કરતાં બાળકને નવું જીવન અપાવ્યું હોવાનું કહ્યું હતું. સ્થાનિકોએ કહ્યું હતું કે, કદાચ અજયએ આ કામ ન કર્યું હોત તો નવજાત બાળકને કૂતરાઓ પોતાનો શિકાર બનાવી ગયા હોત.

બાળકની સ્થિતિ હાલ સામાન્ય

સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુ વોર્ડમાં દાખલ નવજાત બાળકની તબિતય હાલ સાધારણ હોવાનું કહેતા તબીબોએ જણાવ્યું હતું કે, બાળક તંદુરસ્ત છે તેનો વજન પણ 1.7 કિલોગ્રામ જેટલો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો