અનંતયાત્રાએ નીકળેલી 9 વર્ષિય યાત્રીએ બે વ્યક્તિના જીવનમાં રોશની કરી
કતારગામમાં 9 વર્ષની દીકરીનાં નિધન બાદ નેત્રદાનનો પ્રેરણાદાયી કિસ્સો જોવા મળ્યો છે. અનંત યાત્રાએ નીકળેલી કતારગામની ‘યાત્રી’ બે લોકોને આંખોનું દામ કરી માનવસેવા સાથે પોતાની સુવાસભરી યાદ છોડી ગઈ છે.
કુટુંબીજનોએ નેત્રદાન કરવા નિર્ણય લીધો
સૌરાષ્ટ્રમાં મૂળ બોટાદ જીલ્લાનાં ગઢડા તાલુકાનાં લીંબાળા ગામનાં વતની અને કતારગામનાં વેડ રોડ પર આવેલી પરશોત્તમનગર ખાતે સ્થાયી થયેલા નરેશભાઈ કાન્તીભાઈ કાત્રોડિયા હીરાની પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવી પરિવાર સાથે ગુજરાન ચલાવે છે. તેમને પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે. થોડા દિવસ પૂર્વે તેમની 9 વર્ષીય દીકરી યાત્રી નરેશભાઈ કાત્રોડિયા સામાન્ય તાવ ભરાતા લાલ દરવાજા ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. પરંતુ માત્ર એક દિવસમાં બાળકીના મગજમાં તાવ ભરાઈ જતાં બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. અને મૃત્યુ થયું હતું. દીકરીનાં અકાળે અવસાનને લઈને પરિવાર ઘેરા શોકમાં સરી પડ્યો હતો. દીકરીનાં જીવનને સાર્થક બનાવવા પિતા નરેશભાઈ કાત્રોડિયા, માતા રંજનબેન કાત્રોડિયા અને કુટુંબીજનોએ નેત્રદાન કરવા નિર્ણય લીધો હતો.
પરિવાર સાથે સમગ્ર સોસાયટીનાં રહિશો પણ ઘેરા શોકમાં
નાની વયે ભણવામાં મોટેરાને શરમાવે તેવી હોંશિયાર અને ચપળ યાત્રીનો બે મહિના પહેલાં જ નવમો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. સાથી મિત્રો સાથે હળીમળીને ખેલ-કૂદ અને ધીંગામસ્તી કરતી યાત્રી સોસાયટીમાં પણ સૌ કોઈની લાડકી બની ગઈ હતી. ત્યારે ઓચિંતા દીકરીનું નિધન થતાં પરિવાર સાથે સમગ્ર સોસાયટીનાં રહિશો પણ ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતાં. પરિવારનાં સત્કર્મથી નવી બે વ્યક્તિઓના જીવનમાં અજવાળા પથરાયા છે. સદગત ચક્ષુદાતા કુ.યાત્રી નરેશભાઈ કોત્રોડિયાનું ચક્ષુદાન કુટુંબીજનોનાં સહયોગથી લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અને રેડક્રોસ બ્લડ બેંકનાં પ્રમુખ ડો. પ્રફુલભાઈ શિરોયાએ સ્વીકાર્યું હતું. જેમાં ડો. વિજય ગોલકિયાએ ચક્ષુદાન મેળવવા સેવા આપી હતી.
દીકરીનાં પ્રેમાળ સ્વભાવને કારણે નેત્રદાન કર્યું
નરેશભાઈ કાત્રોડિયા(પિતા)એ જણાવ્યું હતું કે, યાત્રીનો પ્રેમાળ અને બીજાને મદદ કરનારો સ્વભાવ હજુ પણ બધાને રડાવી જાય છે. ભણવામાં પણ હોંશિયાર હતી. શાળામાં પણ બાળકો અને શાળાના આચાર્ય તેમજ શિક્ષકો સાથે હળીમળીને રહેવાનાં મળતાવડા સ્વભાવથી તેણી શિક્ષકોની પણ ફેવરિટ સ્ટૂડન્ટ બની ગઈ હતી. દીકરીની યાદમાં અમે પરિજનોએ નેત્રદાન કરવા નિર્ણય કર્યો છે.