વડોદરાની પ્રજાએ અમને ખુબ જ સહકાર આપ્યો પણ બાળકોના ભવિષ્યની ચિંતા કોરી ખાય છે, હવે સરકાર કંઇક કરે તેવી આશાઃ શહીદની પત્ની
વડોદરાનો બીએસએફનો જવાન સંજય સાધુ આસામ બોર્ડર પર પશુ તસ્કરી દરમિયાન પાણીમાં પડી જતા શહીદ થતાં આજે તેના સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેની પત્ની અંજના સાધુ ચોધાર આંસુએ રડતી હતી. અંજનાને તેના પતિની શહીદી પર ગૌરવ છે, પણ બાળકોના ભવિષ્યની ચિંતા છે. અંજના સાધુએ જણાવ્યું હતું કે, દેશ માટે મારા પતિ શહીદ થયા તેનું હું ખુબ જ ગૌરવ અનુભવુ છું. પણ મારા બાળકોનું હવે શું થશે તેની ચિંતા મને કોરી ખાય છે. સરકાર મારા બાળકો માટે કંઇક કરે તેવી માંગણી છે.
લોકોની જેમ સરકારે પણ સહકાર આપવો જોઇએઃ શહીદની પત્ની
વીર શહીદ સંજય સાધુની પત્ની અંજના સાધુએ જણાવ્યું હતું કે, હું કાલે એરપોર્ટ પર ગઇ હતી. તે સમયે વડોદરાની જનતાએ ભરપુર સહકાર આપ્યો હતો. આવો જ સહકાર અમને સરકારે આપવો જોઇએ. હું માત્ર મારા બાળકોનું જ વિચારુ છું. બીજું હું કશું જ વિચારતી નથી.
શહીદ જવાન સંજય સાધુને ત્રણ બાળકો છે
આસામ સરહદ પર શહીદ થયેલા બીએસએફના જવાન સંજય સાધુને બે પુત્રીઓ અને એક પુત્ર છે. જેમાં શ્રદ્ધા(8), આસ્થા(3) નામની બે પુત્રીઓ અને દોઢ વર્ષનો પુત્ર ઓમ છે. શહીદ જવાનની પત્નીને આ બાળકોના ભવિષ્યની ચિંતા છે.
દિલ્હી સરકારની જેમ 1 કરોડની સહાય આપવી જોઇએ
વડોદરાના આરએસપીના કાઉન્સિલર રાજેશભાઇ આયરેએ જણાવ્યું હતું કે, દિલ્હી સરકાર શહીદ જવાનોના પરિવારોને 1 કરોડ રૂપિયા સહાય આપે છે. જેની સામે ગુજરાત સરકારની સહાય ખુબ જ ઓછી છે. તેવી જ રીતે ગુજરાત અને કેન્દ્ર સરકારે વડોદરાના શહીદ જવાન સંજય સાધુના પરિવારજનોને એક કરોડ રૂપિયાની મદદ કરવી જોઇએ. જેથી તેમના 3 બાળકોનું ભવિષ્યનું સારી રીતે ઘડતર થઇ શકે.
સરકાર તમામ સહાય શહીદ જવાનને આપશે
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, અમે શહીદના પરિવાર સાથે જ છીએ. શહીદોને મળવા પાત્ર તમામ સહાય શહીદ જવાન સંજય સાધુને સરકાર દ્વારા આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.