ગુજરાતની 2000 મહિલાઓ દારૂ બંધ કરાવવા માટે 15 કિ.મી.ની પદયાત્રા કરીને પોલીસ સ્ટેશને આવી
તાપી જિલ્લાના છેવાડાના કુકરમુન્ડા તાલુકાના બહુરૂપા ગામની મહિલાઓ દ્વારા દારૂબંધી કરવામાં આવે તેમજ દારૂ વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ગુરુવારના રોજ બહુરૂપા ગામની મહિલાઓ 15 કિમી પગપાળા ચાલીને નિઝર પોલીસ સ્ટેશને ચાલતી પહોંચી હતી અને લેખિતમાં દારૂબંધી પર કડક અમલ માટે રજૂઆત કરી હતી.
લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અમારા ગામમાં દારૂના લીધે ઘણી મહિલાઓ વિધવા થઈ ગઈ છે. જેથી મહિલાઓની પરિસ્થિતિ દયનિય બની ગઈ છે. જેથી આ મહિલાઓ અને તેમના બાળકોને ભોજન પણ મળતું નથી. એટલી ખરાબ પરિસ્થિતિ ઉભી થઈ છે. મહિલાઓને દારૂના લીધે ઘરેલુ હિંસાનો ત્રાસ પણ વેઠવો પડી રહ્યો છે. અગાઉ પણ ગામના પાંચ જાગૃત નાગરિકોએ દારૂ બંધી કરવાની રજૂઆત કરી હતી. તેમ છતાં પણ દારૂનો ધંધો બંધી કરવામાં આવ્યો નથી. જ્યારે ગામની મહિલાઓ દ્વારા દારૂ વેચવા વાળાને ધંધો બંધી કરવા કહેવા જતા અમે પોલીસવાળાને હપ્તો આપીએ છીએ તેથી અમે દારૂનો ધંધો બંધી કરવાના નથી. એવી ધમકીઓ આપતા હતા. જેથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
2000 મહિલાઓ 15 કિ.મી. ચાલીને પોલીસ સ્ટેશને આવી
પોલીસને મહિલાઓએ એવી રજૂઆત કરી હતી કે, કૂકરમુંડા તાલુકાના બહૂરૂપા ગામમાં છેલ્લા ઘણા સમયથી દારૂનું વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. આ બાબતે ગામના નાગરિકોએ ઘણીવાર લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. છતાં કોઈ નિરાકરણ નથી આવી શક્યું. દારૂની બદી એટલી વ્યાપક બની ચૂકી છે કે, 60 ટકાથી વધુ લોકો દારૂનું સેવન કરવા માંડ્યા છે. પરિણામે યુવા અવસ્થામાં જ મોટા ભાગના લોકોના મોત થઈ રહ્યાં છે. યુવાન મહિલાઓ વિધવા બની રહી છે. ઘરમાં કમાતી વ્યક્તિ જ ના હોય તો પરિવારનું ગુજરાન ચલાવવાની પણ સ્થિતિ કપરી બની રહી છે. સામાજિક સ્થિતિ ખૂબ ગંભીર બની રહી છે.
પોલીસ આ સ્થિતિમાં ગંભીરતા દાખવે અને ગેરકાયદે પ્રવૃત્તિને બંધ કરાવે તેવી માગણી સાથે સ્થાનીક મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી હતી. બહૂરૂપા ગામની 2000થી વધુ મહિલાઓ 15 કિલોમીટર દૂરથી ચાલતી આવીને નિઝર પોલીસ મથકે પહોંચી હતી. મહિલાઓએ દારૂ વેચાણ કરતા 12 લોકોના નામની યાદી પણ પોલીસને આપી હતી. ગામમાં જ દારૂ વેચાણ કરતા આ તમામ બાર શખ્સોની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.