વડોદરાના દેથાણ ગામમાં ઘાસ કાપવા ગયેલી મહિલા પર 6 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચરી ગળે ટૂંપો દઈને મહિલાને મોતને ઘાટ ઉતારી

વડોદરા LCBએ ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીની ધરપકડ કરી
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ ગામમાં 6 નરાધમે સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ મહિલાની હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. હત્યા કર્યા બાદ હત્યારાઓએ મહિલાની લાશ ખેતરમાં જ ફેંકી દીધી હતી. વડોદરા જિલ્લા પોલીસનો ડોગ એક આરોપી પાસે જઈને ભસતાં પોલીસે સમગ્ર કેસનો પર્દાફાશ કર્યો હતો. વડોદરા LCBએ ગણતરીના કલાકોમાં જ 6 આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સ્નિફર ડોગે રેપ વિથ મર્ડરનો પર્દાફાશ કર્યો
કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલાની એકલતાનો લાભ લઇ સામૂહિક દુષ્કર્મ આચરી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારનાર 6 નરાધમની જિલ્લા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય બાબત એ છે કે કરજણ તાલુકાના ચકચારી રહસ્યમય રેપ વિથ મર્ડરના બનાવનો પર્દાફાશ જિલ્લા પોલીસ તંત્રના સ્નિફર ડોગ જાવાએ કર્યો છે.

6 હવસખોરોએ સામૂહિક દુષ્કર્મ આચર્યુ
વડોદરા જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઇએ આ બનાવની માહિતી આપતાં જણાવ્યું હતું કે પાદરા તાલુકાની પરિણીતાને પતિ સાથે અણબનાવ બનતાં 17 વર્ષથી પોતાનાં બે સંતાનો સાથે રહેતી હતી અને ખેતમજૂરી કરીને પોતાનું તથા પોતાનાં સંતાનોનું ગુજરાન ચલાવતી હતી. 16 ઓગસ્ટની સાંજે રાબેતા મુજબ તે ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગઇ હતી. એ સમયે 6 હવસખોરો ધસી આવ્યા હતા અને મહિલાની એકલતાનો લાભ લઇ તેના ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

દુપટ્ટાથી મહિલાનું ગળું દબાવીને હત્યા કરી
દુષ્કર્મ આચર્યા બાદ ફફડી ગયેલા નરાધમોએ પુરાવાનો નાશ કરવા માટે દુપટ્ટાથી મહિલાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા. દરમિયાન મોડી રાત સુધી મહિલા ઘરે પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. મહિલા પાસેના મોબાઇલ ફોનની રિંગ મારતાં-મારતાં શોધખોળમાં નીકળેલા પરિવારને એકાએક ખેતરમાં રિંગ સંભળાતાં પરિવાર સ્થળ પર પહોંચ્યો હતો, જ્યાં મહિલાના મોતને ઘાટ ઉતારાયેલી હાલતમાં જોતાં અને તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું ધ્યાનમાં આવતાં ચોંકી ઊઠ્યા હતા.

ડોગ-સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇ તપાસ શરૂ કરી
દરમિયાન પરિવારે કરજણ પોલીસ મથકમાં મહિલાની હત્યા અને તેના ઉપર દુષ્કર્મ થયું હોવાની શંકા સેવતી ફરિયાદ નોંધાવતાં પોલીસે ડભોઇ ડિવિઝનના ડીવાયએસપી કલ્પેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ ડી.બી. વાળા અને કરજણ પી.આઇ. એમ.એ. પટેલે પોતાના સ્ટાફ, ડોગ-સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇ તપાસ શરૂ કરી હતી.

જાવાના નામના ડોગને સાથે રાખી તપાસ કરી
વડોદરા જિલ્લા પોલીસવડા સુધીરકુમાર દેસાઇએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લા પોલીસની ટીમ દ્વારા પોલીસતંત્રમાં તાજેતરમાં જ નવા આવેલા જાવાના નામના ડોગના ડોગ-હેન્ડલર અનાર્મ હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ મોહનિયાને સાથે રાખી ગુનાના સ્થળથી મહિલાનો દુપટ્ટો અને ઘટનાસ્થળે પડેલી પાણીની બોટલની સ્મેલ લેવડાવી જાવાને આરોપીઓની શોધખોળ માટે તપાસ કરાવી હતી.

જાવા ઘટનાસ્થળથી 500થી 700 મીટર દૂર આવેલી વસાહત પાસે જઇ અટકી ગયો હતો અને વસાહતમાં જઇ એક વ્યક્તિ પર શંકા સેવી ભસવા લાગતાં પોલીસે તેની અટકાયત કરીને ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે બિહારનો રહેવાસી અને નામ લાલ બહાદુર ગિરજારામ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તેણે મહિલા સાથે અન્ય પાંચ સાગરીતોએ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબૂલાત કરી હતી.

આરોપીએ પોલીસ પૂછપરછમાં દુષ્કર્મ અને હત્યાની કબૂલાત કરી
લાલ બહાદુર ગિરજારામે એવી પણ કબૂલાત કરી હતી કે હું તેમજ સાથી મિત્રો ખેતર પાસેના રેલવે-ટ્રેક પર બેઠા હતા. એ સમયે ખેતરમાં ઘાસ કાપવા જઇ રહેલી મહિલાને જોતાં તેનો પીછો કર્યો હતો અને એ બાદ મહિલાને પકડી તેની ઉપર તમામે દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચર્યા બાદ દુપટ્ટાથી તેના ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પોલીસે 6 આરોપીની ધરપકડ કરી
પોલીસે લાલ બહાદુર ગિરજારામની કબૂલાતના આધારે મહિલા ઉપર દુષ્કર્મ આચરનાર દિલીપ શ્રીમુખલાલ ચૌધરી (મુનિમ) (રહે. લેધુકા, જિ. પલામુ, ઝારખંડ), જગ્ગુપ્રસાદ સુભાષચંદ પંડુ (રહે. જરહા, જિ. સોનભદ્ર, યુ.પી.), પ્રમોદ રામચરણ પંડુ (રહે. જરહા, જિ. મિરજાપુર, યુ.પી.), રામસુરત સુભાષચંદ પંડુ (રહે., જરહા, જિ. સોનભદ્ર, યુ.પી.) અને અર્જુન લાલચંડ પંડોર (રહે. બડાડુ, જિ. સોનભદ્ર, યુ.પી.)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો