કોણ કોણ કેવી રીતે આ 22ના હત્યારાઓ: રૂપિયાની લાલચમાં ગેરકાયદે કામ, અધિકારીઓના આંખ આડા કાન
22નાં મોત બાદ પાલિકાની ફાઈલોમાંથી સત્ય ઉજાગર થયું છે. જેમાં એકની જગ્યાએ બે માળ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને કાપોદ્રા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર કિર્તિ મોઢને સસ્પેન્ડ કરતો હુકમ કરાયો હતો. આ ઘટનામાં મુખ્ય જવાબદાર જે તે સમયના વરાછા ઝોનના ઝોનલ ચીફ, ઝોનલ અધિકારી, શહેર વિકાસ ખાતાના અધિકારીને સિફતપૂર્વક બચાવવાનો કારસો રચાયો છે.
બીજી તરફ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે પાલિકા કમિશનર અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. 2005માં સરથાણા સુડામાં હતુ ત્યારે જ ગ્રાઉન્ડ વત્તા 1 માળનું ગેરકાયદે બાંધકામ થયું હતું. 2006માં સરથાણા પાલિકામાં શામેલ કરાયું હતું. 2010માં બિલ્ડર બેફામ બનતા બીજો અને ત્રીજો માળ પણ ગેરકાયદે તાણી દેવાયો હોવા છતાં પાલિકાના આ જવાબદાર અધિકારીઓને તે દેખાયું જ નહીં. જો રૂપિયા નથી ખાધા તો 8 વર્ષથી આંધળા કેમ બની ગયા હતા?
બિલ્ડર: આખી બિલ્ડિંગ જ ગેરકાયદે ઊભી કરી
2011માં ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા માટે રાજ્ય સરકારે ઇમ્પેકટ ફીનો કાયદો અમલમાં લાવતા. આરોપી બિલ્ડરોએ બમણું ભાડું મેળવવાની લહાયમાં 2012માં બાંધકામ કાયદેસર કરવા અરજી કરી હતી. 2013ના 8માં માસમાં ઇમ્પેકટ ફી ભરી કાયદેસર કરાવ્યુંું હતું. 2015માં બિલ્ડરને સર્ટીફિકેટ ઓફ રેગ્યુલાઇઝેશન (સીઓઆર) આપવામાં આવ્યું.
કોચિંગ સંચાલક: ગેરકાયદે જગ્યા લઇ પાર્ટિશન કરી દીધું
કોચિંગ ક્લાસ છેલ્લાં છ વર્ષથી ગેરકાયદે ધમધમતુ હતુ. ચોથો માળ ગેરકાયદે હતો અને પતરાંનો શેડ ઊભો કરી દેવાયો હતો. રોજ કુલ પાંચથી વધુ બેચ હતા. દરેક બેચમાં 30 વિદ્યાર્થીઓ બેસતા હતા. કોચિંગ સંચાલકેએ ચોથા માળે આડેધડ પાર્ટિશન કરીને 4થી 5 ક્લાસ ઊભા કર્યા હતા. હોનારત સમયે મુખ્ય ગેટનો માર્ગ બ્લોક થઈ ગયો હતો. ફાયર સેફ્ટિની નહતી. એક વિદ્યાર્થિનીએ તો કોચિંગ ક્લાસના એસીમાં સ્પાર્ક થતા જોયો હતો.
પાલિકાઃ અધિકારીઓ છ વર્ષ સુધી ઊંઘતાં રહ્યા
બિલ્ડિંગનું કામ 2005માં શરૂ થયું આ સમયે સરથાણા સુડામાં હતો ત્યારબાદ પાલિકામાં આવ્યો. 2011 સુધી ગેરકાયદે બાંધકામ છેક ચોથા માળ પહોંચ્યુ હતું. પી.ડી. મુન્શીએ ઇમ્પેક્ટ ફી ભરાવી તેની ફાઇલ પર સહી કરી હતી.વરાછા ઝોનમાં અ્નેક કા.પા ઇજનેર અને ચીફ બદલાયાં. આજે દેબાસિસ ગોહિલ વરાછા ન્યૂઝોનના કાર્યપાલક ઇજનેર હોવા છતાં તેમણે આની તપાસ જ નહીં કરી.
ફાયર બ્રિગેડઃ આગની હોનારતો વચ્ચે સરવે ન કરાયો
ફાયરે છેલ્લાં 14 વર્ષ સુધી આ બિલ્ડિંગની ફાયર સેફ્ટી જ ચેક નહી કરી. ઓર્ચિડ, લેન્ડમાર્ક અને આગમની ઘટના બાદ પણ અહીંયા સરવે કરાયો નહીં. ફાયરે 15 મિટર ઊંચી ઇમારતોને નોટિસનુ નાટક કરીને બેસી રહ્યુ, આ બિલ્ડિંગ 15 મિટર કરતાં ઉંચી હોવાથી તેમા સરવે કરાયો નહીં. આમ બંનેની બેદરકારીના કારણે આટલી મોટી હોનારત સર્જાઈ હતી.