પ્લાસ્ટિકનો કચરો ન ફેલાવવા માટે અલગ રીતે આપ્યો મેસેજ, 15000 પ્લાસ્ટિકની વેસ્ટ બોટલમાંથી તૈયાર કર્યું વોલ આર્ટ

મસૂરી હિલ સ્ટેશન પર દર વર્ષે હજારો પ્રવાસીઓ ફરવા માટે આવે છે. મોટા ભાગે દિલ્હી અને પંજાબના સહેલાણીઓ ફરવાના સ્થળમાં પ્રથમ પસંદગી મસૂરીની જ કરે છે. આ ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન પર સ્થાનિકોએ પ્રવવાસીઓને કચરો ન ફેલાવવાનો મેસેજ આપતી દીવાલ બનાવી છે.

આ દીવાલનું નામ ‘વોલ ઓફ હોપ’ છે. તેમાં ખાસ વાત એ છે કે, તેની પર 15 હજાર પ્લાસ્ટિક બોટલની મદદથી આર્ટ તૈયાર કર્યું છે. આ દીવાલ 12 ફીટ ઊંચી અને 1500 ફીટ લાંબી છે. પહેલી નજરે વોલ આર્ટ જોઈને કોઈ ન કહી શકે કે, તે પ્લાસ્ટિકની વેસ્ટ બોટલમાંથી બનાવ્યું છે.

આ પ્લાસ્ટિકની બોટલ મસૂરી અને તેના આજુબાજુનાં વિસ્તારમાંથી રસ્તા પરથી એકઠી કરવામાં આવી છે. મોટાભાગના પ્રવાસીઓ પ્લાસ્ટિકનો કચરો ફેલાવીને મસૂરી જેવા સુંદર હિલસ્ટેશનને ખરાબ કરે છે.

દીવાલ કરતાં પણ જોરદાર વાત તો એ છે કે, આ વોલ આર્ટને કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટે તૈયાર નથી કર્યું. સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું છે. આ વોલ આર્ટ હિલદારી પ્રોજેક્ટનો એક ભાગ છે. હિલદારી ગ્રુપના મેનેજર અરવિંદ શુક્લાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, મસૂરીમાં વોલ આર્ટ તૈયાર કરવા માટે કોલેજ અને સ્કૂલના 50 વિદ્યાર્થીઓએ મદદ કરી હતી. આ ઉપરાંત સ્થાનિકોએ પણ મદદ કરી. તેમની મહેનતને લીધે આ પ્રોજેક્ટમાં અમને ધાર્યા કરતાં વધારે સફળતા મળી છે. અમને આશા છે કે, મસૂરીને અમે ભારતનું પ્રથમ સ્વચ્છ હિલ સ્ટેશન બનાવવામાં સફળ રહીએ.

સ્થાનિક રહેવાસી સીમા સેમવાલે ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું કે, અમને આ વોલ આર્ટ ખૂબ જ પસંદ આવ્યું છે. હવે અમારા શહેરની સુંદરતામાં વધારો થઈ ગયો છે. વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો આ એક યુનિક પ્રયોગ છે. દેશના લોકોએ પણ પ્લાસ્ટિકનો આ રીતે પ્રયત્ન કરવો જોઈએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો