એક એવું ગામ જ્યાં દીકરી જન્મે તો 1 હજારનું ઈનામ, વૃક્ષો ઉછેરો તો વેરામાં રાહત
કોડીનાર તાલુકામાં આવેલા વિઠ્ઠલપુર ગામ ભલે નાનું હોય પરંતુ તે ગામનું કામ મોટું છે. થોડા સમય પહેલા સ્માર્ટ વિલેજ જાહેર થયું ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની નજર તે ગામ ઉપર હતી. ત્યારે ગ્રામપંચાયત દ્વારા વિવિધ ત્રણ યોજનાઓની જાહેરાત પણ કરી છે. જેમાં જો ગામમાં દિકરીનો જન્મ થાય ત્યારે પરિવારને ૧ હજાર રૂપિયાનું ઈનામ તેમજ ગ્રામજનો દ્વારા ઘર આંગણે વૃક્ષનો ઉછેર કરે તેને કરવેરામાંથી રાહત આપતી યોજનાની જાહેરાત કરી છે. આમ આ ગામે સ્માર્ટ વિલેજની વ્યાખ્યાને સાર્થક બનાવી છે.
કોડીનાર નજીક આવેલા વિઠ્ઠલપુરની વાત જ કંઈક અલગ છે. આ ગામમાં પગ મુક્તાની સાથે જ આપણે વિદેશમાં આવ્યાં હોય તેવી અનુભૂતી કરાવે છે. સ્માર્ટ વિલેજ એવા આ ગામે ફરી એક વાર અન્ય ગામોને પણ ઉમદા ઊદાહરણ પુરૂ પાડયું છે. ગામના યુવા સરપંચ પ્રતાપભાઈ મહિડાએ તારીખ ૨૬ જાન્યુઆરીના રોજ ગામના વિકાસ માટે વિવિધ ત્રણ યોજનાઓની જાહેરાત કરી છે. જેમાં દિકરીઓ માટે દિકરી વધાવો-દિકરી ભણાવો નામની યોજનાની જાહેરત પણ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગામમાં કોઈપણ ઘરે દિકરીનો જન્મ થાય ત્યારે રૂ.૧ હજારનું ઈનામ આપવામાં આવશે. તેમજ તે દિકરીઓના શિક્ષણ અને આરોગ્યની જવાબદારીમાં ગ્રામપંચાયત સાથ આપશે. વર્તમાન સમયમાં દિકરીના જન્મદરનો વધારો કરવા માટે તેમજ દિકરી જન્મને પ્રોત્સાહન આપવા માટે આ યોજનાની જાહેરાત કરાઈ છે.
આ ઉપરાંત ગ્રામપંચાયત દ્વારા વિદ્યાર્થી દતક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ ધોરણ ૧થી ૮માં અભ્યાસ કરતા અને આર્થીક રીતે નબળા, અનાથ હોય તેવા ૮ વિદ્યાર્થીઓને ગ્રામપંચાયત દતક લેશે. દતક લીધેલા તમામ વિદ્યાર્થીઓનો ધોરણ ૮ સુધીનો અભ્યાસનો તમામ ખર્ચો ગ્રામ પંચાયત ચુકવશે. ગામમાં વસતા કોઈ પણ બાળક શિક્ષણથી વંચીત રહી ના જાય તે માટે આ યોજના બનાવામાં આવી છે.
આ ઉપરાંત ગ્રામજનોમાં પર્યાવરણની જાગૃતિ આવે તે માટે પણ સરપંચ દ્વારા વિશેષ યોજના બનાવમાં આવી છે. જેમાં ગામમાં દરેક ઘરને એક વૃક્ષ આપવામાં આવશે. આ વૃક્ષનો ઉછેર ગ્રામજનો કરશે. આ ઉપરાંત જે લોકો આ વૃક્ષનો ઉછેર ૧૫ ફુટ જેટલો કરશે તે ઘરને વેરામાંથી ૨૦ ટકા રાહત ગ્રામપંચાયત આપશે. સાથે જ ગામમાં વસતા લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે તેવો ઉમદા હેતું પણ સિદ્ધ થશે.
વિઠ્ઠલપુર ગામનું સુકાન યુવા સરપંચ પ્રતાપભાઈ મહિડાએ સંભાળ્યું છે ત્યારથી આ ગામ આસપાસના વિસ્તારોમાં આવેલા ગામો માટે આદર્શ ગામ બનીને સામે આવ્યું છે. આ ઉપરાંત આ ગામ પહેલું એવું હશે કે, જ્યાં સીસીટીવી કેમેરા, ફ્રી વાઈફાઈ તેમજ ૧૦૦ ટકા શૌચાલયોથી સુસજ્જ હોય. તેમજ ગામના પ્રવેશ દ્વાર અને રોડ, રસ્તા જોતા એવું લાગે કે જાણે આપણે વિદેશમાં ફરી રહ્યાં હોવાની અનુભતિ થાય. ત્યારે આગામી દિવસોમાં પણ ગામમાં મિલ્ક એટીએમ, આરઓ પ્લાન્ટ, મહિલાઓને સ્વનિર્ભર બનાવવા ગૃહ ઉદ્યોગ અને ગામને સ્વચ્છ બનાવવા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સહિતની યોજનાઓ પણ અમલમાં મુકવામાં આવશે તેમ સરપંચે જણાવ્યું છે.
ગામમાં સંપૂર્ણ દારૂ બંધી : રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતા પણ અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં દારૂની રેલમછેલ થતી હોવાની વાતો અનેક વખત પ્રકાશમાં આવી છે. ત્યારે વિઠ્ઠલપુર ગામમાં સંપૂર્ણ દારૂબંધી છે. છ વર્ષ પહેલા ગ્રામજનો દ્વારા ૬ દિવસ માટે ગામમાં દારૂબંધી કરવામાં આવી હતી. પરંતુ આજે ગામ સંપૂર્ણ રીતે દારૂબંધીની અમલવારી કરવામાં આવી છે.