સાવજનું કાળજું ધરાવતા લોકનેતા વિઠ્ઠલભાઈએ લીધેલા એક અભૂતપૂર્વ પ્રજાલક્ષી નિર્ણયની વાત
સાવજનું કાળજું ધરાવતા લોકનેતા વિઠ્ઠલભાઈના પ્રજા માટે હટકે લીધેલ નિર્ણયોની યાદી બહુ લાંબી છે.પરની પીડા પોતીકી બને ત્યારે સાચુકલા કામો થતા હોઈ છે.આવા કાર્યો થકી જ નેતા લોકહૃદયમાં ચિરકાળ પોતાનું સ્થાન લેતા હોઈ છે.વિઠ્ઠલભાઈ આવા લોકનેતાઓની જમાતમાંથી આવે છે.એમણે લીધેલા એક અભૂતપૂર્વ પ્રજાલક્ષી નિર્ણયને આવો વાગોળીએ.
અમારા સાવજને ઘણી ખમ્મા !
‘ વિઠ્ઠલભાઈ ! એક વાત કહું ?’
“હમમ …બોલોને !”
‘જીવનમાં પહેલીવાર તમને મુંજાયેલા મુંજાયેલા અનુભવતો હોઉં એવું મને લાગે છે.’
મગનભાઈ દ્વારા પૂછાયેલા પ્રશ્ન પછી પણ વિઠ્ઠલભાઈ નિરુત્તર રહેતા મગનભાઈની મુંજવણ વધી ગઈ.એ બોલી ઊઠ્યા.
‘તમને દેખીતી કોઈ તકલીફ હોઈ એવું તો મને નથી દેખાતું. પણ તોય ! આજ પહેલા કોઈ દિવસ મેં તમને આવી મુંજવણમાં હો એવું નથી જોયું.’
મગનભાઈ બોલી રહ્યા હતા અને વિઠ્ઠલભાઈ સાંભળી રહ્યા હતા. ચૂપ વિઠ્ઠલભાઈને જોઈને હવે તો મગનભાઈની મુંજવણ પણ વધી ગઈ.
‘કોઈ રાજકીય પ્રશ્ન છે ? શરીરની કોઈ પીડા છે ? કે પછી… ? ? ?’
મગનભાઈ બોલતા હતા પણ જવાબ મળતો નહોતો.
વિઠ્ઠલભાઈને બહુ મોટા ઊદ્વેગે ઘેરી લીધા હતા.સૂનમૂન બેઠેલા ધરતીપુત્ર અને ખેડૂતોના મસીહાને આમ મુંજવણમાં જોઈને બાજુમાં બેઠેલા અન્ય બે જણ પણ કશુક અઘટિત ન થયું હોઈ તો સારું એમ વિચારીને ઢીલે ચહેરે જોઈ રહ્યા હતા.
‘વિઠ્ઠલભાઈ ! શું થયું છે તમને ? કંઈક કહો તો સૂજ્ક્યો પડે.’
એકદમ ચૂપ અને મૌન વિઠ્ઠલભાઈને જોઈને, ન રહેવાતા મગનભાઈએ બાવડું થોભી વિઠ્ઠલભાઈને રીતસર હલબલાવી નાખ્યા.
‘ વિઠ્ઠલભાઈ તમે જ અમને શીખવ્યું છે કે ગમે એવી વિપરીત પરિસ્થિતિમાં પણ હિંમત નહીં હારવાની.હિંમત હારવી તમારો સ્વભાવ જ નથી તો તમે આજ નાસીપાસ કેમ દેખાઓ છો?
‘મગનભાઈ એકસામટુ ઘણું બધું બોલી ગયા.
“તમને એમ લાગે છે કે મને કોઈ રાજકીય પ્રશ્ન મુંજવી રહ્યો છે?”
અત્યાર સુધી ધીર ગંભીર પણે સાંભળી રહેલા વિઠ્ઠલભાઈ આખરે બોલ્યા.
” મગનભાઈ ! હું પોતે રાજકારણને મુંજવનાર માણસ છું.રાજકારણ મને શું મુંજવી શકવાનું હતું ! ? જ્યાં સુધી મારા મતદારો, મારો ખેડૂત અને મારો સમાજ સાબૂત છે ત્યાં સુધી વિઠ્ઠલ રાદડિયાને એના પોતાના રાજકારણની ચિંતા નથી.વિઠ્ઠલ રાદડિયાને જે ‘દિ રાજકારણ મુંજવે તે ‘દિ માનવાનું કે દિવસ આથમણો ઊગ્યો હશે.એવો દિવસ આવશે તે ‘દિ વિઠ્ઠલ રાદડિયા જાતે રાજકારણ મૂકી દેશે.મગનભાઈ ! મારી મુંજવણ આજ થોડાક જુદા પ્રકારની છે.” અકળામણે હવે વિઠ્ઠલભાઈને સાવ ઘેરી લીધા હતા.
” ‘વ્યાજના ચક્કરમાં ફસાયેલા ખેડૂતે ગળેફાંસો ખાધો.’ ‘વ્યાજખોરોથી ત્રસ્ત ખેડૂતે જીવન ટૂંકાવ્યું.’ ‘વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી થાકી નિ:સહાય કિસાને કૂવો પૂર્યો.’ જેવા છાશવારે છાપામાં આવતા સમાચાર મને ચેન નથી લેવા દેતા.’ બસ ! આ જ વાત મને મુંજવ્યા કરે છે.કાંઈક નક્કર કરવું પડશે.કણ વાવી મણ પેદા કરતો આપણો ખેડૂત આમ કમોતે મરે અને આપણે લમણે હાથ દઈ બેસી રહીએ એ હવે સહન નથી થતું.આજના છાપામાં ખેડૂતના આપઘાતના સમાચાર વાંચ્યા પછી મને બપોરે ખાવું ભાવ્યું નથી.સાંજે પણ નય ભાવે.”
આટલું બોલતા વિઠ્ઠલભાઈના શ્વાસ એકદમ ઝડપી બની ગયા.
‘ વાત તો ખરી છે, પણ એમાં આપણાથી શું થાય !? માંડ્યું કોણ ટાળી શકવાનું છે.આપણે તો આશ્વાસન આપી શકીએ.સગાવાલા થોડો ઘણો ટેકો કરી શકે.બાકી તો ધાર્યું ધણીનું થાવાનું છે.’
આ પણ વાંચજો – નરકેસરી વિઠ્ઠલભાઈ રાદડિયાના કન્યા કેળવણીના ઉમદા કાર્યની વાત
બાજુમાં બેઠેલા એક વડીલે પોતાની અનુભવજન્ય વાત મૂકી વિઠ્ઠલભાઈ સામે નજર નોંધી.
થોડીવારમાં સૌ વીંખાણા એટલે વિઠ્ઠલભાઈ ખાટલામાં આડા પડ્યા.થોડીવાર પડખા ફેરવ્યા પછી પણ ઉંઘ ન આવી એટલે ” હું બહારગામ જાઉં છું, રાતે મોડો આવીશ.” એવું કહીને નીકળી ગયા.
બે કલાક પછી વિઠ્ઠલભાઈ “રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકના હેડક્વાર્ટરમાં હતા.એ સમયે તેઓ “રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંકના”ચેરમેન હતા.બેંક મેનેજર અને બેંકના બધા જ ડિરેક્ટરો સાથે એમણે તાબડતોબ વાત કરી ને એક નક્કર નિર્ણય કરી લીધો હતો.જેની જાહેરાત તેઓ બીજે દિવસે કરવાના હતા.અંતે મોડી રાતે તેઓ ઘેર પરત ફર્યા.એ રાતે એમણે ખૂબ જ નિરાંતની ઉંઘ લીધી.
બીજે દિવસે સાંજ થતા સુધીમાં તો વિઠ્ઠલભાઈએ કરેલ ખેડૂતલક્ષી યોજનાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરી ગઈ હતી.ચોરે ને ચૌટે સૌના મુખે એક જ વાત હતી કે વિઠ્ઠલભાઈ જેવો ખેડૂતનેતા જ આવો નિર્ણય કરી શકે.બીજા કોઈનું કામ નહીં.
આ પણ વાંચજો – આ છે પાણીદાર પટેલ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા, આવું છે તેમનું જીવન,
વિઠ્ઠલભાઈએ કરેલી જાહેરાત કંઈક આ મુજબ હતી.
” ‘રાજકોટ જિલ્લા સહકારી બેંક’એના તમામ સભાસદો માટે નવી અહેતુક યોજના લઈને આવી છે.’ગ્રામલક્ષ્મી યોજના’ નામની આ યોજના અહેતુક યોજના ગણાશે. આ યોજના અંતર્ગત સભાસદ તમામ ખેડૂતોને હવેથી વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવા જમીનના પ્રમાણમાં રૂપિયા પચાસ હજારથી લઈને રૂપિયા ચાર લાખ સુધીની કોઈપણ પ્રકારનો હેતુ દર્શાવ્યા વિના લોન આપવામાં આવશે. આ લોન પાક ધિરાણ ઉપરાંતની હશે. ફક્ત સાત બાર અને આઠ અ રજૂ કરી ખેડૂત લોન લઈ શકશે. એક ગુંઠા સામે એક હજાર રૂપિયા મુજબ ધિરાણની રકમની ગણતરી કરવામાં આવશે.પંદર વર્ષ સુધીમાં ખેડૂતે લોનની રકમ ચૂકવવાની રહેશે અને વ્યાજનો દર વાર્ષિક 12.5% રહેશે.ગરીબ ખેડૂત પૈસા વિના હવે આપઘાત નહીં કરે.ગરીબ ખેડૂતને હવે મહિને ત્રણ ત્રણ, ચાર ચાર ટકા વ્યાજના પૈસા લેવાની જરૂર નહીં પડે.ખેડૂત ભાઈઓને મારી નમ્ર વિનંતિ છે કે વ્યાજખોરોની ચુંગાલમાં હવે ફસાતા નહીં.જ્યારે જરૂર પડે ત્યારે ડિસ્ટ્રિક્ટ બેંકના દરવાજે આવીને ઊભા રહેજો.પળનો પણ વિલંબ કર્યા વિના ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેંક તમને રૂપિયા આપી દેશે.” વિઠ્ઠલભાઈની આ જાહેરાતને લોકોએ આનંદથી ભીની થયેલી આંખે વધાવી લીધી હતી.
ખૂબ મોટું અને દિશાદર્શક કહી શકાય એવું પગલું ભરીને ‘રાજકોટ જિલ્લા સહકારી બેન્કે’ વિઠ્ઠલભાઈની આગેવાનીમાં કરેલા આ અભૂતપૂર્વ નિર્ણયથી અનેક ખેડૂતોના જીવન દોજખ બનતા બચી ગયા.રાજ્યમાં જ નહીં, સમગ્ર દેશમાં આ પ્રકારની અહેતુક યોજના ક્યાંય પણ અમલમાં નહોતી.સૌ પ્રથમવાર આવી ખેડૂતલક્ષી યોજના પોતાના સભાસદ ખેડૂતો માટે ‘રાજકોટ જિલ્લા સહકારી બેંક’ વિઠ્ઠલભાઈના નેતૃત્વમાં લાવી હતી.
ખેડૂતો માટે વરદાનરૂપ બનેલી આ યોજનાનો લાભ લઈ હજારો ખેડૂતો સુખી થયા છે.ખેડૂતને મરતા બચાવનાર આ યોજનાના અનેક સુખદ દાખલા આજે ગામેગામ મોજુદ છે.
રાજકોટ જિલ્લાના કોઈ ગામમાં ક્યારેક તમે જઈ ચડો તો ચોરે બેઠેલા વડીલ સાથે ‘ગ્રામલક્ષ્મી યોજના’ ની વાત માંડજો. ખેડૂત તરત જ જ્યાં બેઠો હશે ત્યાંથી અડધો ઊભો થઈ જશે અને બોલી ઊઠશે.’ વિઠ્ઠલભાઈ અમારો સાવજ છે બાપ ! એની તોલે કોઈ નો આવે. અમારા સાવજને ઘણી ખમ્મા બાપ ! ઘણી ખમ્મા !
લેખક- રવજી ગાબાણી
આ પણ વાંચજો..