વિઠ્ઠલ રાદડિયાની તબિયત સ્વસ્થ અને સુધારા પર, હોસ્પિટલે ન જવા સમર્થકોને અપીલ
સોરાષ્ટ્રનાં ખેડૂત અગ્રણી સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાની તબિયત ખરાબ થતાં સારવાર માટે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં રાદડીયાની તબિયત સ્વસ્થ અને સુધારા ઉપર હોવાનું તેમના પુત્ર જયેશ રાદડિયાએ જણાવ્યું છે. આ અંગે જયેશભાઇએ જણાવ્યું હતું કે તેમના પિતા હાલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહ્યા છે. તેમની તબિયત ઘણી સુધારા ઉપર છે. હાલ વિઠ્ઠલભાઈને ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હોસ્પિટલે પણ સમર્થકોએ ન જવા અપીલ કરી છે.
ખેડૂત સાંસદની તબિયત પૂછવા હોસ્પિટલ ખાતે નહીં આવવા પરિવારની અપીલ
તબીબોએ કરેલા તમામ રિપોર્ટ નોર્મલ આવેલ છે. ટૂંક સમયમાં હોસ્પિટલ ખાતેથી રજા પણ આપી દેવામાં આવશે. હાલમાં તેમને આરામની સલાહ આપી હોય મિત્રો, શુભેચ્છકો, કાર્યકરોએ હોસ્પિટલ ખાતે ધસારો કરવા અને કોઈ ચિંતા ન કરવા પરિવાર દ્વારા અપીલ કરાઇ છે. વિઠ્ઠલભાઇ રાદડિયાને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં 15માં માળે વી.વી.આઇ.પી. વિભાગમાં સારવાર હેઠળ રખાયા છે.
અમેરિકામાં સફળ સર્જરી કરવામાં આવી હતી
વિઠ્ઠલભાઇ રાદડિયાને કેન્સર થયા બાદ અમેરિકામાં સફળ સર્જરી કરવામાં આવી હતી. સર્જરી પછી પણ તેમની તબિયત સારી-નરસી રહ્યા કરે છે. દરમિયાન થોડાં દિવસ પહેલા તેમની તબિયત ફરી લથડતાં અમદાવાદ લઇ જવાયા હતા. અમદાવાદમાં પ્રથમ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. ફરી એક વખત તેમના તમામ પ્રકારના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેવા છતાં કોઇ સુધારો ન જણાતા ઝાયડસ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને અહીં હાલ તેમની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.