ગાંધીનગરના ઉનાવા રોડ પર ટ્રેલર-ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં વિસનગરના રહીશનું ઘટનાસ્થળે મોત
ગાંધીનગરના માણસા ઉનાવા રોડ પર ઈકો કારને સામેથી આવતાં ટ્રેલરના ચાલકે પોતાનું ટ્રેલર પૂરપાટ ઝડપે હંકારી ટક્કર મારતાં કારમાં સવાર વિસનગરના રહીશનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણાના વિસનગર ભવાની હાઉસિંગ સોસાયટીમાં રહેતાં કૃપાલભાઈ વાસુદેવ દીક્ષિત સુરત ખાતે ભાવિન ઈલેક્ટ્રોનિકમાં નોકરી કરે છે. ગત તા. 24મી ફેબ્રુઆરીના રોજ કૃપાલભાઈ અને તેમના મિત્ર રીતેશ પ્રવિણભાઈ પટેલ ધંધા અર્થે ઈકો કાર લઈને સુરત ગયા હતા. સુરતમાં કામ પતાવીને બંને મિત્રો 25મી ફેબ્રુઆરીએ પરત વિસનગર જવા માટે નીકળ્યા હતા.
ત્યારે આજે સવારે ઉનાવા આઉટ પોસ્ટ માણસા ટહુકો પાસેથી પસાર થતા હતા. એ વખતે કાર રિતેશભાઈ ચલાવી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેલરના ચાલકે પોતાનું ટ્રેલર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી સામેથી ઈકો કારને ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માત થતાં ડ્રાઇવર ટ્રેલર સ્થળ પર મૂકીને નાસી ગયો હતો.
જ્યારે કૃપાલભાઈ ઈજાગ્રસ્ત હાલતમાં જેમ-તેમ કરીને કારની બહાર નીકળ્યા હતા. અકસ્માતના પગલે રાહદારીઓ પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. જો કે ટ્રેલરની ટક્કરથી રીતેશભાઈ કારમાં ફસાઈ ગયા હતા. જેમને રાહદારીઓ ભેગા મળીને કારનો દરવાજો તોડીને બહાર કાઢ્યા હતા. પરંતુ માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે બન્નેને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે રિતેશભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવના પગલે પેથાપુર પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. અને ટ્રાફિક ક્લિયર કરાવી કૃપાલભાઈની ફરિયાદના આધારે ટ્રેલરના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..