74 વર્ષના બાનો જુસ્સો તો જુઓ, “આર્મીને જ્યારે મદદ જોઈશે ત્યારે હાજર થઈ જઈશ”

“મારી ઉંમર માત્ર 74 વર્ષ છે અને જો મારા સૈનિકો અને મારા દેશને મારી જરૂર પડે તો હું ફરી તેમની સેવા કરવા તત્પર છું. પાકિસ્તાનને ખબર પડવી જોઈએ કે અમે કંઈ હારવા માટે નથી બેઠા.” યુવાનોના જુસ્સાને પણ શરમાવે એવા આ શબ્દો છે 74 વર્ષના વાલબાઈ સેઘાણીના. અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે તેમને 1971માં બંને પાડોશી દેશો વચ્ચે થયેલા યુદ્ધની યાદ તાજી થઈ ગઈ હતી. એ સમયે 300 બહેનોએ મળીને પાકિસ્તાની બોમ્બર્સે નષ્ટ કરી નાંખેલો ભૂજનો ઈન્ડિયન એર ફોર્સનો હવાઈ પટ્ટો ફરી બનાવી આપ્યો હતો. આ કામમાં વાલબાઈ સેઘાણીનો મોટો હાથ હતો. તે પોતાની જાતને સૈનિકથી કમ નથી સમજતા. ભૂજના માધાપર ગામમાં આ સ્ત્રીઓના નામે એક યુદ્ધ સ્મારક પણ બનાવવામાં આવ્યું છે.

1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં પણ તેમણે ઈન્ડિયન એરફોર્સની કરી હતી મોટી મદદ, વાંચીને રૂંવાડા ઊભા થઈ જશે

દેશ માટે મોતને ભેટવું ગર્વની વાતઃ

ડિસેમ્બર 9, 1971માં તે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના માધપર ગામમાં બીજા લોકો સાથે આ હવાઈ પટ્ટો રિપેર કરવા આર્મીના વાહનમાં બેસી ગયા હતા. તેમણે જણાવ્યું, “અમે 300 સ્ત્રીઓએ એરફોર્સને મદદ કરવા માટે અમારુ ઘર છોડી દીધું હતું. અમારો બસ એક જ સંકલ્પ હતો કે પાઈલોટ્સ અહીંથી ફરી ઉડી શકવા જોઈએ. જો આ કામ કરતા મોતને ભેટ્યા હોત તો પણ આ અમારા માટે ગર્વની વાત હતી.” આ સ્ત્રીઓને કારણે જ બોમ્બથી હવાઈ પટ્ટી તોડી નંખાઈ તેના ચોથા જ દિવસે આ જગ્યાએથી વિમાનો સ્ટ્રાઈક કરવા માટે ઉડી શક્યા હતા. ગયા વર્ષે કેન્દ્ર સરકારે આ સ્ત્રીઓને વીરાંગના સ્મારક અર્પિત કર્યું હતું.

આર્મીને કરી મોટી મદદઃ

ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને 14 નાપામ બોમ્બ ભૂજ પર બેઠા હતા. આ હુમલાથી સ્થાનિકોને કમકમાટી છૂટી ગઈ હતી. વાલબાઈએ જણાવ્યું, “ફાઈટર જેટના અવાજથી અમે ડરી ગયા હતા. અમે ઊંઘી પણ નહતા શક્યા. અમને બોમ્બ અને તેને કારણે થયેલા નુકસાનની બીજા દિવસે સવારે જ ખબર પડી હતી.” એરફોર્સના રેકોર્ડ મુજબ બોમ્બિંગને કારણે એર સ્ટ્રિપ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી અને ત્યાંથી આપણા ફાઈટર વિમાનો માટે ટેક ઑફ કરવુ મુશ્કેલ થઈ ગયું હતું. આ એર સ્ટ્રિપ રિપેર કલવા માટે માણસોની કમી હતી. ડિફેન્સના માણસ માધાપર નજીક ગામથી પાણી લઈને આવતા હતા. જ્યારે ગામના લોકોને તેમની આ સમસ્યા વિષે ખબર પડી તો તેમણે મદદ કરવાની ઉત્સુકતા દાખવી.

આવી કપરી હતી પરિસ્થિતિઃ

ગામના સરપંચ જાધવજીભાઈ હિરાણીએ તેમને આર્મીની મદદ કરવા જણાવ્યું હતું. “અમે કામ શરૂ કર્યું અને ઑફિસરો અમને ગાઈડ કરતા હતા. જ્યારે પાકિસ્તાની બોમ્બર્સ અમારી તરફ આવવાના હોય ત્યારે એક મોટી સાઈરન વાગતી. અમે તરત જ દોડીને ઝાડીમાં છૂપાઈ જતા. અમને આછા લીલા રંગની સાડી પહેરવા જણાવાયું હતું જેથી અમે દૂરથી દેખાઈ ન આવીએ. નાની સાઈરન વાગે તેનો અર્થ એ કે અમે ફરી કામ શરૂ કરી શકીએ. અમે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સતત કામ કરતા હતા જેથી અમે દિવસના પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરી શકીએ.”

ગર્વની ક્ષણઃ

પહેલા દિવસે તેમને કશું ખાવાય નહતુ મળ્યું. બીજા દિવસે એક સ્થાનિક મંદિરે તેમને ફ્રૂટ અને મીઠાઈ ખાવા આપ્યા હતા. ત્રણ દિવસ તેમણે એકધારુ કામ કર્યું. ચોથા દિવસે 4 વાગ્યાની આસપાસ એરક્રાફ્ટ ત્યાંથી ટેક ઑફ થયા. તે આજે પણ એ ક્ષણને વાગોળતા ગર્વ અનુભવે છે અને જણાવે છે, “અમારા બધા જ માટે એ ક્ષણ ખૂબ જ આનંદની હતી.” તેમણે બધા જ બ્રિજ પર છાણા થોપી દીધા હતા જેથી તે દૂરથી ન જોઈ શકાય અને આર્મીને સતત સપ્લાય મળતો રહે. એ સમયે તેમનો દીકરો માત્ર 18 મહિનાનો હતો અને તે ઘરથી દૂર હતા ત્યારે તેમના પાડોશી દોઢ વર્ષના દીકરાનું ધ્યાન રાખી રહ્યા હતા.

દોઢ વર્ષના દીકરાને મૂકીને ગયાઃ

વાલબાઈ કહે છે, “મારા પાડોશી મને પૂછતા કે જો મને કંઈ થઈ ગયુ તો મારા દીકરાનું ધ્યાન કોણ રાખશે? મારી પાસે કોઈ જવાબ નહતો. મને એટલી જ ખબર હતી કે મારા આર્મીના ભાઈઓને આ સમયે મારી સૌથી વધારે જરૂર છે. મને આજે પણ યાદ છે કે પાઈલોટ્સે કેવી રીતે અમારુ ધ્યાન રાખ્યું હતું.” વાલબાઈને આ કામમાં સાથ આપનાર હીરુબેન બુધિયા પણ આવો જ અનુભવ શેર કરતા જણાવે છે, “યુદ્ધ માટે એ હવાઈ પટ્ટો બને તે જરૂરી હતો. પરંતુ ત્યારે કામ કરવા માણસોની અછતને કારણે આર્મી અમારા પર નિર્ભર હતી. 72 કલાકમાં અમે નિશ્ચિત કર્યું કે આપણા ફાઈટર વિમાનો ફરી હવામાં ઈડી શકે. અમે આજે પણ એવી જ ઉર્જાથી તરબતર છે. આર્મીને અમારી જરૂર હશે તો ફરી અમે તેમના માટે કામ કરીશું.”

હીરુબેને વધુમાં જણાવ્યું, “યુદ્ધના ત્રણ દિવસ બાદ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ અમને ભેટ આપી હતી પણ અમે એમ કહીને ઠુકરાવી દીધી હતી કે આ અમે અમારા દેશ માટે કર્યું છે. 50,000નું રોકડ ઈનામ માધાપરના કોમ્યુનિટી હૉલ માટે દાન કરી દેવાઈ હતું.” આજે આમાંના ઘણા પોતાના બાળકો સાથે યુ.કે કે અમેરિકામાં છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો