મોરબી: ગ્રામજનોએ 1 કરોડના સ્વખર્ચે બનાવ્યો પુલ, કલેકટર કરશે ઉદઘાટન

મોરબી: વાંકાનેર તાલુકાના પાજ ગામમાં વર્ષોથી આજુબાજુના ગામમાં જવા માટે પુલની વ્યવસ્થા ન હોવાથી ચોમાસાના સમયે ભારે હાલાકી પડતી હતી. આ મુદ્દે તંત્રમાં અવારનવાર રજૂઆતો કરવા છતાં મચક ન આપતા ગ્રામજનોએ સ્વખર્ચે પુલ બનાવવાનું નક્કી કર્યું અને ગામલોકોને તેમજ સામાજીક અને અન્ય સંસ્થાઓના સહયોગથી રૂ.1 કરોડના ખર્ચે પુલ તૈયાર કર્યો છે જેનું 24 જુલાઇના રોજ કલેક્ટરના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે.

તંત્રની કરવાની કામગીરી ગ્રામજનોએ કરતા સરકારને વામણી સાબિત કરી બતાવી

તંત્રની કરવાની કામગીરી ગ્રામજનોએ કરતા સરકારને વામણી સાબિત કરી બતાવી છે. આ અંગે પાજ ગ્રામ લોક સમિતિના ગુલાબભાઇ સિપાઇએ જણાવ્યું હતું કે, પાજ ગામ મચ્છુ નદીના કિનારે આવેલું હોય શહેરી વિસ્તારમાં જવા માટે નદી ઓળંગવી પડતી હતી. ચોમાસા દરમિયાન નદી જ્યારે બે કાંઠે હોય ત્યારે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અવારનવાર તંત્રને આ મુદ્દે રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા અંતે ગ્રામજનોએ સ્વખર્ચે પુલ બનાવવાનું નક્કી કર્યું અને આ માટે એક સમિતિની રચના કરવામાં આવી અને તેમાં ગામના તમામ લોકોને જોડવામાં આવ્યા અને પુલ કેવી રીતે ઓછા ખર્ચે અને યોગ્ય રીતે બની શકે તે માટે વિચારણાઓ કરવામાં આવી હતી.

ગામલોકોએ ખર્ચ બચાવવા માટે જરૂરી સામાન ભંગારમાંથી લઇ તેને રિપેર કરી ઉપયોગ કર્યો

ગામની વસ્તી 1100ની, 150 ઘર

સૌથી મોટો પ્રશ્ન ખર્ચનો હતો. જેથી ગામલોકો પાસેથી ઘરદીઠ 15 હજાર ફરજીયાત લેવાનું નક્કી કરાયું. આ ગામની વસ્તી 1100ની છે અને 150 ઘર છે. આ ઉપરાંત વાંકાનેરની આસપાસના જીનિંગ ઓઇલ મીલ, વેપારી એસોસિએશન, સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી ફાળો ઉઘરાવી રૂ.1કરોડ જેટલી રકમ એકઠી કરી હતી. તેમજ લેબર ખર્ચ ઓછો આવે તે માટે ગામલોકોએ પોતાના હાથે પુલનું બાંધકામ શરૂ કર્યું હતું.

સામાજીક અને અન્ય સંસ્થાઓના સહયોગથી રૂ.1 કરોડના ખર્ચે પુલ તૈયાર કર્યો

આ પુલ 190 દિવસની અંદર તૈયાર કરવામાં આવ્યો

આ પુલ 190 દિવસની અંદર તૈયાર કરવામાં આવ્યો છે. જેની લંબાઇ 80 મીટર, પહોળાઇ 6 મીટર, ઉંચાઇ 7 મીટર છે. ગામલોકોએ ખર્ચ બચાવવા માટે જરૂરી સામાન ભંગારમાંથી લઇ તેને રિપેર કરી ઉપયોગ કર્યો હતો. જેના કારણે અંદાજે 15થી 20 લાખની તેમજ મજૂરીની 30 લાખ મળી કુલ 50 લાખની બચત થઇ હતી. આ પુલનું 24 જુલાઇના રોજ સવારે 9.30 કલાકે કલેક્ટર આર.જે. માકડિયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે.

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો