ઇઝરાયલની આ ટેક્નોલોજીથી ગુજરાતના ખેડૂતોએ મેળવ્યું લાખો-કરોડોનું ટર્ન ઓવર
હિંમતનગર પ્રાંતિજ તાલુકાના વદરાડમાં ભારત – ઇઝરાયલના સંયુક્ત કૃષિ ટેકનોલોજીના આદાન પ્રદાન અને માર્ગદર્શનથી શરૂ કરવામાં આવેલ સેન્ટર ફોર એક્સલન્સ ફોર વેજીટેબલ ખેડૂતો માટે સમૃધ્ધિની કેડી કંડારી રહ્યુ છે. અહીંની પ્લગ નર્સરીમાં ઉછરેલ ધરૂ કૃમી મુક્ત હોવાથી ઉત્પાદન ગુણવત્તા પણ સારી આપે છે. અહીંનો એક ખેડૂત રૂ. 50 લાખનો નફો કરતો થયો છે તો બીજા ખેડૂતે નર્સરી કરી રૂ. દોઢ કરોડનું ટર્ન ઓવર કર્યુ છે. નાયબ બાગાયત અધિકારી જે. કે. પટેલે જણાવ્યુ હતુ કે વદરાડ સેન્ટરમાં ખેડૂતો બિયારણ આપી જાય તેને 20-30 દિવસમાં તૈયાર કરીને પરત આપવામાં આવે છે. પ્રતિ ધરૂનો 1 રૂપિયો લેવામાં આવે છે. રીંગણ, મરચા, ટામેટા, તડબૂચ, ટેટી, કારેલી, કોબીજ, ફલાવર, કલર કેપ્સીકમના બિયારણમાંથી ધરૂ તૈયાર કરીને અપાતા ઉત્પાદન સમય ઘટી જાય છે અને ખેડૂતને ફાયદો થાય છે.
એક ખેડૂતે 110 વીઘામાં બટાકા વાવીને રૂ. 50 લાખનો નફો કર્યો
સમીરભાઇ પટેલે બીએસસી વીથ કેમેસ્ટ્રીનુ શિક્ષણ મેળવ્યું છે. તેઓ 20 વીઘા જમીનમાં પરંપરાગત રીતે ખેતી કરતા હતા. એક્સલન્સ સેન્ટર શરૂ થયા બાદ કેવી રીતે ખેતી કરવી, ક્યારે અને કેટલુ પાણી આપવુ, કેવા ધરૂનો ઉપયોગ કરવો વગેરેની માહીતી મેળવી 300 વીઘા જમીન ભાડે રાખીને રીંગણ, બટાટા, મરચા, લાલ કોબીજ, ફલાવર, બ્રોકોલીની ખેતી શરૂ કરી અને રૂ. 50 લાખનો નફો કરતા થયા. સમીરભાઇના જણાવ્યાનુસાર 110 વીઘામાં બટાટાનુ વાવેતર કર્યંુ છે. પ્લગ નર્સરીમાં ઉગાડેલ ધરૂ માતબર ઉત્પાદન આપે છે. ખેતરમાં ડ્રીપ અને સોલાર પેનલ પણ લગાવી છે જેનાથી પાણી અને વીજળીના ખર્ચ પણ ઘટી ગયા છે.
બીજા ખેડૂતે નર્સરી કરીને રૂ. 1.5 કરોડનું ટર્ન ઓવર કર્યું
પ્રાંતિજ તાલુકાના અન્ય ખેડૂત ઘનશ્યામભાઇ પટેલે એક્સલન્સ સેન્ટરની મુલાકાત લઇને પોતાની નર્સરી શરૂ કરી છે. તેમના જણાવ્યાનુસાર પહેલા માત્ર ખેતી કરતા હતા પરંતુ સેન્ટરની મુલાકાત અને માર્ગદર્શન મેળવી નર્સરી શરૂ કરી છે અને પ્લગ નર્સરીમાં ધરૂ ઉછેરી ઘરૂનુ વેચાણ શરૂ કર્યુ છે અને નર્સરીનુ ટર્ન ઓવર અંદાજે રૂ. દોઢ કરોડનુ છે. પ્લગ નર્સરીમાં બિયારણના જથ્થાની જરૂર ઓછી પડે છે. ધરૂવાડીયામાં બિયારણનો જથ્થો વધુ વપરાય છે જેથી બિયારણ ખર્ચ ઓછો આવે છે. ફેર રોપણી બાદ ખેતરમાં ઝડપથી વિકાસ પામતા હોવાથી લણણી પણ ઝડપથી કરી શકાય છે. ઓછી જગ્યા અને ઓછા ખર્ચે મોટા પાયા પર ધરૂનુ ઉત્પાદન કરી શકાય છે.