સુક્કાભઠ્ઠ પડધરી વિસ્તારને 2.18 લાખ વૃક્ષો વાવી આ યુવાને હરીયાળો બનાવ્યો
કોઇ એક માણસ જ્યારે મનમાં ગાંઠ વાળી લે છે ત્યારે કેવુ પરિણામ આવે છે તે જોવુ હોય તો રાજકોટ જિલ્લાનાં પડધરી તાલુકાનાં 60 ગામોની મુલાકાત લેવી જોઇએ. વરસાદ આધારિત ખેતી અને પીવાના પાણી માટે નર્મદા પર આધાર રાખતા આ સુક્કાભઠ્ઠ વિસ્તારમાં એક હરિયાળી ક્રાંતિ સર્જાઇ રહી છે અને આ હરિયાળીક્રાંતિ લાવનાર છે 36 વર્ષના યુવાન વિજય ડોબરિયા.
વિજય ડોબરિયા બિઝનેસમેન છે અને રાજકોટમાં રહે છે. તેમનુ વતન પડધરી તાલુકાનું ફતેપુર ગામ છે. 2014ના વર્ષમાં પર્યાવરણ દિવસ (જૂન 5)ના રોજ તેમણે મનમાં નિશ્ચય કર્યો કે, તેમના વતન પડધરી તાલુકાને સુક્કાભઠ્ઠ વિસ્તારમાંથી વૃક્ષો વાવીને હરિયાળો બનાવી દેવો છે. બસ, આ દિવસ પછી તેમણે પાછી પાની કરી નથી અને દિવસ-રાત વૃક્ષો વાવવા અને તેની માવજત કરવામાં જ સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધુ છે. 2014માં 5મી જૂનથી શરૂ કરેલી આ યાત્રા હજુ અવિરત શરૂ જ છે અને આજદિન સુંધીમાં 2.18 લાખ (બે લાખ અઢાર હજાર) વૃક્ષો વાવી ચૂક્યા છે. આ પ્રવૃતિ તેઓ માનવ સેવા ટ્રસ્ટના નેતા હેઠળ કરે છે.
વિજય ડોબરિયા તેમના આ અભિયાન વિશે જણાવતા કહે છે કે, મેં જ્યારે મારા પડધરી તાલુકાને હરિયાળો બનાવવાનો નક્કી કર્યુ ત્યારે મનમાં એક જ ભાવ હતો, કે જેમ લોકો ભગવાનની પાછળ પડે છે તેમ લોકો વૃક્ષો પાછળ પડતી નથી અને તેને વાવ્યા પછી માવજત કરતા નથી. પણ હું જેટલા વૃક્ષો વાવીશ તે તમામની એવી માવજત કરીશ કે, એક-એક વૃક્ષ ઘટાદાર બને અને વરસો સુંધી ટકી રહે. આ પ્રવૃતિ સતત અને ચોવીસ કલ્લાક ચાલે એ માટે 175 પગારદાર લોકો જોડાયેલા છે અને 500થી વધુ સ્વંયસેવકો જોડાયેલા છે. આ પ્રવૃતિએ હવે અભિયાનનું રૂપ ધારણ કરી લીધુ છે અને વધુને વધુ લોકો તેમાં જોડાતા જાય છે. લોકો સહયોગ પણ આપતા જાય છે.”
વિજય ડોબરિયાએ વૃક્ષારોપણની પ્રવૃતિ વિશે કહ્યું કે, અમારા કામથી પ્રેરાઇને ખાખડાબેલા ગામના વતની મુન્નાભાઇ જાડેજાએ તેમની 12 વીધાની વાડી અમને નર્સરી બનાવવા માટે આપી. આ નર્સરીમાં ચાર લાખથી વધુ રોપાંનો ઉછેર કરીએ છીએ. અમે સરકારી નર્સરીમાંથી રાહતદરે રોપાં લાવી અમારી નર્સરીમાં મોટા કરીએ છીએ. રોપા ત્રણ—ાર વર્ષના અને સાત-આઠ ફુટના મોટા થાય પછી જ તેને વાવીએ છીએ. જેથી બહારના વાતાવરણમાં તે ઝડપથી ઉછરી મોટા થઇ જાય. આ કામમાં અમને સરકારના વન વિભાગનો પણ સારો સહયોગ મળ્યો છે”
થોડા સમય પહેલા જ, વિજય ડોબરિયાના કામને પ્રોત્સાહન આપવા માટે સમસ્ત મહાજન ટ્રસ્ટે વૃક્ષો વાવવા માટે ફ્રી વપરાશ માટે એક જેસીબી મશીન આપ્યુ.
“દિવસે-દિવસે અનેક લોકો વૃક્ષા રોપણની પ્રવૃતિમાં જોડાતા જાય છે અને વિવિધ પ્રકારનો સહયોગ મળતો રહે છે. પડધરી તાલુકામાં કુલ 60 ગામો છે. જેમાં 45 ગામોમાં વૃક્ષારોપણની કામગિરી પુરી થઇ ગઇ છે અને આ વર્ષે બાકી રહેલા ગામોમાં પણ વૃક્ષારોપણ થઇ જશે. પડધરી સિવાય પણ અમે વૃક્ષો વાવીએ છીએ. મારુ ધ્યેય એ જ છે કે, જ્યાં સુંધી હુ આ પ્રવૃતિ કરી શકુ ત્યાં સુંધી એટલે કે આજીવન વૃક્ષો વાવી અને તેની માવજત કરતો રહીશ’’ વિજય ડોબરિયાએ તેમના ઉદ્દેશ્ય વિશે વાત કરતા કહ્યું. મહત્વની વાત છે કે, વિજય ડોબરિયા જે વૃક્ષો વાવે છે તે તમામ વૃક્ષોને પિંજરાથી સુરક્ષિત કરવામાં આવે છે જેથી તે મોટા થઇ શકે.
તેમણે કહ્યું કે, અમે એક પણ ઝાડ પિંજરા વગર વાવતા નથી અને પિંજરા વગર કોઇને ઝાડ આપતા પણ નથી. કેમ કે, રખડતા ઢોર, વાવ-વંટોળ, કુદરતી આપત્તિમાં, પિંજરા વગરના ઝાડ ટકી શકવા અને મોટા થવાની શક્યતા ખુબ ઓછી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર ઝાડ વાવવાનો નથી. ઝાડ મોટા કરવાનો છે”
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝડપતી મોટા થઇ જતા વૃક્ષો વાવવાને બદલે વિજય ડોબરિયા નેટીવ ટ્રી એટલે આપણે ત્યાં સ્થાનિક રીતે થતાં આપણા વૃક્ષો જ વાવે છે. જે આપણી જમીનને અનુકૂળ છે. પક્ષીઓને ફળ આપે છે. સ્થાનિક જૈવ-વિવિધતા (બાયોડાયવર્સિટી)માં વધારો કરે છે અને તેમનુ આયુષ્ય વધારે હોય છે. તેમણે જણાવ્યુ કે, “અમે દેશીકુળનાં વડ, પીપળ, ઉમરો, બોરસલ્લી, લીમડા, કરંજ, ખાટી આમલી જેવા વૃક્ષો વાવવાને જ પ્રાધાન્ય આપીએ છે”એક યુવાને ધખાવેલી ધુણી જોવી હોય તો પડધરી જઇ આવજો!
જે કોઇ અમારી હેલ્પલાઇન નંબર 6354802849 પર ફોન કરશે તેમના ઘરે અમારા સ્વંયસેવકો જશે અને તે વ્યક્તિને ગમતુ વૃક્ષ વાવી દેશે. પિંજરુ પણ આપીશું અને તેની ફરતે ગ્રીન નેટ પણ બાંધીશુ. આ તમામ સેવા ફ્રી છે. બસ, લોકો વૃક્ષો વાવે: વિજય ડોબરિયા.