ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની પૂર્વસંધ્યાએ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટેનો એક અગત્યનો સંદેશ.
ચોમાસાની ઋતુ હતી.સારા વરસાદને કારણે નદી-નાળાઓ પાણીથી છલકાઇ રહ્યા હતા. રવિવારની રજાના દિવસે કેટલાક બાળકો નદીમાં નહાવા માટે ગયા. બધા બાળકો પ્રકૃતિનો ભરપુર આનંદ લઇ રહ્યા હતા. એક બાળક રમતા રમતા ઉંડા પાણીમાં જતો રહ્યો અને ડુબવા લાગ્યો. બીજા કોઇ બાળકોને તરતા આવડતુ ન હતુ. બધા પોતાના મિત્રને ડુબતો જોઇ રહ્યા હતા અને એને બચાવવા મદદની બુમો પાડતા હતા. એક ખેડુત ત્યાંથી પસાર થતો હતો એણે આ ઘટના જોઇ. એ તુંરત જ નદીમાં કુદી પડ્યો અને ડુબી રહેલા બાળકને બચાવી લીધો.
બાળક પુરી રીતે સ્વસ્થ છે એની ખાત્રી થતા એ ખેડુત પોતાના કામ પર જવા માટે ચાલતો થયો. બચી ગયેલો બાળક ખેડુત પાસે ગયો એનો હાથ પકડીને એને અટકાવ્યા અને કહ્યુ , ” અંકલ, આપનો ખુબ ખુબ આભાર. ” ખેડુતે બાળક સામે જોઇને પુછ્યુ , ” બેટા , આભાર શા માટે ? ” બાળકે કહ્યુ , ” અંકલ, આજે આપ અહીંયા ન હોત તો કદાચ હું પણ જીવતો ન હોત. મારો જીવ બચાવવા માટે આપનો આભાર માનું છું”
ખેડુતે બાળકના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને પછી ધીમેથી કહ્યુ , બેટા, આ તો માણસ તરીકેની મારી ફરજ હતી. ભગવાને કેવો અમૂલ્ય માનવદેહ આપ્યો છે એને બચાવવામાં હું નિમિત બન્યો એનો મને આનંદ છે.” પેલો બાળક પોતાનો જીવ બચાવનાર ખેડુતને આભારવશ જોઇ રહ્યો. પોતાનો આભાર વ્યક્ત કરવા માટે એમણે કહ્યુ, “ અંકલ તમે મારો જીવ બચાવ્યો હું એનો બદલો કેવી રીતે વાળી શકુ ? હું આપના માટે શું કરી શકુ ? ખેડુતે છોકરાને એટલુ જ કહ્યુ, ”બેટા, મારા માટે બીજુ કંઇ કરવાની જરૂર નથી બસ મોટો થઇને તારા જીવન અને કાર્ય દ્વારા એટલુ સાબિત કરજે કે તારું આ જીવન બચાવવા જેવુ હતુ. ”
ભગવાને દરેક માણસને કોઇ ચોક્કસ હેતુ સાથે જ આ ધરતીની મુલાકાતે મોકલેલ હોય છે. ભગવાન સૌથી સમજદાર ઉત્પાદક છે પરિણામે એની ફેકટરીમાં તૈયાર થતો માલ નકામો ન હોય એ સ્વાભાવિક છે આથી જ દરેક માણસે વિચારવુ જોઇએ કે એમનો જન્મ કોઇ ચોક્કસ કાર્ય માટે જ થયેલો છે. ઘણીવાર નાની નાની નિષ્ફળતાઓને લીધે ભગવાનના મૂળભુત હેતુને સમજ્યા વગર જ માણસ આપઘાત કરવાનો વિચાર કરે છે અને એનો અમલ પણ કરે છે.
બોર્ડ સહિતની જુદી જુદી પરીક્ષાઓના પરિણામો આવી રહ્યા છે. ધારણા કરતા થોડા ઓછા માર્ક આવે એટલા કારણથી જ અમુક વિદ્યાર્થી મિત્રો આપઘાતનો રસ્તો અપનાવે છે. ઘણીવખત વિદ્યાર્થીઓના આવા આપઘાત પાછળ માતા-પિતાની વધુ પડતી અપેક્ષાઓ પણ કારણભૂત હોય છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ એક વાતનું ખાસ ધ્યાન રાખે કે માત્ર અને માત્ર માર્કસ કે ટકાવારી જ તમને સફળ જીવનની ભેટ આપે એવુ બિલકુલ નથી. પરિણામ નબળુ આવે કે કદાચ નાપાસ પણ થઇએ તો એથી કંઇ જીંદગીનો જંગ થોડો હારી જવાય છે ?
આજે કરોડો યુવાનો જેની પાછળ પાગલ છે એવા સચિન તેંડુલકર દશમાં ધોરણમાં નાપાસ થયેલા હતા પણ એમને તો આપઘાત કરવાનો વિચાર ન આવ્યો ? આજે દુનિયા એને ક્રિકેટનો ભગવાન માને છે. જેને આખુ જગત ઓળખે છે એવા મહાત્મા ગાંધીજીની માર્કસીટ કોઇએ જોઇ છે ? જે વિદ્યાર્થી મિત્રોને ઓછા માર્ક આવે કે પછી નાપાસ થાય એવા મિત્રોને મારી એક ખાસ વિનંતી છે કે તમારુ પરિણામ જોયા બાદ મુંઝાવાને બદલે મમ્મી-પપ્પાને સાથે લઇને રાજકોટની મહાત્મા ગાંધી સ્કૂલ)હવે મહાત્માગાંધી મ્યુઝીયમ)ની એક મૂલાકાત ચોક્ક્સ લેજો અને ગાંધીજી જ્યારે ત્યાં અભ્યાસ કરતા હતા ત્યારની એમની માર્કસીટ જોજો. રાષ્ટ્રપિતાની માર્કસીટ જોઇને તમને ઓછા માર્ક્સ આવ્યા હોવા છતા પણ આનંદ થશે કારણકે એના કરતા તમારે વધુ સારા માર્કસ હશે એની હું તમને ખાત્રી આપુ છું.
થોડા સમય પહેલા શાપર-વેરાવળની એક કંપનીમાં એમના કર્મચારીઓ માટેના એક તાલીમ વર્કશોપમાં મારુ લેકચર હતુ. લેકચર સાંભળવા માટે કંપનીના ડીરેકટરોએ બીજી કંપનીઓના માલિકોને પણ બોલાવ્યા હતા. મારા આ વ્યાખ્યાન દરમ્યાન મેં બધાને એક પ્રશ્ન પુછ્યો, “તમારામાંથી ગ્રેજ્યુએટ થયેલા કેટલા છે ? “ પ્રશ્નના જવાબમાં જે હાથ ઉંચા થયા એ માત્ર કર્મચારીઓના જ હતા. પછી આ જ પ્રશ્નમાં અભ્યાસના સંદર્ભમાં હું જેમ જેમ નીચે ઉતરતો ગયો તેમ તેમ કર્મચારીઓના હાથ નીચે થતા ગયા અને કંપનીઓના માલિકોના હાથ ઉંચા થતા ગયા. ધોં 10 સુધીનો અભ્યાસ કર્યો હોય એવા કેટલા ? એ પ્રશ્નના જવાબમાં ઉંચા થયેલા હાથમાં મોટા ભાગના કંપનીઓના માલિકો જ હતા.
કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી આ કંપનીના માલિકોને અભ્યાસ દરમ્યાન સારુ પરિણામ ન મળ્યુ તો તેઓ નાસીપાસ નહોતા થયા અને પરિણામ સ્વરુપે આજે એમને ત્યાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા પ્રોફેશનલ્સ નોકરી કરે છે. દુનિયાનો સૌથી અમિર માણસ બીલ ગેટસ કે પછી ભારતનું સૌથી મોટુ ઔદ્યોગિક સામ્રાજ્ય ઉભુ કરનાર ધીરુભાઇ અંબાણી શું બહુ ઉંચા માર્ક લાવનારા હતા ? આ બીલ ગેટસ કે ધીરુભાઇની સાથે અભ્યાસ કરતા હતા અને જેની માર્કસીટમાં માર્કના ઢગલા થતા હતા એ હોશિયાર વિદ્યાર્થીને આજે કોઈ ઓળખે છે ? આવા તો અઢળક ઉદાહરણો છે કે અભ્યાસ ભલે સામાન્ય હોય છતા પોતાના ક્ષેત્રમાં એવા આગળ વધ્યા હોય કે બધા એમને ઓળખતા હોય.
વિદ્યાર્થી મિત્રો, આપના માટે આ દુનિયામાં વિકાસની અસિમ તકો રહેલી છે તો પછી શું લેવા નબળા વિચારો કરવા ? ઉતાવળે લીધેલો નિર્ણય આપણને અને આપણા પરિવારને ક્યારેય ન ભરી શકાય એવુ નૂકસાન કરે છે. આપ યાદ રાખજો કે ભગવાનને તમારા દ્વારા કંઇક કાર્ય કરાવવુ છે એટલે તો એમણે તમને આ દુનિયામાં મોકલ્યા છે અને જો એ આપણા દ્વારા કોઇ મહત્વનું કામ કરાવવાના હોય તો એ માટે આપણને પુરતુ સામર્થ્ય પણ આપ્યુ જ હોય. માતા-પિતાને પણ વિનંતી છે કે બાળકોના નબળા પરિણામ વખતે તમારા સંતાનોને તમારી ટીકાની નહિ ટેકાની જરુર હોય છે.
– શૈલેશભાઇ સગપરિયા