વાઇબ્રન્ટ સમિટ વિના જ પ્રજાના રૂ. 40થી 50 કરોડ ખર્ચાઈ ગયા! 4 વિદેશ પ્રવાસો પાછળ રૂ. 15 કરોડનું આંધણ, 5 મેટ્રો શહેરોમાં રોડ-શોમાં રૂ. 7 કરોડનો ધુમાડો

ગુજરાત સરકારે તેના માટે અતિ મહત્ત્વની ગણાતી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, ત્રણ મહિનાથી વિશાળા પાયા ઉપર તૈયારીઓ આદર્યા બાદ છેલ્લી ઘડીએ રદ કરી દીધી છે. રાજ્ય સરકાર ભલે વિધાનસભામાં એક સમિટ પાછળ આશરે 80 કરોડનો ખર્ચ જાહેર કરતી હોય, પણ વાસ્તવમાં મોટેભાગે દર એકાંતરે વર્ષે સરકારને પબ્લિસિટી અને અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોને મલાઈ રળી આપતી આ ગાલા ઇવેન્ટ પાછળ સામાન્ય રીતે રૂ. 100 કરોડથી વધુ રકમનો જંગી ખર્ચ થતો હોય છે.

આ રકમ બજેટકીય જોગવાઈ ઉપરાંત જુદા-જુદા વિભાગો દ્વારા ખર્ચાતી હોય છે. એ ગણતરીએ આ વખતની ત્રણ દિવસીય સમિટમાં ખાવા-પીવાના જલસા, ફાઇવ સ્ટાર-સેવન સ્ટાર હોટેલોમાં વિદેશી અને વીવીઆઇપી મહેમાનોના ઉતારા અને તેમની સરભરા પાછળ કરોડોનું આંધણ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે.

સરકારે તેના બજેટમાં રૂ. 40 કરોડની પ્રાથમિક જોગવાઈ કરી હતી
આ વખતે કહે છે કે, સમિટના સંપૂર્ણ આયોજન માટે સરકારે તેના બજેટમાં રૂ. 40 કરોડની પ્રાથમિક જોગવાઈ કરી હતી, જે રકમ ઉદ્યોગ વિભાગને ક્યારનીયે ફાળવી દેવાઈ છે. આ રકમ ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા યોજાતી પ્રિ-ઇવેન્ટ્સના ખર્ચા એમના પોતાના બજેટમાંથી થઈ રહ્યા છે. અત્યાર સુધી વિવિધ વિભાગો દ્વારા 7-8 સેમિનારો-કાર્યક્રમો થયા છે.

શિક્ષણ વિભાગ દ્વારા બે દિવસીય શિક્ષણ સમિટ સાયન્સ સિટીમાં પૂર્ણ થઈ છે, ટેક્સ્ટાઇલ ક્ષેત્ર માટે સુરતમાં ગયા સપ્તાહે ઇવેન્ટ થઈ, પીડીપીયુ ખાતે મેડિકલ ડિવાઇસિસ સંદર્ભે સેમિનાર યોજાયો, ધોલેરામાં ઇન્વેસ્ટમેન્ટ લાવવા પાટનગરની લીલી હોટેલમાં સેમિનાર યોજાયો, આ પ્રિ-ઇવેન્ટ કાર્યક્રમોમાં કરોડો રૂપિયા ખર્ચાયા છે.

3 દિવસીય ઇવેન્ટ ભલે કેન્સલ થઈ પણ એને નામે 40-50 કરોડ વપરાયા
ત્રણ સિનિયર અધિકારીઓ અગ્રસચિવ જે.પી. ગુપ્તાના નેતૃત્વમાં યુ.એસ.માં, સચિવ સંજીવકુમારના વડપણ હેઠળ રશિયામાં તેમજ સચિવ સોનલ મિશ્રાની આગેવાનીમાં યુરોપમાં રાજ્ય સરકારે પ્રચાર-પ્રસાર માટે ડેલિગેશન્સ મોકલ્યા હતા. જ્યારે દુબઇની ઓબેરોય હોટેલમાં યોજાયેલા રોડ-શોમાં ખુદ મુખ્યમંત્રી ગયા હતા. આ ચારે વિદેશ પ્રવાસો પાછળ કમસે કમ રૂ. 12થી 15 કરોડના ખર્ચનો અંદાજ છે. આ ઉપરાંત દિલ્હી, મુંબઈ, લખનઉ, કોલકાતા અને હૈદરાબાદમાં યોજાયેલા રોડ-શો પાછળ સાત કરોડનો ખર્ચ બતાવાઈ રહ્યો છે. આમ 3 દિવસીય ઇવેન્ટ ભલે કેન્સલ થઈ પણ એને નામે 40-50 કરોડ વપરાઈ ચૂક્યાં છે. 

વાઈબ્રન્ટમાં સ્ટોલ ભાડે રાખનારના રૂ. 11 કરોડ પાણીમાં
વાઈબ્રન્ટ સમિટની સાથે જ સચિવાલયની સામે હેલિપેટ ગ્રાઉન્ડના એક્ઝિબિશન- શોને પણ રદ કરી દેવાયો છે. 9મી જાન્યુઆરીથી શરૂ થનારા 36,000 ચો.મીટર ક્ષેત્રફળના એક્ઝિબિશેન સેન્ટરમાં 428થી વધુ કંપનીઓ, ઉદ્યમીઓએ સ્ટોલ બૂક કરાવ્યા હતા. જ્યાં ર્ફિનચર, કટઆઉટ સહિતના ઈન્સ્ટોલેશન માટે રાત-દિવસ કામ ચાલી રહ્યુ હતુ. ગુરૂવારની બપોરે અચાનક આ એક્ઝિબિશન પણ રદ્દ કર્યાનું જાહેર થતા રાજસ્થાન, મધ્ય પ્રદેશના કારીગરોએ પેમેન્ટ માટે માથાકૂટ કરી હતી.

પ્રાઈવેટ કંપનીઓના અધિકારીએ કહ્યુ કે, IAS ઓફિસરોને કારણે કોરોના અને મંદીના જોખમ વચ્ચે પાંચ દિવસ માટે સ્ટોલ બુક કરાવવા પડયા હતા. ભાડુ તો દૂર રહ્યુ પણ એક ચો.મીટરે ફર્નીચર સહિતની ચીજવસ્તુઓના ઈન્સ્ટોલમેન્ટ માટે રૂ.3000થી વધુનો ખર્ચ થયો છે. આ ગણતરીએ 10.80 કરોડથી વધારે રકમનું રોકાણ થઈ ચૂક્યુ છે. જે હવે જ્યારે વાઈબ્રન્ટ યોજાશે, ત્યારે મજરે આપવા કહેવાયુ છે. જો કે હાલ તો અમારો સમય અને આ કારીગરોને ચૂકવવાની રકમ બેઉ પાણીભેગા થઈ ગયા છે.

4 વિદેશ પ્રવાસો પાછળ રૂ. 15 કરોડનું આંધણ
3 અધિકારીઓ- જે.પી. ગુપ્તા, સંજીવકુમાર અને સોનલ મિશ્રાની આગેવાનીમાં વાઇબ્રન્ટના પ્રચાર-પ્રસાર માટે જંગી ડેલિગેશન્સ અનુક્રમે યુએસ, રશિયા અને યુરોપ ગયા હતા. એ પછી દુબાઇમાં મુખ્યમંત્રીના નેજા હેઠળ સેવન સ્ટાર હોટેલમાં રોડ-શો યોજાયો હતો, આ ચારે પ્રવાસો પાછળ રૂ. 12થી 15 કરોડનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે.

5 મેટ્રો શહેરોમાં રોડ-શોમાં રૂ. 7 કરોડનો ધુમાડો

પાંચ મેટ્રો શહેરો-દિલ્હી, મુંબઈ, લખનઉ, કોલકાતા અને હૈદરાબાદ ખાતે મંત્રીઓની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળો મોકલી રોડ-શો યોજાયા, એની પાછળ રૂ. પાંચથી સાત કરોડનો ખર્ચ ગણાવાઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો