વાવાઝોડાંને પગલે ગુજરાતના દરિયા કાંઠે એલર્ટ, 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી 110 કિમીની ઝડપે વાવાઝોડું ત્રાટકશે

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે. વાવાઝોડાને વાયુ નામ આપવામાં આવ્યું છે. જે વેરાવળ બંદરેથી 650 કિલોમીટર દૂર છે. 100થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી દીવ પાસેના વણાકબારા-સરખાડીથી ગુજરાતના દરિયા કાંઠે 110 કિમીની ઝડપે આ વાવાઝોડું ત્રાટકશે. રાજ્ય સરકારે સંભવિત વાવાઝોડાંગ્રસ્ત 39 ગામોને એલર્ટ લેવાની સૂચના આપી છે અનેતમામ જિલ્લા કલેક્ટરોને જરૂર પડ્યે સ્થળાંતર કરવાના આદેશ કર્યો છે.

હવામાન વિભાગ મુજબ હાલ વાવાઝોડુંવેરાવળથી 650 કિમી દૂર છે. સમુદ્રમાં 2 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. વાવાઝોડા સાથે સોરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દરેક બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. ડીપ્રેશન પૂર્વે જ પોરબંદરની ચોપાટી પરથી પોરબંદરના સમુદ્રમાં એકાએક પરિવર્તન આવેલું જોવા મળે છે. શાંત જણાતા સમુદ્રમાં આજે સવારથી તોફાની કરંટ જોવા મળ્યો છે.

ઉનાના નવા બંદર પર 300 બોટ પરત ફરી

ઉનાના દરિયાઇ નવાબંદર પર વાવાઝોડાના પગલે 300થી વધુ નાની-મોટી ફિશિંગ બોટ પરત ફરી ચૂકી છે. ઉનાના સૈયદ રાજપરા બંદર પર 200થી વધુ ફશિંગ બોટ પરત ફરી છે. બીજી તરફ વેરાવળ બંદર પર તમામ બોટ પરત આવી ગઇ છે અને માછીમારો પણ સુરક્ષિત બંદરે પહોંચ્યા છે. ગઇકાલે 47 બોટ દરિયામાં હતી. તંત્ર દ્વારા તે તમામને બંદરે પાછી બોલાવવામાં આવી છે. વેરાવળમાં હાલ શાંત વાતાવરણ છે.

દીવમાં 3 નંબરનું સિગ્નલ લગાડાયું

દીવમાં ગઇકાલે એક નંબર બાદ બે નંબરનું સિગ્નલ લગાડાયું હતું. આજે 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. તેમજ પ્રવાસીઓને સલામત સ્થળે પહોંચી જવા સૂચના આપી દેવાઇ છે.

અમરેલીના 23 ગામોને એલર્ટ કરાયા

વાવાઝોડાને પગલે જાફરાબાદ બંદર પર એલર્ટ જાહેર કરાયું છે. પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી જાફરાબાદ બંદર પર પહોંચી માછીમારો સાથે ચર્ચા કરીને બોટોને કિનારે મજબૂતીથી બાંધવાની સુચના આપી હતી. સરકાર દ્વારા હીરા સોલંકીને જાફરાબાદ બંદરે સ્ટેન્ડ બાય રહેવાની તાકીદ કરાઇ છે. જાફરાબાદના 10 ગામો અને રાજુલાના 13 ગામોને એલર્ટ કરાયા છે.

ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આપતકાલીન બેઠક બોલાવાઇ

ગીરસોમનાથ જિલ્લાનું સમગ્ર તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ વિભાગના અધિકારીઓની આપતકાલીન બેઠક બોલાવાઇ છે. બેઠકમાં કોસ્ટગાર્ડ, પોલીસ, મહેસુલ વિભાગ, વીજતંત્ર, ફોરેસ્ટ સહિતના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વાવાઝોડુ ત્રાટકે ત્યારે શક્ય એટલું જાનમાલને નુકસાન ઓછું થાય તે માટેનું માઇક્રો મેનેજમેન્ટ પ્લાનિંગ કરવા જિલ્લા કલેક્ટરને તાકીદ કરાઇ છે.

વાવાઝોડાને લઇને રાજકોટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજાઇ

વાયું વાવઝોડાને લઇને રાજકોટમાં કલેક્ટર, એડીશનલ કલેક્ટર, ટી.ડી.ઓ., પ્રાંત અધિકારી અને મામલતદાર વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠકમાં તમામને હેડ ક્વાર્ટર ન છોડવા સુચના આપવામાં આવી છે. રાજકોટમાં આજે 32 લોકોની NDRFની ટીમ પહોંચશે. 30 જવાનો, એક ઇન્સપેક્ટર અને એક સબ ઇન્સ્પેક્ટર મળી કુલ 32 લોકોની એક NDRF ટીમ આવશે. રાજકોટમાં સંભવિત અસરકારક 4 તાલુકા છે, જેમાં ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને જેતપુરનો સમાવેશ થાય છે. 4 તાલુકાના 35 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 77000 જેટલા લોકોનો સમાવેશ થાય છે. હાલમાં 17 બોટ રાજકોટ જિલ્લામાં ઉપલબ્ધ કરવામાં આવી છે. NDRF બે બોટ અને રેસ્ક્યુના સાધનો લઇ રાજકોટ પહોંચશે.

ઉનામાં શાળાઓમાં ત્રણ દિવસની રજા જાહેર

રાજકોટ બાદ ઉનામાં પણ શાળાઓમાં આગામી ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. તેમજ પર્યટકોને વાવાઝોડા વિશે માહિતગાર કરવાની અને નીચાણવાળા વિસ્તારોને રેસ્ક્યુ ઓપરેશન કરવા તેમજ વાવાઝોડાને લઇને લોકોને સાવધાન કરવા માટે તંત્ર દ્વારા પગલા લેવાયા છે.

રાજકોટમાં 13 જુને શાળા-કોલેજોમાં રજા જાહેર

વાવાઝોડાના પગલે રાજકોટ મ્યનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધી પાનીએ 13 જુનના રોજ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. પોરબંદર શહેરમાં જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરવામાં આવી રહ્યું છે. પવનના કારણે વૃક્ષો ધરાશાયી ન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખારવાવાડ સહિતના વિસ્તારમાં વૃક્ષોનું ટ્રિમિંગ કરવામાં આવ્યું છે.

ગીર સોમનાથના 40 ગામને એલર્ટ કરાયા

વાવાઝોડાના પગલે ગીરસોમનાથના 40 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં વેરાવળના 9, સુત્રાપાડાના 7, કોડીનારના 8 અને ઉનાના 17 ગામોનો સમાવેશ થાય છે. NDRFની ટીમ વેરાવળ આવવા રવાના થઇ ગઇ છે. જિલ્લાનું સમગ્ર તંત્ર સાબદુ થયું છે. પોરબંદર જિલ્લાની તમામ 4229 બોટ બંદરે પાછી આવી ગઇ છે, દરિયામાં એક પણ બોટ ન હોવાનું ફીશરીઝ વિભાગ દ્વાર જણાવાયું છે. ઘોઘા-દહેજ રો રો ફેરી વાવાઝોડાને પગલે બંધ કરી દેવામાં આવી છે.

અમરેલીના દરેક તાલુકા મથકો પર કંટ્રોલરૂમ શરૂ કરાયા

આજે સવારથી જ વાવાઝોડાની દહેશતને પગલે જાફરાબાદ બંદર પર તંત્ર દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યું હતું. આમ તો માછીમારીની સિઝન પૂર્ણ થઇ હોવાના કારણે મોટાભાગના માછીમારો કાંઠે પરત આવી ગયા છે. આમ છતા બાકી બચેલા થોડા ઘણા માછીમારોને પણ સલામત રીતે કાંઠે આવી જવા અને દરિયાનું ખેડાણ ન કરવા સુચના આપી દેવામાં આવી છે. આમ પણ અમરેલી જિલ્લાના દરેક તાલુકા મથકો પર કંટ્રોલરૂમ શરૂ કરી દેવામા આવ્યા છે. દરમિયાન મોડી સાંજે જિલ્લા કલેકટરે એલર્ટની સ્થિતિને પગલે કર્મચારીઓની રજા રદ કરવાનો હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દાયકા દરમિયાન અમરેલી જિલ્લામા પાંચ વાવાઝોડાએ મોટી તબાહી મચાવી હતી.

દ્વારકાના 10 બંદરો પર 5221 બોટ પરત ફરી

દ્વારકા જિલ્લાના 10 બંદરો પરથી રજિસ્ટ્રેશન થયેલી 5221 તમામ માછીમારી બોટો કિનારે આવી ચૂકી છે. માછીમારોએ પોતાની બોટો દરિયા કિનારા પર બંદરો પર લંગારી દિધી છે. 15 ઓગષ્ટ સુધી માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાગરખેડૂઓ માટે માછીમારી વ્યવસાય 15 ઓગષ્ટથી 9 સુધી ચાલે છે. આ સમયગાળામાં માછીમારી દરિયામાં માછીમારી કરવા માટે નીકળે છે. દેવભૂમિ દ્વારકાના સમુદ્રમાં પ્રમાણમાં માછલીઓનો જથ્થો મળી રહેતો હોવાથી ગુજરાતના અન્ય વિસ્તારમાંથી પણ માછીમારી આવે છે. જિલ્લાના 10 બંદરો પરથી કુલ 5221 જેટલી માછીમાર બોટોનું રજિસ્ટ્રેશન થયેલું છે. 9 જૂનથી 15 ઓગષ્ટ સુધી વરસાદનું પ્રમાણ વધારે રહેતું હોવાથી દરિયામાં મોજાનું પ્રમાણ વધારે રહેતું હોય છે. તેમજ આ સમયગાળામાં માછલીને તેમની પ્રજનનની ઋતુ દરમિયાન સરક્ષણ આપવાનું હોય છે. જેથી બોટોને દરિયામાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

આજે સાંજથી કચ્છમાં વાયુની અસર વર્તાવવાનું શરૂ થશે

વાયુની અસર આજે સાંજથી કચ્છમાં વર્તાવવાનું શરૂ થશે અને બુધથી શુક્રવાર દરમિયાન કચ્છના મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ અને કેટલાક સ્થળે ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે રાત્રે જારી કરેલા બુલેટીનમાં જણાવ્યું કે સાયક્લોનમાં તબદીલ થવા જઇ રહેલી સિસ્ટમ હાલમાં વેરાવળથી 740 કિ.મી દુર કેન્દ્રિત છે. 24 કલાક એટલે કે બુધવારની સાંજથી ગુરુવારની સવાર સુધી તે સિવીયર સાયક્લોન બની પોરબંદરથી મહુવા વચ્ચે 135થી 150 કિ.મીની ઝડપે ભારે પવન સાથે પસાર થાય તેવી સંભાવના છે. ભુજ હવામાન કચેરીના રાકેશ કુમારે જણાવ્યું કે કચ્છમાં 45થી 75 કિમીની ઝડપે પવન ફુંકાવાની શકયતા વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની શકયતા દેખાડી હતી. આજે સાંજથી વાદળો છવાવવાનું શરૂ થઇ જશે.

દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વાયુ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. સરેરાશ 110થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તથા તેને કારણે સંભવિત ભારે વરસાદને કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈને દક્ષિણ ગુજરાતના માછીમારોને પણ દરિયો ન ખેડવાનો સૂચના અપાઈ છે. અને હાલ હજીરા ખાતે ઉદ્યોગોના વહાણો, સ્ટીમર દરિયા કિનારે લંગારવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતભરમાં 1700 જેટલી બોટો અલગ-અલગ બંદરો પર લંગારવામાં આવી છે.

હવામાનમાં ફેરફારની ભીતિથી કલેક્ટરનું ટ્વીટ

અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમ ગુજરાતની દિશામાં આગળ ધપી રહી હોવાના સંકેતના પગલે કલેક્ટરે કાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા ટ્વીટ કર્યું છે. વલસાડ જિલ્લાની દરિયાઇ સીમા સહિતના વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર,ઓખા,જખૌ,વેરાવળ સુધી જનારા માછીમારોને દરિયો નહિ ખેડવા વલસાડ કલેકટર સી.આર.ખરસાણે ટ્વીટ કર્યું છે.જેમાં આગામી દિવસોમાં મોસમની સક્રિયતાના કારણે માછીમારોએ ખુલ્લા દરિયામાં માછીમારી ન કરવા જણાવ્યું છે.દરિયો તોફાની થવાની શક્યતા દર્શાવી કલેકટરે માછીમારોને માહિતગાર કર્યા છે.છેલ્લા 3 થી 4 દિવસથી મોટી સમુદ્રી ભરતીના કારણે તિથલ બીચ પર સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.માછીમારોને આકસ્મિક સંજોગોમાં સાવધ રહેવા જણાવ્યું છે. આ સાથે જરૂર પડ્યે કન્ટ્રોલ રૂમ પર ફોન નં.02632-243238 અને 02632-1077 પર સંપર્ક કરવા જણાવ્યું છે.વાદળિયા હવામાન વચ્ચે બે દિવસથી 67 ટકા ભેજ જોવા મળી રહ્યું છે.

ભારે વરસાદની આગાહી

નવસારી કલેકટર મોડીયાએ વાવાઝોડાની સંભાવનાને પગલે જિલ્લામાં જાન માલનું નુકશાન ના થાય તે માટે અગમચેતીના પગલાં રૂપે બેઠક બોલાવી હતી.વાવાઝોડાની અને વરસાદની સંભવિત અસરની શકયતા ધરાવતા જિલ્લાના કાંઠા વિસ્તારમાં રોજગારી અર્થે ગયેલા માછીમારોને તાત્કાલિક પાછા બોલાવી લેવા મદદનીશ મત્સ્યઉદ્યોગ નિયામકને આદેશ કર્યો છે અને આ સમયગાળા દરમિયાન દરિયો ન ખેડવા સૂચના આપી છે.વધુમાં દરિયાકાંઠા વિસ્તારના લોકોને દરિયામાં ન જવા પણ તેમણે તાકીદ કરી છે. જિલ્લામાં સંભવિત વાવાઝોડાની સાથે વરસાદની શકયતાઓને ધ્યાને લઇ અતિ વરસાદ અને વાવાઝોડાની વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી તમામ રાહત -બચાવની સામગ્રી સાથે તંત્રને સજ્જ રહેવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.વધુમાં કલેકટરે લોકોને અફવાઓથી દૂર રહી સંભવિત વાવાઝોડાથી કોઈપણ જાતનો ભય ન રાખી જાગૃત બની સરકારી તંત્રને મદદરૂપ થવા અનુરોધ કર્યો છે.

સુરતના વાતાવરણમાં પલટો

અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક સક્રિય થયેલ લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે આગામી 24 કલાકમાં સાઈક્લોનિક સ્ટ્રોમ અને ત્યારબાદ સર્વર સાઈક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇ એવી સંભાવનાથી સુરતનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. ચક્રવાતના કારણે વાદળો આવવાના શરૂ થઇ જતાં શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે સવારથી જ બફારો અને ઉકળાટ થતાં લોકો અકળાઈ ઉઠ્યા છે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો