વસંતભાઇ ગજેરાના સેવાકીય કામો ભૂલાય તેવા નથી

જિંદગીમાં નાની નાની ખુશીઓનું અદકેરું મહત્ત્વ છે. કોઇના માથે પ્રેમથી ફેરવેલો હાથ, નાસીપાસી થયેલા લોકોનો હોંશલો બુંલદ કરવા કહેલા બે પ્રેરણાત્મક શબ્દ,ખુશી રેલાવવા કોઇને આપેલું સ્મિત,કે દિશાહીન થયેલા લોકોને સાચો રસ્તો બતાવવાનું કામ. ગમે તેટલા રૂપિયા હોય તો પણ ન મેળવી શકાય એવા નાના કામોથી અનેક લોકોની જિંદગી સંવરતી હોય છે,કેટલાય લોકોના જીવનમાં નવરંગ ભરતી હોય છે. પણ આવું કામ કરવાની બધામાં ત્રેવડ હોતી નથી. આજે અમારે તમને સુરતના એક એવા ઉદ્યોગપતિની વાત કરવી છે જેમણે શિક્ષણ, સમાજસેવા, આરોગ્ય અને ખુશી વહેંચવામાં ઉદાર દિલે હાથ લંબાવ્યો છે. ભલે અત્યારે તેઓ કાયદાકીય ચુંગાલમાં ફસાયા હોય પણ તેમના સિક્કાની જે ઉજળી બાજુ છે તે પણ જોવી રહી કારણ કે એમના સેવાકાર્યએ હજારો નહીં લાખો લોકોને નવું જીવન બક્ષ્યું છે. લાખો લોકોના જીવનમાં રોશની પૂરું પાડવાનું કામ કર્યું છે.

અમે વાત કરી રહ્યા છીએ ડાયમંડ અને રીઅલ એસ્ટેટના ક્ષેત્રમાં જેમનું આગવું નામ છે તેવા વસંતભાઇ ગજેરાની. વસંતભાઇ વિશે લખતા પહેલાં એક વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે. તેમની પર જમીનનો કેસ ચાલે છે. આ એક સિવિલ મેટર છે અને કાયદો કાયદાનું કામ કરશે એ વાતમાં અમે પડવા માંગતા નથી. પણ સમાજને અમારે એ પણ બતાવવું છે કે વસંતભાઇએ તેમની જન્મભૂમિ અને કર્મભૂમિ માટે જે કામ કરેલા છે તે સરાહનીય છે. તે ન ભુલાવા જોઇએ. તેમને કારણે અનેક અનાથ બાળકોને નવું જીવન મળ્યું છે. તેમને કારણે અનેક બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવીને સફળતાના શિખરે પહોંચ્યા છે. રૂપિયાને કારણે સારવાર અટકી ગઇ હોય તો તેમની મદદને કારણે અનેક પરિવારોને સારવાર મળી છે. સમાજના લોકો કે સમાજ સિવાયના લોકો માટે વસંતભાઇ ગજેરાએ જાત ઘસી નાંખી છે તે વાત એક કેસને કારણે વિસરાવી ન જોઇએ. એક નાનકડા ગામના નાનકડા પરિવારમાંથી આવીને પોતોની આગવી સુઝબુઝથી તેમણે ગગનચુંબી સફળતા મેળવી, આર્થિક રીતે સધ્ધર પણ થયા પણ સમાજ પ્રત્યેનું રૂણ સમજીને તેમણે કરોડો રૂપિયાના દાનની સરવાણી વહેવડાવી એટલું જ નહીં પોતાનું પર્સનલ યોગદાન પણ આપ્યું. કરોડો રૂપિયા તેઓ જલસાં માટે વાપરતે તો તેમને કોઇ પુછનાર નહોતું, પણ પરિવારના સંસ્કાર અને વસંતભાઇએ પોતે જોયેલા સંઘર્ષને કારણે આવકની કમાણી સમાજના ઉત્થાન માટે પણ વાપરી અને તે પણ પુરા દિલથી કોઇ પણ જાતની ખેવના વગર.

વસંતભાઇ ગજેરાની સેવાકીય સુવાસની વાત કરીએ તે પહેલાં તેમની જિંદગીના સંઘર્ષ અને સફળતાની પણસફળતાની પણ વાત કરી લઇએ. વસંતભાઇ ગજેરાનો જન્મ અમરેલીના ગજપરા ગામમાં થયો હતો. હરિભાઇ જીવરાજભાઇ ગજેરા અને શાંતાબેન હરિભાઇ ગજેરાનું તેઓ સંતાન. ખેડુત પરિવારના દિકરા એટલે કોઇ ઝાજી આવક નહીં,માતા પિતાની આર્થિક સ્થિત નબળી. હરિભાઇના જયેષ્ઠ પુત્ર વસંતભાઇ ગરીબીમાં જીવ્યા પણ નાનપણથી ઉંચા સપના જોવાની ખેવના અને તનતોડ મહેનત કરવાની ક્ષમતા હતી. જીવનમાં કઇંક કરવું છે એવા સપના સાથે નાની ઉંમરે થોડા રૂપિયા લઇને સુરતની વાટ પકડી. સુરતમાં હીરા ઘસવાનું શીખ્યા પણ સાથે સાથે સપનાને તાજા રાખ્યા. અનેક અડચણો આવી, અનેક સંઘર્ષનો સામનો કરવો પડ્યો પણ વસંતભાઇ ડગ્યા નહી, બસ આગળ ચાલ્યા. બસ પછી તો સફળતાની કેડી કંડારવામાં સુરતે સાથે આપ્યો, મિત્રોએ સાથ આપ્યો, તકદીર પણ સાથે રહી અને સુરતના હીરાઉદ્યોગમાં ગગનચુંબી સફળતાના શિખરે પહોંચ્યા. એ પછી તેમના નાનાભાઇ ચીનુભાઇ, અરવિંદભાઇને પણ બિઝનેસમાં સેટ કર્યા. હીરાઉદ્યોગમાં ભાઇઓએ વ્યવસ્થિત કમાન સંભાળી લીધી પછી વસંતભાઇ રીઅલ એસ્ટેટના બિઝનેસમાં પડ્યા. ત્યાં પણ તેમને જબરદસ્ત સફળતા મળી. બિઝનેસમાં મેળવલી સફળતાનો શ્રેય સમાજના લોકોને આભારી છે એ વાત સમજીને વસંતભાઇએ કર્મભૂમિ સુરત અને જન્મભૂમિ અમરેલીમાં જે શ્રેષ્ઠતમ કહી શકાય તેવા સેવા કાર્ય કર્યા છે તે જાણવા જેવા છે.

15 જાન્યુઆરી 1993ના દિવસે ગજેરા પરિવારના સન્માનીય માતૃશ્રી શાંતાબેન હરિભાઇ ગજેરા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. ટ્રસ્ટની સ્થાપનાએ સિલ્વર જયુબીલી એટલે કે 25 વર્ષ પુરા કર્યા છે અને હજુ આ ટ્રસ્ટના નેજા હેઠળ સેવાની સુવાસની સરવાણી અવિરત વહી રહી છે. આ 25 વર્ષમાં ગજેરા ટ્રસ્ટ અનેક લોકોના ચહેરા પર સ્મિત રેલાવવા, આંખોની ચમક બનવા અને મનની નિર્મળ શાંતિ ઉભી કરવામાં નિમિત્ત્ બન્યું . અમારી દ્રષ્ટિએ આ માનવ સેવાનું ઉચ્ચ કોટીનું કાર્ય છે. વસંતભાઇ ગજેરાના વડપણ હેઠળ બનેલા ગજેરા ટ્રસ્ટની સેવાકીય મહેક માત્ર સુરત પુરતી નથી પણ રાજયભરમાં 17 શાળા, 7 કોલેજો, 9 શૈક્ષણિક સંકુલો અને એક વાત્સલ્ય ધામ દ્રારા લાખો લોકોના જીવનમાં મદદ કરવાનો પ્રયાસ કર્યો છે.

નિરાધારોનો પોતાનો આધાર બન્યું વાત્સલ્યધામ. . . .

વાત્સલ્યનો અર્થ થાય છે,દયાળુતા, મમતા, સ્નેહ, માયા, પ્રેમ, વત્સલ્તા,વહાલપણું. ભકિતના પાંચ પ્રકારમાંનો એક પ્રકાર વાત્સલ્ય પણ છે. બસ, આજ કામ થાય છે વસંતભાઇએ નિર્માણ કરેલા વાતસલ્ય ધામમાં. સુરત નજીક કામરેજમાં સમાજના નિરાધાર લોકો પોતાનો આધાર બની શકે તે માટે લગભગ એક દાયકા પહેલાં વાત્સલ્ય ધામ બન્યું છે. સમાજમાં દાતાઓ અને સમાજસેવાની ખોટ નથી, પણ મોટાભાગના લોકો હોસ્પિટલ કે ઝાઝરમાન મંદિરો માટે કરોડો રૂપિયા ખર્ચે છે, પણ વસંતભાઇએ માનવતાનો સાદ સાંભળ્યો. સમાજના એવા બાળકો કે જેઓ નિરાધાર છે, જે બાળકો સંજોગોનો શિકાર બનીને ગુનાખોરીના રાહ પર ચઢી ગયા છે. આવા બાળકોને શોધીને વાત્સલ્યધામમાં પનાહ આપી, તેમનામાં સંસ્કારોનું સિંચન કર્યુ, વિશ્વની કોઇ યુનિવર્સિટીમાં શિખવા ના મળે તેવા માણસ બનવાના પાઠ શિખવ્યા. એવા એચઆઇવ ગ્રસ્ત બાળકો કે જેમને સમાજમાં સ્થાન મળતું નથી એમને વાત્સલ્યધામમાં સ્થાન મળ્યું. આ એક એવું અદ્ભભૂત કામ વસંતભાઇએ શરૂ કર્યું છે કે કદાચ શબ્દોની સરાહના પણ ઓછી પડે. જે બાળકો વાત્સલ્યધામમાં રહે છે તેમના ચહેરા પરનું સ્મિત, તેમને મળેલી નવી જિંદગીની ખુશી,નવા કપડા, નવા મિત્રો, રમવા માટેનું મોકળું મેદાન,કઇંક બનવું છે એના માટેનું પ્લેટફોર્મ એ તમે જુઓ તો જ તમને ખબર પડે કે ઓહો આટલી ઉમદા અને પ્રંસશનીય કામગીરી અહીં થાય છે?

વાત્સલ્ય ધામ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? આ સવાલ તમારા મનમાં થયો હશે તો વાત એમ બની હતી કે વસંતભાઇ ગજેરાના ધર્મપત્ની ચંપાબેન બિમાર હતા અને તેમને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ચંપાબેન તે વખતે હોસ્પિટલની બારીની બહારથી દુનિયા નિહાળી રહ્યા હતા તે વખતે અને બાળકોને રસ્તા પર ભીખ માંગતા અને નિરાધાર જોયા હતા. પહેલેથી સેવાભાવી અને ધાર્મિક સ્વભાવના ચંપાબેનનું હદય દ્રવી ઉઠયું. ઇશ્વરે આપણને પુરતું આપ્યું છે તો આવા બાળકો માટે કશુંક કરવું જોઇએ એવો તેમને વિચાર આવ્યો. પતિ વસંતભાઇને વાત કરી અને પછી તો ગજેરા પરિવારના તમામ સભ્યોએ ચંપાબેનના સદભાવ વિચારને વધાવી લીધો અને કામરેજ ખાતે વાત્સલ્ય ધામનું નિર્માણ થયું. ચંપાબેન હવે આ દુનિયામાં નથી રહ્યા પણ તેમના એક વિચાર બીજે અનેક નિરાધાર બાળકોને પોતાનો આધાર આપ્યો છે. રસ્તે રઝળતા નિરાધાર બાળકોને બાળકોને કમળની જેમ ખીલવવાનું અને મહેંકાવવાનું કામ વાત્સલ્યધામ કરે છે.

દુનિયામાં જન્મેલા દરેક બાળકને એવી અદમ્ય ઇચ્છા હોય છે કે ખુલ્લાં આકાશ નીચે રમવા મળે, દોસ્તો સાથે ખુલ્લાં મને દોડવા, ઝઘડવા મળે, શાળામાં જવાનું હોય, કિતાબોમાં ખોવાઇ જવાનું હોય, દોસ્તાના નાસ્તાના ડબ્બામાથી હકથી ખાવાનું હોય, પણ આવું બચપન દરેક બાળકોના નસીબમાં નથી હોતું. એક આંકડા મુજબ દેશમાં 3. 50 કરોડથી વધુ બાળકો એવા છે જેમના માથે નથી છત નથી માબાપનો સાયો. આવા બાળકો ધીરે ધીરે ભીખ માગંવાના ક્યાં ગુનાખોરીના પંથે ચઢી જતા હોય છે.

વાત્સલ્ય ધામે છતથી વંચિત એવા બાળકોને શોધીને આશરો આપ્યો છે એટલું જ નથી, તેમને રમવાનું, સુઘડ કપડાં પહેરવાનું, જમવાનું, ભણવાનું, મિત્રો સાથે મસ્તી કરવાનું, ઇશ્વરને પ્રાથના કરવાનું . એ તમામ કામ જેમાં માણસ બનવાની શીખ મળે છે તે વાત્સલ્ય ધામ કરે છે. ખરેખર કેટલું અદ્ભભૂત કામ. વાત્સલ્ય ધામમાં રહેતા 850 બાળકોને જે ખુશી મળી છે, જે પ્રેમ મળ્યો છે, સફળતાની કેડી કંડારવાનો જે રસ્તો મળ્યો છે. તેને કોઇ પણ સંજોગોમાં શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો