ફેમિલી માટે બનાવો કાઠિયાવાડી વરાળિયું શાક, મહેમાનો નહીં થાકે વખાણ કરતાં
વીકેન્ડમાં ઘણાંના ઘરે ફેમિલી પાર્ટીઝ અને કીટી પાર્ટીઝનું આયોજન થતું હોય છે, જેમાં અવનવી ટેસ્ટી અને ચટપટી વાનગીઓ બનાવવામાં આવે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કાઠિયાવાડી વરાળિયા શાકની રેસિપિ. બનાવો તમે પણ, મહેમાનો નહીં થાકે વખાણ કરતાં.
વરાળિયું શાક
સામગ્રી
ભરવા માટે
5-6 ડુંગળી
5-6 ટામેટાં
7-8 રીંગણ
7-8 લીલાં મરચાં
5-6 બટાકાં
મસાલાની સામગ્રી
પા કપ સીંગદાણા
એક કપ ચણાનો લોટ
એક કપ ઝીણી સમારેલી કોથમીર
ત્રણ ટેબલસ્પૂન આદુ-મરચા-લસણની પેસ્ટ
ત્રણ ટેબલસ્પૂન કાશ્મિરી લાલ મરચું
ત્રણ ટેબલસ્પૂન લીંબુનો રસ
બે ટેબલસ્પૂન ધાણાજીરું
બે ટેબલસ્પૂન ખાંડ
એક ટેબલસ્પૂન મીઠું
એક ટેબલસ્પૂન ગરમ મસાલો
એક ટેબલસ્પૂન હળદર
એક ટેબલસ્પૂન વરિયાળી
અડધી ટેબલસ્પૂન મરી
પાંચ લવિંગ
બે ઈંચ તજનો ટુકડો
બે પાંખડી બાદિયા
ચાર-પાંચ ટેબલસ્પૂન તેલ
વઘાર માટે
અડધી ચમચી રાઇ
અડધી ચમચી જીરું
200 મિલી તેલ
બે-ત્રણ સૂકાં લાલ મરચાં
બે-ત્રણ તમાલપત્ર
એક બાદિયું
મીઠો લીમડો
પૂર્વ તૈયારી
એક ઈંચ આદુ, બે લીલાં મરચાં અને 15 કળી લસણની પેસ્ટ બનાવી લેવી.
એક કપ ડુંગળીની પેસ્ટ બનાવી દેવી.
એક-દોઢ કપ ટામેટાંની પ્યુરી બનાવી લેવી.
સીંગદાણા ક્રશ કરી પાવડર બનાવી લો.
વરિયાળી, મરીદાણા, તજ, લવિંગ અને બાદિયાની બે પાંખડી લઈ પાવડર બનાવી દેવો.
શાકને વરાળથી બાફવા માટે થોડી કાંકરી-કપચી ધોઇને સાફ કરી દેવી.
સૌપ્રથમ વરાળિયા શાક માટેના મસાલો બનાવી લો. આ માટે ગેસ પર કઢાઇ ગરમ કરવા મૂકી ચણાના લોટને 5 ટેબલસ્પૂન તેલમાં શેકી લો. ગેસની આંચ ધીમી રાખવી અને સતત હલવતા રહેવું. લોટમાંથી સુગંધ આવવા લાગે અને તેલ છૂટું પડવા લાગે એટલે ગેસ બંધ કરી લોટ ઠંડો પાડવો.
ત્યારબાદ મસાલો ભરવા માટે ડુંગળી, બટાકાં અને રીંગણમાં કાપા મૂકો. મરચાંમાં પણ એક બાજુ કાપો મૂકો. ટામેટાંનો ઉપરનો ભાગ દૂર કરી અંદરથી પલ્પ કાઢી લો, જેથી સ્ટફિંગ ભરી શકાય.
ત્યારબાદ શેકેલા ચણાના લોટને એક મોટા બાઉલમાં લો. ત્યારબાદ અંદર કોથમીર, આદુ-મરચાં અને લસણની પેસ્ટ, ક્રશ મરી-મસાલાનો પાવડર, સીંગદાણાનો ભૂકો, લાલ મરચું, ખાંડ, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો, મીઠું અને લીંબુનો રસ વગેરે ઉમેરી મિક્સ કરી લો. મસાલો મિડિયમ સોફ્ટ રાખવો, વધારે સોફ્ટ ન થઈ જાય એનું ધ્યાન રાખવું.
શાકને વરાળથી બાફવા માટે એક મોટા સ્ટીલના તપેલામાં કપચી ભરી લો. કપચીનું 2 ઈંચ જેટલું લેયર કરવું. ત્યારબાદ કપચીના લેવલથી થોડું ઓછું પાણી ભરો. સ્ટવની મિડિયમ રાખી ગરમ થવા દો. ત્યારબાદ કાપા પાડેલ રીંગણ, બટાકાં અને મરચાંમાં સ્ટફિંગનો મસાલો દબાવી-દબાવીને ભરી લો. ડુંગળીમાં મસાલો ભરવાની જરૂર નથી. ટામેટાંમાં પણ સ્ટફિંગ ભરી લો.
બટાકાંને ચઢતાં બીજાં શાકભાજી કરતાં વધારે સમય લાગે છે. માટે સૌપ્રથમ કપચી પર બટાકાં મૂકીને ઢાંકીને સાતેક મિનિટ માટે બફાવા દો. સાતેક મિનિટ બાદ બટાકાં પર રીંગણ, ટામેટાં, મરચાં અને ડુંગળીને ગોઠવીને બધાં શાક વરાળથી બફાવા દો. વચ્ચે-વચ્ચે શાક વધારે ન બફાઇ જાય એ માટે ચેક કરતા રહેવું. બધાં શાક બરાબર બફાઇ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો.
હવે વઘાર માટે એક મોટી કઢાઇ ગરમ કરવા મૂકો અને અંદર 200 મીલી તેલ મૂકો. ગેસની ફ્લેમ મિડિયમ રાખવી. તેલ ગરમ થાય એટલે રાઇ અને જીરું નાખો. ત્યારબાદ તેમાં તજ, તમાલપત્ર, સૂકાં લાલ મરચાં અને બાદિયા નાખો. ત્યારબાદ અંદર મીઠો લીમડો નાખો. ત્યારબાદ અંડર એક કપ ડુંગળીની પેસ્ટ ઉમેરો. પેસ્ટ 2 મિનિટ ચઢવા દો. પછી અંદર વધેલો સ્ટફિંગનો મસાલો ઉમેરો. ત્યારબાદ અંદર ટામેટાની પ્યુરી ઉમેરો અને 4-5 મિનિટ ચઢવા દો.
પાંચેક મિનિટ બાદ અંદર દોઢેક લીટર પાણી ઉમેરો. શાક ઠંડુ પડશે એટલે ઘટ્ટ બનશે. બધુ બરાબર મિક્સ કરી ઉકળાવા દો. બરાબર ઉકળી જાય એટલે અંદર વરાળથી બાફેલાં શાક ઉમેરો. શાક ગ્રેવીમાં હળવા હાથે મૂકવાં, જેથી ગ્રેવી બહાર નીકળી જાય. ત્યારબાદ શાકને હળવા હાથે થોડાં મિક્સ કરી લો.
તૈયાર છે કાઠિયાવાડી ફેમસ વરાળિયું શાક. કોથમીરથી ગાર્નિશ કરી ભાખરી કે રોટલા સાથે સર્વ કરો. સાથે ડુંગળી, તળેલાં મરચાં અને કોબીનો સંભારો પણ પીરસવો.
આભાર: અલ્કા સોરઠીયા (રાજકોટ)