વડોદરામાં મા-દીકરીનાં શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલાયો: પતિએ જ પત્ની અને દીકરીને આઈસ્ક્રિમમાં ઝેર આપીને બન્નેનું ગળું દબાવી હત્યા કર્યાનું સામે આવ્યું
વડોદરાના ન્યૂ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી બનાવમાં રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે. પતિએ જ પત્ની અને પુત્રીને આઈસ્ક્રિમમાં ઝેર ખવડાવી ગળુ દબાવી હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ પોલીસ તપાસમાં થયો છે. ઝેર મિશ્રીત આઇસ્ક્રીમ ખવડાવ્યા બાદ પત્નીએ થોડા સમય બાદ ડુસકા ભરવાનું શરૂ કરતા પતિએ પત્નીનું ગળું દબાવી દીધું હતું. તે સમયે તેના નખ પત્નીના ગળામાં વાગ્યા હતા. પત્નીનું ગળું દબાવ્યા બાદ તેને દીકરીનું ગળું દબાવી દીધું હતું.પોલીસ તપાસમાં માતા-પુત્રીની બેવડી હત્યા પતિના અન્ય મહિલા સાથે આડા સબંધ, ઘર જમાઇ તરીકે રહેવાની મજબૂરી તેમજ પત્નીની અજુગતી માગણીઓ જેવાં વિવિધ કારણો જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. સમા પોલીસે પત્ની અને પુત્રીની હત્યા કરીને મોતને ઘાટ ઉતારનાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય બાબત એ છે કે વડોદરા શહેર-જિલ્લામાં પતિ દ્વારા પત્નીની હત્યાનો ત્રીજો બનાવ બન્યો છે.
સમા પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે આ પટેલ પરિવાર પંચમહાલના નાંદરવાનો છે, જ્યારે તેજસનું વતન ત્યાંથી 15 કિલોમીટરના અંતરે આવેલું એરંડી ગામ છે. લગ્ન બાદ તેજસ શોભનાના ઘરે ઘર જમાઇ તરીકે રહેતો હતો. તેજસને નોકરી શોભનાના ભાઇએ અપાવી હતી. તેજસને ઘર જમાઇ તરીકે રહેવું ગમતું ન હતું. પરંતુ, પત્ની શોભનાની જીદના કારણે તેને મજબૂરીથી રહેવું પડતું હતું. પત્નીની અજુગતી માંગણીઓ વધુ પડતા ખર્ચા કરાવતી હોવાથી બંને વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતાં હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગત બહાર આવી છે કે, તેજસને અન્ય મહિલા સાથે આડા સબંધ હોવાની જાણ થતાં ઝઘડાઓ શરૂ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સમા પોલીસ મથકના પી.આઇ. એન.એચ. બ્રહ્ણભટ્ટે તા.10 ઓક્ટોબરની રાત્રે સી-48 ચંદન પાર્ક સોસાયટીમાં ખેલાયેલા ખૂની ખેલના ઘટના ક્રમ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, તા.10 મીની રાત્રે 9 કલાકે તેજસ અને તેની પત્ની શોભના ઘરે હતા. દીકરી કાવ્યા તેની મામી સાથે સોસાયટીના કોમન પ્લોટમાં થતા નવરાત્રિના ગરબા રમવા માટે ગઇ હતી. રાત્રે 11 વાગ્યાના સુમારે કાવ્યા તેની મામી ઘરે આવ્યા હતા. તે રાત્રે પતિ અને પત્ની વચ્ચે કોઇ ઝઘડો થયો ન હતો. દિવસ સામાન્ય હતો. પરંતુ, તેજસના માનસમાં પત્ની અને દીકરી માટે આખરી રાત હોવાનું નક્કી હતું.
પી.આઇ.એ વધુમાં જણાવ્યું હતું કે, તેજસ પટેલ અગાઉથી જ આઇસ્ક્રીમ લઇ આવ્યો હતો. કાવ્યા આવ્યા બાદ તેજસે પત્ની શોભના અને દીકરી કાવ્યાને ઝેર મિશ્રીત આઇસ્ક્રીમ આપ્યો હતો. પત્ની અને દીકરી સાથે તેજસે પણ ઝેર વગરનો આઇસ્ક્રીમ ખાધો હતો. આઇસ્ક્રીમ ખાધા બાદ પત્ની અને દીકરી સૂઇ ગયા હતા. થોડા સમય બાદ શોભનાએ ડુસકા ભરવાનું ચાલુ કરતા તેજસ ચોંકી ઉઠ્યો હતો. તુરતજ તેણે પત્નીનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. તે બાદ દીકરી કાવ્યા પણ જીવતી હશે., તેવા અનુમાન સાથે તેનું પણ ગળુ દબાવી દીધું હતું. પત્નીનું ગળું દબાવતી વખતે તેજસના નખ પત્નીના ગળામાં વાગતા નિશાન પડ્યા હતા.
દરમિયાન તા. 10 ઓક્ટોબરની મોડી રાત્રે દોઢ-બે વાગ્યાના સુમારે તેજસ પટેલ ત્રીજા માળે રહેતા તેના સાળા જીતેન્દ્ર બારીયાને ઉઠાડ્યા હતા. અને જણાવ્યું કે, “શોભના અને કાવ્યા જાગતા નથી” તેમ જણાવતા તુરત જ જીતેન્દ્ર અને તેની પત્ની ચોથા માળે રૂમમાં પહોંચી ગયા હતા. તે બાદ તેજસ તેના સાળા અને સાળાવેલી સાથે પત્ની શોભનાબહેન અને દીકરી કાવ્યાને લઇ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. પરંતુ, તબીબોએ પ્રાથમિક તપાસમાંજ તેઓને મૃત જાહેર કર્યા હતા.
રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો
પી.આઇ. એન.એચ. બ્રહ્ણભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, રહસ્યમય માતા-પુત્રીના મોત અંગે તેજસે શરૂઆતમાં બચવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ, માતા-પુત્રીના પોષ્ટમોર્ટમ રિપોર્ટ બાદ નક્કી થઇ ગયું હતું કે, માતા-પુત્રીની હત્યા તેજસ પટેલે જ કરી હતી. બાદમાં તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. અને પત્ની અને દીકરીની હત્યા કરી હોવાની રડતા..રડતા.. કબુલાત કરી લીધી હતી.
ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીમાં માતા-પુત્રીનાં શંકાસ્પદ મોતના બનાવમાં પોલીસ હત્યાની થિયરી પર તપાસ કરી રહી છે. પોલીસની ટીમોએ મંગળવારની મોડી રાત સુધી મહિલાનાં પતિ અને પરિવારજનોની ઝીણવટભરી પૂછપરછ કરી હતી. જેમાં તેજસ પટેલ ભાંગી પડ્યો હતો. અને પત્ની શોભના તથા પુત્રી કાવ્યાની ગળુ દબાવી હત્યા કર્યા બાદ ઉંદર મારવાની દવા પીવડાવી દીધી હોવાની કબુલાત કરી લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં 36 વર્ષીય શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા પટેલ રવિવારે રાત્રે 12 વાગે ગરબા રમીને ઘરે આવ્યાં હતાં. ત્યાર બાદ બંનેની તબિયત બગડતાં પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતા. માતા-પુત્રીનાં શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અપાયા હતા.
પોલીસ દ્વારા માતા-પુત્રીના રહસ્યમય મોતના બનાવમાં મહિલાના ગળામાં ઇજાના નિશાન હોવાથી આ રહસ્યમય મોતનો ભેદ ઉકેલવા માટે પેનલ પોષ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. વીસેરા પણ લેવામાં આવ્યા હતા. પોષ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટમાં પતિ તેજસ પટેલ દ્વારા પત્ની શોભના અને પુત્રી કાવ્યાનું ગળું દબાવ્યા બાદ ઝેર પીવડાવી દીધું હોવાની વિગતો બહાર આવી હતી. દરમિયાન પોલીસે પત્ની અને પુત્રીની બેવડી હત્યા કરનાર પતિ તેજસ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્લાનિંગ : મોબાઈલ પર સતત ર્સચ કરી ફૂલપ્રૂફ હત્યાની તૈયારીઓ કરી હતી
ગૃહકલેશ અને પ્રેમ પ્રકરણ તેમજ ઘરજમાઈ તરીકે પત્નીના ઘરે રહી દરેક અપમાનના ઘૂંટડા પીતા તેજસ પટેલે પત્ની અને પુત્રીને કેવી રીતે મોતને ઘાટ ઉતારવા તે અંગે સતત તૈયારી કરતો હતો. તે માટે તેણે મોબાઈલમાં છેલ્લા એક સપ્તાહથી ગુગલ તથા યુ ટ્યૂબ ઉપર સર્ચ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં તે રેટ કિલર.., જહર કોન કોન સા હૈ.., મોત કૈસે હોતા હૈ.., હાઉ ટુ ગીવ ડેથ.., રેટ કિલર વોટ ઇફેક્ટ ઓન મેન.., પોઇઝન, ધ રેટ કિલર પોઇઝન.., હાઉ ટુ કિલ અ મેન વિથ પીલો.. જેવું સર્ચ કરેલાનું મળી આવતા પોલીસે તેના આધારે તપાસ કરી પૂછપરછ કરતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
ધમકી : તું તારી સાસુ અને નણંદ વિશે કશું બોલીશ તો તમને બંનેને કઈ કરી નાખીશ
તેજસ ધો.12 સુધી ભણેલો હતો. જ્યારે શોભનાએ બી.એ.નો અભ્યાસ કર્યો હતો. તેજસ કરતા શોભનાબેન ઉંમરમાં 6 વર્ષ મોટા હતા. તેજસ વર્ષ-2016થી સાસરીમાં ઘર જમાઇ તરીકે રહેતો હતો. જે તેને પસંદ ન હતું. પત્ની શોભના સાથે અવાર-નવાર તેજસની માતા અને બહેન મુદ્દે ઝઘડા થતા હતા. તેજસનું અન્ય યુવતી સાથે પ્રેમ હોવા મુદ્દે પણ બંને વચ્ચે ખટરાગ સર્જાતો હતો. એક વાર તેજસે ધમકી આપતા જણાવ્યું હતું કે તું તારી સાસુ કે નણંદ વિશે કઇ બોલીશ તો હું બંનેને કઈ કરી નાખીશ અથવા હું કઈ કરી લઈશ.
ક્રૂરતા : પુત્રીને ખબર પડશે તો નજર કેવી રીતે મિલાવીશ તેમ વિચારી તેની પણ હત્યા કરી
પુત્રી મોટી થયા બાદ તેને ખબર પડશે કે તેના પિતાએ જ માતાની હત્યા કરી છે તો હું પુત્રીથી નજર કેવી રીતે મિલાવીશ, એટલે મેં તેને પણ જીવતી ન રાખી. પોલીસે તેને પુત્રીની હત્યા કેમ કરી તેમ પૂછતાં તેજસે રડતા રડતા જણાવ્યું હતું કે મારે પહેલાં પત્ની એકલીની જ હત્યા કરવાનો પ્લાન હતો. પરંતુ, હું જેલમાં ગયા બાદ મારી દીકરી મોટી થયા બાદ પરિવારને પૂછત કે મારી માં ક્યાં છે ? મોટી થયા બાદ દીકરીને ખબર પડશે કે મારા પિતાએજ મમ્મીની હત્યા કરી છે તો હું તેની સામે નજર કેવી રીતે મિલાવીશ. તદુપરાંત તેની પ્રેમિકા નહીં અપનાવે તેમ માની હત્યા કરી હતી.
ઓબ્ઝર્વેશન : હત્યા કર્યા બાદ પત્ની અને પુત્રીના મૃતદેહ પાસે 1 કલાક સુધી બેસી રહ્યો
પત્ની અને પુત્રીને ઝેર મિશ્રિત આઇસ્ક્રીમ ખવડાવી મોતને ઘાટ ઉતારનાર હત્યારા પતિ તેજસ પટેલે પોલીસને જણાવ્યું હતું કે મોડી રાત્રે આઇસક્રીમ ખાધા બાદ પત્ની શોભનાએ હલનચલન કરતા અને ડુસકા ભરતા તેણે પત્નીની છાતી પર બેસી જઇ તેનું ગળું દબાવ્યું હતું. તદુપરાંત પુત્રીના મોઢા પર તકીયું લગાવી તે પણ જીવતી ન રહે તેના માટેના પ્રયાસો કર્યા હતા. આ ઘટના બાદ પણ બંને જીવિત ન રહે તે માટે સતત એક કલાક સુધી પત્ની અને પુત્રીના મૃતદેહનું તેજસે સતત ઓબ્ઝર્વેશન કર્યું હતું.
એ રાતે શું બન્યું?
રાત્રે 10.30 વાગ્યે : પુત્રી સોસાયટીના કોમન પ્લોટમાં ગરબા રમી ઘરે આવી
રાત્રે 11 વાગ્યે : પહેલેથી જ આઈસ્ક્રીમ લઈને આવેલા તેજસે ઝેર મિશ્રિત આઈસ્ક્રીમ પત્ની અને પુત્રીને ખવડાવી પોતે ઝેર વિનાનો આઈસ્ક્રીમ ખાધો.
રાત્રે 12.30 વાગ્યે : પત્ની હલનચલન કરી ડુસકા ભરવાનું શરૂ કરતાં તેજસ તેની છાતી પર બેસી જઈ ગળું દબાવ્યું. ઝપાઝપીમાં પત્નીના ગળા પર ઇજા થઇ.
રાત્રે 12. 40 વાગ્યે : પુત્રી જીવિત ન રહે તે માટે તેના મોઢા પર તકીયો મૂકી દબાવી રાખ્યું.
રાત્રે 2 વાગ્યે : બંને મોતને ભેટ્યા હોવાની ખાતરી કરી રાતે 2 વાગે તેજસ નીચે આવ્યો અને પત્ની અને પુત્રી ઉઠતા નથી તેમ તેના સાળાને જણાવ્યું.
સમામાં માતા- પુત્રીના ભેદી મોતમાં બેવાર તપાસ બાદ પોલીસને ધાબા પરથી ઝેરી દવા મળી હતી જો કે પડોશીઓને શંકા હતી કે સોસાયટીમાં ઉંદરનો ત્રાસ નથી તો દવા કેમ લવાઇ હતી. આ કેસ આપઘાતનો નહીં હત્યાનો છે. જે તપાસ બાદ શંકા સાચી ઠરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..