વડોદરા જિલ્લાના ખેડૂતોનો નવતર અભિગમ, ઓર્ગેનિક ખેતીનો કરે છે પ્રયોગો
જિલ્લાના ઢોલાર,શિનોર, તેરસા અને ટીંગલોદ ગામોના ખેડૂતો હવે ખેતીમાં પાક ઉત્પાદન વધારવા માટે નવા રસ્તે વળ્યા છે. ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે ખેડૂતોએ મધમાખી ઉછેરની શરૂઆત કરી છે. જેના થકી ખેતીમાં પરાગનયનની પ્રક્રિયા સારી રીતે થાય છે અને ખેત ઉત્પાદનમાં વધારો થતો જોવા મળ્યો છે. સાથો સાથ મધ ઉછેર કરવાથી આવા ખેડૂતો આજે એક પેટીમાંથી અંદાજે 2 કિલો મધ ઉતારી આર્થિક ઉપાર્જન પણ મેળવી રહ્યા છે.
મધમાખીના ઉછેરથી ખેતીમાં ફાયદો થાય છે તેવી અમને જાણકારી મળી
ડભોઈ તાલુકાના ઢોલાર ગામના ખેડૂત બંસીભાઈ ચીમનભાઈ પટેલએ જણાવ્યું હતું કે, મારી પાસે 26 વીઘા જમીન છે. અત્યારસુધી અમે માત્ર સિંચાઈ અને ખાતરને આધારે જ ખેતીને પ્રાધાન્ય આપતા હતા. પરંતુ ખેત ઉત્પાદનમાં પરાગનયન માટે કોઈજ માર્ગદર્શન ન હોનવાને કારણે ધ્યાન આપતાં નહોતા. જેથી પાક ઉત્પાદનમાં કંઈ ખાસ મળતું નહોંતું. પરંતુ અમે જિલ્લા બાગાયત શાખાના અધિકારીઓના સંપર્કમાં આવતાં તેમણે મધમાખીના ઉછેરથી ખેતીમાં ફાયદો થાય છે તેવું જણાવતાં તાલિમ મેળવી અને મધમાખી ઉછેર માટે પેટીઓ લાવ્યા.
અમે 150 મધ પેટી લાવ્યા હતાઃ ખેડૂત
બંસીભાઈએ વધુમાં ઉમેર્યું કે, મારી જમીનમાં કેળ, મરચી, દિવેલા અને મકાઈનો મકાઈનો પાક કરૂં છું. મધમાખીના ઉછેરથી ખેતીમાં પરાગનયનની પ્રક્રિયા સારી રીતે થાય અને પાક ઉત્પાદનમાં વધારો થાય છે. એ અમે નજરો નજર જોયું એટલે વિશ્વાસ બેઠો. અમે 150 મધ પેટી લાવ્યા હતા. જે આસપાસના ગામોના ખેડૂતોને પણ આપી છે. એક અઠવાડિયામાં જ મધનો ઉતારો કરતાં એક પેટીમાંથી અંદાજે 3 કિલો જેટલું મધ ઉતર્યું છે. ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતો વળે તેવો આ ઉદ્દેશ ગણાવી શકાય. તેનાથી અમને ખેતી કામમાં ચોક્કસ પણ ફાયદો થતો જોવા મળી રહ્યો છે.
એક પેટીમાં આઠ ફ્રેમ ગોઠવવામાં આવે છે
વડોદરા જીલ્લાના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળવા માટે પ્રેરણા આપી. જેનાથી પ્રોત્સાહિત થયેલા ખેડૂતો મધમાખીઓની કોલોનીઝ સ્થાપિત કરવાનું નવતર સાહસ ખેતીના ક્ષેત્રમાં કરી રહ્યા છે. મધમાખીઓની એક કોલોની એટલે કે એક લંબચોરસ પેટી જેમાં આઠ આડી ફ્રેમ્સના રૂપમાં આઠ કૃત્રિમ મધપુડા પકવી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. આ પેટીના નીચેના ભાગે એક કાણું હોય છે. જ્યાંથી ઇટાલિયન મધમાખીઓ અવરજવર કરે છે. ફૂલોનો રસ ચૂસીને કૃત્રિમ માળખામાં સાચો મધપુડો બનાવે છે.
ખેડૂતોએ મધમાખી કોલોનીઝ સ્થાપિત કરી રહ્યા છેઃ બાગાયત અધિકારી
બાગાયત વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે હાલમાં પ્રગતિશીલ ખેડૂતોએ ૫૫ જેટલી કોલોનીઝ સ્થાપિત કરવાનું પ્રાયોગિક સાહસ કર્યું છે. જેને સફળતા મળ્યેથી જીલ્લામાં મધમાખી ઉછેરના એગ્રીકલ્ચરના નવા અધ્યાયની શરૂઆત થશે. ખેડૂતો મધમાખી ઉછેર તરફ વળે અને પુરક આવક મેળવવાની સાથે ખેતીને સુધારે તેવાપ્રયાસો થઈ રહ્યા છે. ઇટાલિયન પ્રકારની મધમાખીઓ દેશી જંગલી મધમાખીઓ જેવી આક્રમક નથી હોતી. એટલે થોડી સાવચેતી દાખવીએ તો ડરવાની કોઈ જરૂર નથી હોતી. 3 કિમીના અરિયાને મધમાખીઓ કવર કરે છે. એટલે 3 કિમીના ખેતરોમાં તેનો ફાયદો થાય છે.