કોણ છે ઊર્જિત પટેલ

મૂળ ગુજરાતી ઊર્જિત પટેલનો જન્મ 28 ઓક્ટોબર 1963નાં રોજ કેન્યામાં થયો હતો. તેમણે સ્કૂલ શિક્ષણ પણ કેન્યામાં જ લીધુ છે. ઊર્જિતનું પૈત્રુક ગામ ખેડા જિલ્લાનું મહુધા છે. તેઓ પાંચની વર્ષની ઉંમરે મહુધા આવ્યા હતા. તેમના પિતા રવિન્દ્ર પટેલ કેન્યામાં બિઝનેસ સાથે સંકળાયેલા હતા. તેમના અન્ય કુટુંબીજનો મુંબઈમાં વસે છે.

મહુધામાં રહે છે ઊર્જિત પટેલના પિતરાઈ ભાઈ અને પરિવાર
ઊર્જિત પટેલના પિતા રવીન્દ્રભાઈ કેન્યા ગયા હતા પણ ઊર્જિતનાં પિતરાઈ કાકા નારણભાઈ મહુધા જ રહ્યા હતા. જગદીશભાઈ એટલે નારણભાઈ પરસોત્તમભાઈ પટેલના દીકરા અને ઊર્જિતભાઈ એટલે રવિન્દ્રભાઈ ડાયાભાઇ પટેલના દીકરા. મૂળ ડાહ્યાભાઈ અને પરસોત્તમભાઈ સગાં ભાઈઓ એટલે ખુશાલભાઈ પટેલના દીકરા. આ ઘર 1907થી એવું જ છે અને હાલ માત્ર જગદીશભાઈ, તેમના પત્ની ઉષાબેન અને દીકરો ભાવિન આ ઘરમાં રહે છે.

ઉર્જિત પટેલ ગુજરાતના ચરોતર પંથકના વતની છે

ઊર્જિત પટેલનું મહુધા ખાતે 109 વર્ષ જૂનું ઘર છે
ઊર્જિત પટેલનું મહુધાનું ઘર 109 વર્ષ જૂનું છે. તેમના પિતરાઈ ભાઈએ દસ્તાવેજ બતાવ્યા જેમાં લખેલું છે કે, 109 વર્ષ પહેલા એટલે કે 1907માં 400 રૂપિયામાં તેમના પરદાદાએ આ ઘરને ખરીદ્યુ હતું. ત્યારથી અમારો પરિવાર અહિંયા જ રહે છે. ઊર્જિત પટેલનાં મહુધા ખાતેના આ ઘરમાં 9 ઓરડા છે, તેમના પિતા રવિન્દ્રભાઈ દર વર્ષે અહિંયા આવતા અને રોકાતાં. જગદીશભાઈએ જણાવ્યું કે કાકા રવિન્દ્રભાઈની ઈચ્છા હતી કે, આ જુના ઘરની જગ્યાએ નવું મકાન બનાવવું છે.

દાદા પરસોત્તમભાઈ ખુશાલભાઈ નાગપુરમાં રેતીનો ધંધો કરતા હતા
જગદીશભાઈએ જણાવ્યું કે, તેમના દાદા પરસોત્તમભાઈ પટેલ નાગપુરમાં રેતીનો ધંધો કરતા હતા. ઉર્જીત પટેલના પિતા રવિન્દ્રભાઈને રેતીના ધંધામાં રસ ન હતો એટલે તેઓ પત્ની મંજુલા સાથે કેન્યા ચાલ્યા ગયા અને ત્યાં ઊર્જિતનો જન્મ થયો.

ઊર્જિત પટેલની બાબરી-બાધા મહુધામાં થઇ હતી, તેઓ 5 વર્ષના હતા
જગદીશ પટેલ જણાવે છે કે, ઊર્જિતભાઈ 5 વર્ષના હતા ત્યારે તેમના પિતા રવીન્દ્રભાઈ અને માતા મંજુલાબેન તેમને પહેલી વખત મહુધા લઈને આવ્યા હતા. તેઓ ઊર્જિતભાઈની ‘બાબરી’ની બાધા કરવા માટે આવ્યા હતા અને એક દિવસ મહુધા રોકાયા હતા. ઊર્જિતનો જન્મ કેન્યામાં થયો હતો પણ પિતા રવીન્દ્રભાઈને ગામ મહુધા અને સમાજ પ્રત્યે લાગણી વધુ હોવાથી તેઓ દીકરાની બાધા કરવા માટે માદરે વતન આવી પહોંચ્યા હતા.

ઊર્જિત પટેલના પિતા દર વર્ષે મહુધા આવતા અને રોકાતા
ઉષાબેને જણાવ્યું કે, રવીન્દ્ર કાકા દર વર્ષે આવતા અને ઘરે જ રોકાતાં હતા. તેમને મહુધા પ્રત્યે ઘણી લાગણી હતી અને તેઓ સમાજ માટે કઈ કરવા ઈચ્છતા હતા. હવે તેઓ તો નથી પણ મંજુલા કાકી અમને ઘણી મદદ કરે છે. મારા દીકરાના ભણતર માટે પૈસાની જરૂર હતી ત્યારે તેઓએ તરત જ અમારા ખાતામાં પૈસા જમા કરાવી દીધા હતા. તેમને મારા મોટા દીકરાને મળવું હતું તો આણંદ એક મેરેજમાં ઊર્જિતભાઈએ ખાસ મારા પુલકિતને લઈને આવા જણાવ્યું હતું અને તેઓ મળ્યા હતા.

મા-બાપ અને દેશની સેવા કરવા લગ્ન ન કર્યાં
જગદીશ પટેલે જણાવ્યું કે, તેઓને અમેરિકામાં એક સમયે ભારતીય મૂળની એક છોકરી સાથે પ્રેમ સબંધ હતો. પણ ઊર્જિતને મા-બાપ અને દેશની સેવા કરવી હતી એટલે તેઓ અમેરિકા છોડી ભારત પરત ફર્યાં હતા. ભારત આવીને માતા-પિતા સાથે મુંબઈમાં પરિવાર સ્થાયી થયો. હાલ ઊર્જિત પટેલના માતા મંજુલાબેન મુંબઈમાં રહે છે અને તેમના પિતાનું 2005ની સાલમાં અવસાન થયું હતું.

ઊર્જિત પટેલ છે ખેડૂત, મહુધામાં છે તેમની જમીન
ઊર્જિત પટેલના ઘર સહીત તેમના પરિવારની ખેતીની જમીન મહુધામાં આવેલી છે. હાલ તેઓ આ જમીનના વારસદાર પણ છે. આ જમીન સહિયારી હોવાથી તેમના કાકાના દીકરા જગદીશભાઈ ખેડે છે. મહુધા-નડીયાદ રોડ ઉપર આવેલી આ જમીનમાં હાલ તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે. પિતાના અવસાન પછી જગદીશભાઈના કહેવાથી તેઓ અને તેમના માતા મંજુલાબેન મહુધાના ઘરે આવ્યા અને વારસદાર તરીકે તેમનું નામ નોંધાવ્યું હતું.

2013માં જમીનનો ભાગ આપવા માટે કાકાના દીકરાએ બોલાવ્યા હતા
ઊર્જિતના પિતા રવિન્દ્રભાઈનું મોત થઇ જતા જમીનમાં ઊર્જિતનું અને તેના માતાનું નામ દાખલ કરાવવા માટે જગદીશ પટેલે સામેથી ફોન કર્યો હતો. ઘરમાં આવીને સામાન્ય ખુરશીમાં જ બઠા હતા. જગદીશભાઈના પત્ની ઉષાબેનના જણાવ્યા અનુસાર, ઊર્જિતભાઈ એક દમ શાંત અને ઓછા બોલા છે. જ્યારે તેઓ દસ્તાવેજ માટે મહુધા આવ્યા ત્યારે તેઓ ખુરશીમાં જ બેઠા અને કહ્યું કે મોટાભાઈ તમને હું નવું ઘર બનાવી આપીશ, આ ઘર બહુ જુનું થઇ ગયું છે. ઉષાબેને જણાવ્યું કે, ઊર્જિતભાઈ બહુ ઓછું ગુજરાતી બોલે છે, જેથી મંજુલાકાકી તેમને ઈંગ્લીશમાં સમજાવે છે.

વૈષ્ણવ ધર્મના અનુયાયી છે ઊર્જિત પટેલ
જગદીશભાઈએ જણાવ્યું કે, ઊર્જિતભાઈ વૈષ્ણવ ધર્મના અનુયાયી છે અને તેઓની કુળદેવી કાળકા માતા છે. તેઓ લેઉવા પટેલ છે અને મૂળ કઠલાલ પાસે આવેલ છીપડીના પાટીદાર છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો