રાજકોટના શ્રીરામ ટ્રસ્ટનું અનોખું અભિયાન: ઉત્તરાયણ પર દાન નહીં, પરંતુ ગરીબ વૃદ્ધોને આજીવન દત્તક લઇ તેઓની આજીવન સેવા કરવાનું બીડું ઝડપ્યું
ઉત્તરાયણના તહેવાર પર વિવિધ પ્રકારનું દાન કરવાની પરંપરા રહેલી છે. લોકો આ દિવસ પર ગાયને ઘાસ અને વૃદ્ધાશ્રમમાં દાન જેવી અનેક પ્રવૃત્તિઓ કરતા હોઈ છે, પરંતુ રાજકોટના શ્રીરામ ટ્રસ્ટ દ્વારા દાન નહિ પરંતુ વૃદ્ધોને દત્તક લેવાની અનોખી સેવાકીય કામગીરી કરવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને દત્તક લઇ અતિથી ઇતિ સુધીની તમામ જીવનનિર્વાહ માટેની વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે.
ઈશ્વરની કૃપાથી કોઈ ભૂખ્યું ન સૂવે, તેના માટે છેલ્લા 30 વર્ષથી કાર્યરત શ્રીરામ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય આયામો ચલાવવામાં આવે છે. જેમાં છેલ્લા 9 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને દત્તક લઇ તેઓની આજીવન સેવા કરવાનું બીડું આ સંસ્થા દ્વારા ઝડપવામાં આવ્યું છે. વૃદ્ધોની સેવા માટે ચાલતા ટ્રસ્ટમાં કોઈ પાસેથી રોકડ રકમ લેવામાં આવતી નથી. ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ આર.કે.પટેલના જણાવ્યા અનુસાર જે લોકો શારીરિક અસ્થિર છે કે જેઓને કમાઈ શકે તેવું સંતાન નથી અને રોજગારી મેળવી શકતા નથી, તેવા લોકોને સંસ્થા દ્વારા દત્તક લેવામાં આવે છે.
કોઈ વ્યક્તિ દ્વારા ટ્રસ્ટનો સંપર્ક કરતા ટ્રસ્ટ દ્વારા તે વ્યક્તિની પૂરી માહિતી મેળવી, સ્ટાફ દ્વારા વૃદ્ધોની મુલાકાત લઇ, નિ:સહાય – જરૂરિયાતમંદ જણાયા બાદ જ દત્તક લેવામાં આવે છે. જે લોકોને દત્તક લેવામાં આવ્યા છે, તેઓને પોતાના ઘરે જ રહેવાનું હોઇ છે, પરંતુ સામાન્ય રીતે જીવનનિર્વાહ માટે જે વસ્તુઓની નિયમિત જરૂરિયાત પડતી હોય છે, તેની કિટ બનાવી દત્તક લીધેલા લોકોને પૂરી પાડવામાં આવે છે. જેમાં કરિયાણાથી લઇ કપડાં, ચપ્પલ, દવા તથા અન્ય દૈનિક જરૂરિયાતની વસ્તુ આપવામાં આવે છે.
વર્ષ દરમિયાન દર મહિને પૂનમ અને અમાસ એમ બે વખત દરેક લોકો સાથે મિટિંગ પણ કરવામાં આવે છે.ટ્રસ્ટ સાથે અત્યાર સુધીમાં રાજકોટના 97 લોકો જોડાયા છે અને ઉત્તરાયણના મહાપર્વ પર તેઓને કરિયાણાની એક કિટ બનાવી આપવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકો વધુને વધુ જોડાય તે માટે ઉત્તરાયણના તહેવાર પર ખાસ કેમ્પ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તા.14, 15 અને 16ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે કોઈ પણ આ ટ્રસ્ટ સાથે જોડાવા ઇચ્છતા હોઈ તેઓએ રૈયા રોડ પર, બાપા સીતારામ ચોક ખાતે શ્રીરામ ટ્રસ્ટની ઓફિસનો સંપર્ક કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..