જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામે ગૌ ભકત સ્વ. ઉકાભાઈ ખીમજીભાઈ કોટડિયાના દુઃખદ અવસાનથી દુઃખી ગાયમાતા રોજ બેસણાંમાં આવીને બેસે છે અને આંસુડા સારે છે !
” દીકરી ને ગાય દોરે ત્યાં જાય” આ કહેવત કદાચ સંવેદનાના આધારે પડી હોય, તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે. વાત છે જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામની ! જ્યાં બની છે આ અજીબોગરીબ ઘટના !
સંવેદના એ ખાલી માનવીઓમાં જ હોય એવું નથી. પશુઓમાં પણ ભારોભાર સંવેદનાઓ ભરેલી હોય છે. એ દર્શાવતો કિસ્સો તાજેતરમાં જ કેશોદ ખાતે બની ગયો છે. કેશોદના આંબાવાડી વિસ્તારમાં વસવાટ કરતા કોટડિયા પરિવારના ગૌ ભક્ત સ્વ. ઉકાભાઈ ખીમજીભાઈ કોટડિયાનું તાજેતરમાં તા. 25/4/2019ના રોજ દુ:ખદ અવસાન થયું. લૌકીક રિવાજ પ્રમાણે મૃતક વ્યક્તિને ત્યાં પરિવાર પર આવેલી અણધારી આફતમાં દુ:ખમાં ભાગ લેવા અન્ય કુટંબીજનો ઉતરક્રિયા સુધી બેસણું રાખે છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે એક ગાયમાતા રોજ આ બેસણામા આવીને સૌની સાથે બેસી શોક મનાવે છે.
આ ગાયમાતા સ્વ.ઉકાભાઈ કોટડિયાના ફોટા પાસે જઈ ઊભી રહે છે. ફોટા સામે માથું નમાવીને ફોટાની સામે કે બાજુમા બેસી જાય છે અને આંસુડા સારે છે. માનવીય સંવેદના સાથે ગાયમાતાની સંવેદના ઉપસ્થિત તમામ લોકોની આંખોમાં આંસુ લાવી દે છે. કળીયુગમાં જોવા મળેલી આ અવિસ્મરણીય ઘટના સતયુગની યાદ અપાવી જાય છે.
આ ઘટના બાબત સ્વ.ઉકાભાઈ ખીમજીભાઈ કોટડિયાના પુત્ર ગીરીશભાઈ કોટડિયાને પુછતાછ કરતા તેમણે જણાવ્યુ હતુ કે, મારા પિતાજી આ ગાયને રોજ રોટલી ખવડાવતા હતા. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, મારા પિતાજીના અચાનક થયેલા અવસાનથી આ ગાયમાતા પણ દુ:ખી થયા છે. અને છેલ્લા સાત દિવસથી રોજ બેસણામાં આવીને બેસી જાય છે અને આંસુ સારે છે. એટલે જ કદાચ સંવેદના પરથી ” દીકરી ‘ને ગાય દોરે ત્યાં જાય” કહેવત પડી હશે.
(અહેવાલ : ભરત કોટડિયા-સુરત)