શહીદોના પરિવાર માટે સુરતના બે મિત્રોની ફાઇટ, ‘રોજનો એક રૂપિયો શહીદોના પરિવાર માટે’ લઇ 8 લાખ ભેગા કર્યા
શહીદોના પરિવારને મદદરૂપ થવાં શહેરના એક શિક્ષકે ‘રોજનો એક રૂપિયો શહીદોના પરિવાર માટે’ આ કન્સેપ્ટ સાથે એક સંસ્થા શરૂ કરી છે. દોઢ વર્ષ પહેલા શરૂ થયેલી આ સંસ્થા દ્વારા 3 શહીદોના પરિવારને આર્થિક મદદ કરવામાં આવી છે.
કતારગામમાં રહેતા ભરતભાઈ જીવરાજભાઈ વરીયા અને બીપીનભાઈ હામજીભાઈ ઘોઘારી શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બંને મિત્રોએ આઈ સપોર્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી અને શહીદોના પરિવારને મદદરૂપ થવાનો નિર્ધાર કર્યો હતો. સંસ્થાની સ્થાપનાના 77માં દિવસે જ સંસ્થાએ અમદાવાદ નિકોલ ખાતે રહેતા શહીદ દિનેશભાઈ દિપકભાઈ બોરસેના પરિવારને રૂ.51,000ની મદદ કરી હતી. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા 3500 શૌર્યપાત્રનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે અને તેના થકી સંસ્થાએ 8,00,600 ફંડ એકત્ર કરી તેમાંથી કુલ 4 શહીદોના પરિવારને રૂ. 200400ની આર્થિક મદદ કરી છે.
આ શહીદોના પરિવારોને મદદ
– દિનેશભાઈ બોરસે, અમદાવાદ
– દેવાભાઈ પરમાર, ભાવનગર
– દિલીપસિંહ ગોહિલ, ભાવનગર
– ધનરાજસિંહ પરમાર, સુરેન્દ્રનગર
સૈનિકોને મનોમન થેંક યૂ કહેવા સાથે માત્ર એક રૂપિયો બોક્સમાં નાંખવા માટે અપીલ
સંસ્થાના સંસ્થાપક ભરતભાઈ વરીયાએ જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલા વાંચેલા એક આર્ટિકલને કારણે મનમાં સ્પાર્ક થયો કે સૈનિકો માટે કંઈક કરવું જોઈએ અને સંસ્થાની સ્થાપના કરી. અમે સ્પોન્સરોની મદદથી શૌર્યપાત્ર(ડોનેશન બોક્ષ) બનાવીએ છીએ. આ બોક્ષનું ઘરે ઘરે વિતરણ કરીએ છીએ. પરિવારોને અપીલ કરીએ છીએ કે રોજ માત્ર એક રૂપિયો બોક્ષમાં નાંખવાનો.
1 લાખ શૌર્યપાત્ર વિતરણ કરવાનો લક્ષ્યાંક
આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા સ્પોનસરોની મદદથી શૌર્યપાત્ર બનાવી ઘરે-ઘરે વિતરણ કરાય છે. જેમાં રોજ એક રૂપિયો સૈનિકોનું ઋણ અદા કરવા માટે દાન કરવા અપીલ કરવામાં આવે છે. વર્ષે શૌર્યપાત્રમાં જમા થયેલી રકમ એકત્ર કરી શહીદોના પરિવારના ભેગા થયેલા નાણામાંથી મદદ કરવાનું આયોજન કરાયું છે. વર્ષના અંત સુધીમાં 1 લાખ શૌર્યપાત્ર વિતરણ કરવાનો લક્ષ્યાંક છે.