ગુજરાતના આ ખેડૂતોએ કરી ચંદનની ખેતી, બિઝનેસમેન કરતા પણ વધુ કરશે કમાણી
બનાસકાંઠાના ખેડૂતો બાગાયતી અને રોકડીયા પાકોની ખેતી કરી રહ્યા છે. જ્યારે પાલનપુરના લક્ષ્મણપુરાના બે ખેડૂતે ચંદનની ખેતી કરી બનાસકાંઠા જિલ્લાને અલગ તારવી રહ્યા છે. આમ ચંદનની ખેતીમાંથી ખેડૂતોનો 15 વર્ષ આસપાસ કરોડો રૂપિયા કમાવવાનો અંદાજ છે. જિલ્લાના ખેડૂતો ખેતીમાં અવનવી ખેતી કરી સમૃદ્ધ બની રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લો ખેતીક્ષેત્રે ખેડૂતો વિવિધ પ્રગતી કરી રહ્યો છે. જેમાં ખેડૂતો ખાસ કરીને બટાકાની ખેતી કરી સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠાનું નામ ગુંજતું કર્યું છે. આ ઉપરાંત બાગાયતી પાકોમાં દાડમ, પપૈયાની ખેતીમાં મોટા પ્રમાણમાં ઝંપલાવ્યું છે. પરંતુ આ બાગાયતી અને રોકડીયા પાકોની ખેતી સિવાય હવે ખેડૂતો ચંદનની ખેતી તરફ વળ્યા છે. જેમાં પાલનપુર તાલુકાના લક્ષ્મણપુરામાં બે ખેડૂતોએ ચંદનની ખેતી કરી છે. જે ખેતીમાં અંદાજે 15 વર્ષ આસપાસ ઉત્પાદન મળે છે. આમ ખેડૂતો આ ચંદનની ખેતીમાં લાંબા ગાળે કરોડો રૂપિયાના ખણખણીયા ગણશે. આ ઉપરાંત વડગામ તાલુકાના બે-ત્રણ ખેડૂતોએ પણ ચંદનની ખેતી કરી છે.
એક કરોડ કમાવવાનો અંદાજ છે : શાંતિલાલ વેલાભાઇ કર્ણાવત
‘ચંદનના 160 રૂપિયાના 250 છોડ બે વર્ષ પહેલા વાવ્યા છે. આમ ચંદનના એક વૃક્ષમાંથી 7 થી 10 કિલો ચંદન મળવાની સંભાવના છે. જે 7500 રૂપિયે કિલો વેચાય છે. જેમાં એક વૃક્ષમાંથી અંદાજે 50 હજાર મળવાનો અંદાજ છે. જેથી કુલ એક કરોડ કમાવવાનો અંદાજ છે. આ ઉપરાંત ચંદનની આંતરીક ખેતીમાં 250 મલેશીયન લીમડાની ખેતી કરી છે. જેનો છોડ રૂપિયા 10 નો છે. જેનું લાકડું 6000 રૂપિયે ટન વેચાય છે તેમાં પણ સારા એવા પૈસા મળવાની સંભાવના છે.’
8 વર્ષ પહેલાં 400 છોડ ચંદનની ખેતી કરી છે : પસાભાઇ બેચરભાઇ પટેલ
‘8 વર્ષ પહેલાં 400 છોડ ચંદનની ખેતી કરી છે. જે છોડ 80 રૂપિયે લાવીને વાવ્યો હતો. જેમાં એક છોડમાંથી 7 થી 10 કિલો ચંદન મળે છે. જેમાં સરકાર માન્ય વેપારી 7500 રૂપિયે કિલો ખરીદે છે. આમ લાંબાગાળે દોઢ કરોડ ઉપરાંતનું વળતર મળવાનો અંદાજ છે.’
ચંદનની ખેતીમાં આંતરીક ખેતી પણ થાય છે
ચંદનની છોડના વાવેતરમાં 10 બાય 10ના અંતરે ખેતી થાય છે. જેમાં આંતરીક ખેતીમાં આંબો, બાવળ, લીમડાની ખેતી થાય છે. ચંદનની ખેતીમાં ભેજ માટે અઠવાડીયા કે દશ દિવસે પાણી અપાય છે. આ ઉપરાંત વર્ષે અંદાજે એક ટ્રેકટર છાણીયું ખાતર વપરાય છે. આમ ખેતીમાં ખર્ચ ખૂબ જ ઓછો થાય છે.