અમૂલ ડેરીની સ્થાપના કરનાર ત્રિભુવનદાસ પટેલ કોણ હતા?
‘ધ ખેડા ડિસ્ટ્રિક કૉઑપરેટિવ મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડ’ વતી એક યુવક મુંબઈમાં આવેલી લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના મૅનેજર ઍક્સિલ પીટરસનની ઑફિસે પહોંચે છે.
યુવકની દાઢી વધેલી હતી અને દેખાવ લઘરવઘર હતો. તેણે મૅનેજરને કહ્યું કે ‘સિલ્કબૉર્ગ પૅસ્ચરાઇઝર’ મશીનનો ઑર્ડર દેવા આવ્યો છું.’ યુવકનો દેખાવ જોઈને મૅનેજરને વાત મજાક લાગી.
‘કૉલોનીયલ માનિસિક્તા’ ધરાવતા એ મૅનેજર માટે મશીનની કિંમત બહુ વધારે હતી અને એટલે જ તેને લાગતું હતું કે યુવક તે ખરીદી શકે એમ નહોતો.
પણ યુવક માથાનો હતો. તેણે પોતાના ખિસ્સામાંથી 40 હજાર રૂપિયા કાઢ્યા અને મૅનેજરના ટેબલ પર ફેંક્યા.
દેશને આઝાદી મળી એને હજુ આંગળીના વેઢે ગણી શકાય એટલાં વર્ષો જ વિત્યાં હતાં અને 40 હજાર રૂપિયા એ વખતે બહુ મોટી રકમ હતી.
પૈસા જોતા જ મૅનેજરનુ યુવક પ્રત્યેનું વર્તન બદલાઈ ગયું. તેણે ઑર્ડર સ્વીકારી લીધો અને એના અમલ માટે તાબડતોબ ‘ઘોડા દોડાવી દીધા.’
મૅનેજરના ટેબલ પર વટભેર પૈસા ફેકનારો એ યુવક એટલે ‘શ્વેત ક્રાંતિ’ના જનક વર્ગીસ કુરિયન.
યુવકને એટલા પૈસા આપીને ડેરી ઉદ્યોગમાં કામે લાગે એવું મશીન ખરીદવાનો ઓર્ડર આપનારી વ્યક્તિ એટલે ‘ધ ખેડા ડિસ્ટ્રિક કૉઑપરેટિવ મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડ’ના સ્થાપક અને પ્રખર ગાંધીવાદી ત્રિભુવનદાસ કીશીભાઈ પટેલ.
વર્ગીસ કુરિયનની આત્મકથા ‘આઈ ટુ હૅડ અ ડ્રીમ’માં ઉપરોક્ત કિસ્સો ટાંકવામાં આવ્યો છે.
કોણ હતા ત્રિભુવનદાસ પટેલ?
ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં થયો હતો. અમદાવાદમાં ‘ગુજરાત વિદ્યાપીઠ’માં અભ્યાસકાળ દરમિયાન ગાંધીજીના પ્રભાવમાં આવ્યા અને આજીવન ગાંધીવાદી રહ્યા.
તેમણે સ્વતંત્રતાની લડાઈમાં ઝંપલાવ્યું અને ગાંધીજી સાથે અસહકારની લડત, ગ્રામીણ વિકાસ, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી જેવી રાષ્ટ્રીય અને સામાજિક ચળવળોમાં ભાગ લીધો હતો.
વર્ષ 1948થી 1983 સુધી ‘હરિજન સેવક સંઘ’ના અધ્યક્ષ રહેલા ત્રિભુવનદાસ પટેલને 1930માં ગાંધીજી સાથે મીઠાંના સત્યાગ્રહમાં સામેલ થવા બદલ જેલ થઈ.
જેલ દરમિયાન જ તેમણે શપથ લીધા કે તેઓ પોતાનું સમગ્ર જીવન લોકોના સેવાર્થે સમર્પિત કરશે. પોતાના શપથ તેમણે પાળી બતાવ્યા.
તેમની જ આદર્શ નિષ્ઠાથી આકર્ષાઈને કુરિયન ‘અમૂલ’માં જોડાયા હોવાનો ઉલ્લેખ રૂથ હરેડિયાના પુસ્તક ‘ધી અમૂલ ઇન્ડિયા સ્ટોરી’માં કરાયો છે.
14 ડિસેમ્બર 1946માં તેમણે ‘ધ ખેડા ડિસ્ટ્રિક કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડ’ની સ્થાપના કરી. જે આજે ‘અમૂલ’ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે.
ત્રિભુવનદાસને સરદારની સલાહ
1938નું વર્ષ ગુજરાત માટે માટે દુષ્કાળ, અછત અને બેકારીનું હતું.
સંજોગોને પગલે ખેડાની આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરી અને લૂંટના બનાવો બન્યા.
આ જ વર્ષે હરિપુરામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ અને ત્રિભુવનદાસ પટેલની મુલાકાત થઈ.
‘ધી અમૂલ ઇન્ડિયા સ્ટોરી’માં રૂથ લખે છે કે એ વખતે સરદારે ત્રિભુવનદાસને કહ્યું, ”તમે ખેડા જિલ્લાના છો. ત્યાં જાઓ અને ગામોની અંદર પગપાળા ઘૂમો. લોકોની નૈતિક તાકાતને પુનઃસ્થાપિત કરો.”
એ મુલાકાત બાદ સરદાર જ્યારે પણ ત્રિભુવનદાસને મળતા ત્યારે એક પ્રશ્ન પૂછતા, ‘ખેડૂતો સુખી છે?’
પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર એ બાદ ત્રિભુવનદાસે સરદારના એ પ્રશ્નને પોતાના જીવનનો મુદ્રાલેખ બનાવી લીધો.
‘અમૂલ’નાં બીજ
એ વખતે ખેડા જિલ્લામાંથી દૂધ ભેગું કરવાનો પરવાનો ‘પૉલ્સન ડેરી’એ મેળવ્યો હતો અને ડેરી દ્વારા શોષણ થતું હોવાની ખેડૂતોને રાવ હતી.
આ ફરિયાદ સરદાર વલ્લભભાઈ પટેલ સુધી પહોંચી એટલે સરદારે પોતાના પ્રતિનિધિ તરીકે મોરારજી દેસાઈને દોડાવ્યા.
સરદાર પોતે માનતા હતા કે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચરોતરમાં દૂધઉત્પાદકોની એક સહકારી મંડળી સ્થાપાવી જોઈએ.
જો આવી કોઈ મંડળી રચાય તો તેના આગેવાન તરીકે ચરોતરની સંસ્કૃતિ અને ભૂગોળથી વાકેફ ત્રિભુવનદાસ પટેલથી વધુ લાયક વ્યક્તિ કોણ હોય?
ચોથી જાન્યુઆરીએ ચકલાશી ગામના વટવૃક્ષના છાયે ઐતિહાસિક બેઠક મળી. જેમાં સરદાર પટેલનો સંદેશો વાંચી સંભળાવાયો.
સરદારનો સંદેશ સ્પષ્ટ હતો કે જો આ સહકારી પ્રયાસને સફળ બનાવવો હોય તો મંડળીના બધા જ કાર્યકરો નિસ્વાર્થી અને ધગશવાળા હોવા ઘટે.
સરદારના સંદેશાનું અક્ષરશ: પાલન કરાયું અને બે ઠરાવ પસાર કરાયા.
એક તો એ કે પૉલ્સન ડેરીને કોઈએ દૂધ વેચવું નહીં અને દરેક ગામમાં એક દૂધસહકારી મંડળી સ્થાપવી, જેનું મુખ્ય મથક આણંદમાં રાખવું.
પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર ત્રિભુવનદાસ પટેલ ગામડાંમાં ઘરેઘરે અને ઝૂંપડેઝૂંપડે ફરીને એક ગામમાંથી બીજા ગામમાં પ્રવાસ કરતા અને દૂધ સહકારી સંઘના આશયને સમજાવી લોકોને સહકારી મંડળીમાં જોડાવા સમજાવતા.
આખરે 1946ના અંતભાગમાં તેમણે પાંચ ગામોની દૂધ સહકારી મંડળી અને 70 આશ્રયદાતાઓની મદદથી ‘ખેડા સહકારી સંઘ’ની સ્થાપના કરી.
જેનું 14 ડિસેમ્બર 1946ના રોજ ‘ખેડા જિલ્લા સહકારી દૂધઉત્પાદન સંઘ’ના નામે રજિસ્ટ્રેશન કરાવાયું.
શરૂઆતમાં દિવસનું 200 લિટર દૂધનું ઉત્પાદન કરતો આ સંઘ 1952માં દિવસનું 20 હજાર લિટર દૂધ ઉત્પાદન કરવા લાગ્યો હતો એવું ખુદ કુરિયન તેમની આત્મકથા ‘આઈ ટુ હૅડ ડ્રીમ’માં લખ્યું છે.
”ત્રિભુવનદાસને તો જુઓ!”
ખેડાના ખેડૂતોએ ‘પૉલ્સન ડેરી’ને દૂધ ના વેચવાનું નક્કી તો કરી લીધું પણ દૂધ વેચવું કોને?
ખેડૂતોના આ પ્રશ્નનો ઉકેલ મોરારજી દેસાઈ પાસે હતો. તેમણે સૂચવ્યું કે ખેડૂતો પોતાનું દૂધ ‘બૉમ્બે મિલ્ક સ્કીમ’ અંતર્ગત મુંબઈ રાજ્યને વેચી દે.
પણ અંગ્રેજ સરકારે આ માગ ફગાવી દીધી અને પરિણામે ખેડૂતો પાસે હડતાળ સિવાય અન્ય કોઈ રસ્તો ના બચ્યો.
વિરોધના ભાગરૂપે ખેડૂતો 15 દિવસ સુધી હડતાળ પર બેઠા. ખેડૂતો દૂધનું છેલ્લું ટીપું પણ ઢોળી નાખતા પણ પૉલ્સનને નહોતા વેચતા.
એ વખતનો કિસ્સો ટાંકતા કુરિયન પોતાની આત્મકથામાં કહે છે, “એ વખતના અંગ્રેજ મિલ્ક કમિશનર અને તેમના ડેપ્યુટી દારા ખુરોડી ખેડા આવ્યા.”
ત્રિભુવનદાસ પટેલને જોતા જ ખુરોડીએ મિલ્ક કમિશનરને કહ્યું, ‘ખેડૂતોના નેતા ત્રિભુવનદાસ પટેલ સામું તો જુઓ.”
”એ ગાંધી ટોપી પહેરે છે. અંગ્રેજી બોલી શકે એમ નથી. દૂધનો આ વેપાર એ કઈ રીતે કરી શકશે?”
”આ ન્યૂ ઝિલૅન્ડ કે ડેનમાર્ક નથી. આ ભારત છે. શું તમને લાગે છે કે આણંદમાં સહકારી મંડળી સફળ થઈ શકે?”
‘ગ્લોબલ બ્રાન્ડ’ નામના પુસ્તકમાં લેખક નાઇજેલ હૉલિસ લખે છે, ‘ભારતની આઝાદી પહેલાં ગુજરાત કૉ-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન’ દ્વારા 1946માં જ્યારે પ્રથમ દુકાન શરૂ કરાઈ ત્યારે તેનો ઉદ્દેશ ખેડૂતોને રોજી રળી આપવાનો હતો.
પણ આ આજે અમૂલ અબજો ડૉલરનો ઉદ્યોગ છે અને તેનાથી સંભવતઃ લાખો ભારતીયોનું ઘર ચાલે છે.”
… ત્રિભુવનદાસ પટેલ પ્રત્યે માન થયું’
ભારત સરકારના કૃષિ મંત્રાલયે કુરિયનને આણંદની જૂની સરકારી ક્રીમરી ખાતે આવેલી ડેરી રિસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં ડેરી ઇજનેર તરીકે મોકલ્યા.
પ્રાંરભિક સમયમાં કુરિયનને આણંદ બિલકુલ પસંદ નહોતું આવ્યું.
પોતાની આત્મકથામાં તેઓ જણાવે છે કે તેમના વિદેશ અભ્યાસ માટે ભારત સરકારે પૈસા ખર્ચ્યા હતા અને એટલે ભારત સરકાર ઇચ્છે ત્યાં પાંચ વર્ષ સુધી કામ કરવા તેઓ બંધાયેલા હતા.
કુરિયન એ દિવસોમાં સમય મળતા જ મુંબઈ ચાલ્યા જતા અને હોટલ તાજમાં આરામ કરતા હતા.
કુરિયનની આત્મકથા અનુસાર, ”હતાશ થઈ હું દર મહિને દિલ્હીમાં કૃષિ મંત્રાલયને પત્ર લખતો હતો કે અહીં મારે કરવાનું કંઈ નથી. સરકાર મારા પર નાહકનો ખર્ચ કરે છે, એટલે મને છૂટો કરવામાં આવે.”
ત્રિભુવદાસ પટેલ સાથેની પ્રથમ મુલાકાતને યાદ કરતા કુરિયન પોતાની આત્મકથામાં કહે છે, ”મારી નજીક જ ચાલી રહેલી સહકારી પ્રવૃતિ અંગે હું કશુંય નહોતો જાણતો પણ એ કઠોર જણાતા ખેડૂતો અને તેમના નેતા ત્રિભુવનદાસ પટેલની નિષ્ઠા પ્રત્યે ચોક્કસથી માન થયું.”
ગુજરાતનું આ ગામ જ્યાં 70% મહિલાઓ પશુપાલન કરે છે
દર મહિને પોતાને મુક્ત કરવા કુરિયન દ્વારા લખાઈ રહેલા પત્રોને આખરે કૃષિ મંત્રાલયે ધ્યાને લીધા અને તેમને આણંદ છોડી દેવા પરવાનગી અપાઈ.
આણંદ છોડવાના કુરિયનના હરખનો પાર ના રહ્યો. કુરિયન આણંદ છોડી રહ્યા હતા પણ આણંદ કુરિયનને છોડવાનું નહોતું.
કુરિયન આણંદ છોડે એ પહેલાં જ ત્રિભુવનદાસ પટેલ તેમની પાસે આવ્યા અને જ્યાં સુધી કુરિયનને બીજી નોકરી ના મળે ત્યાં સુધી તેમણે મગાવેલાં મશીનોને કામ કરતાં કરી આપવાની ભલામણ કરી.
આ અંગે પોતાની આત્મકથામાં કુરિયન જણાવે છે, ”ત્રિભુવનદાસ પટેલને ના કહેવી મુશ્કેલ હતી.”
”આટલા મહિનાના સંપર્કમાં મને અનુભવાયું હતું કે તેઓ એક અપવાદરૂપ વ્યક્તિ હતી.”
“મને તેમની સાથે સાથે કામ કરવામાં ગૌરવ અનુભવાયું અને હું બે મહિના આણંદમાં વધુ રોકાવા તૈયાર થયો.”
”પણ એ બે મહિના ત્રિભુવનદાસ અને ખેડા જિલ્લા માટે મારું જીવનભરનું જોડાણ બની રહ્યું.”
ત્રિભુવનદાન પટેલ અને વર્ગીસ કુરિયનનું આ જોડાણ આજીવન રહ્યું.
ત્રિભુવનદાસ પટેલના વડપણ હેઠળ અમૂલે સફળતાના શિખરે પહોંચ્યું. ‘કમ્યુનિટી લિડરશિપ’ બદલ તેમને 1963માં રૉમન મૅગ્સેસે એવૉર્ડ પણ અપાયો અને એ પછીના વર્ષે જ પદ્મ ભુષણ પણ એનાયત થયું.
કુરિયન શ્વેતક્રાંતિના જનક ગણાયા પણ તેમને મળેલા આ સ્થાનનો પાયો ત્રિભુવનદાસ પટેલે નાખ્યો હતો.
Source: – BBC Gujarati