સુત્રાપાડાના ગોરખમઢીના ખેડૂતે ઉછેર્યા રૂદ્રાક્ષના વૃક્ષ, માળા બનાવી આપે છે મંદિરોમાં

વેરાવળ: ગિરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામના ખેડૂતે રૂદ્રાક્ષના વૃક્ષ ઉછેરી સફળતા પ્રાપ્ત કરી છે. વૃક્ષમાં આવતા રૂદ્રાક્ષના પારાની માળા બનાવી મંદિરોમાં આપી રહ્યા છે. રૂદ્રાક્ષના વૃક્ષ આમ તો ઠંડા વિસ્તારમાં જોવા મળતા હોય છે પણ ગુજરાતમાં ભાગ્યે જ કોઇ આ વૃક્ષ વાવતા હોય છે. ત્યારે ગોરખમઢી ગામના વજુભાઇ પરમારએ સફળતા મેળવી અનોખી સિધ્ધિ મેળવી છે.

માનસરોવર ફરવા ગયા ત્યારે રસ્તામાં રૂદ્રાક્ષના વૃક્ષ જોતા વિચાર આવ્યો

વજુભાઈ જ્યારે કૈલાસ માનસરોવર નેપાળ બોર્ડર હિમાલયમાં ફરવા ગયા હતા ત્યારે તેણે રસ્તામાં રૂદ્રાક્ષના વૃક્ષ જોયા હતા. તેને આ રૂદ્રાક્ષના વૃક્ષ વાવવાનો વિચાર આવ્યો હતો. તેણે નેપાળના તિબેટની નર્સરીમાંથી ચાર રૂદ્રાક્ષના રોપા લીધા, જ્યારે નર્સરીમાંથી આ રોપા લેતા હતા ત્યારે તેઓને કહેવામાં આવ્યું હતું કે આ વૃક્ષ આપના વિસ્તારમાં ઉછેર નહીં થઇ શકે. પરંતુ વજુભાઇ આ ઠંડા વિસ્તારમાંથી આ વૃક્ષ લાવી અને તેની પોતાના ખેતરમાં વાવવાની નેમ લીધી અને તેઓ પોતે આ ચાર વૃક્ષ ઠંડા પાણીની બોટલમાં લઇ આવેલ.

રૂદ્રાક્ષના વૃક્ષ બીજા વૃક્ષની વચ્ચે વાવ્યા

વજુભાઈને ગામ લોકો કહેતાં કે આ વૃક્ષ આપણ વિસ્તારમાં થઈ ન શકે. પણ વજુભાઇ ભગવાન શિવ ઉપર વિશ્વાસ કરી અને પોતાના ખેતરમાં વાડી પાસે ૐ નમ શિવાય બોલી અને ધાર્મિક પૂજા વિધિ કરી અને ભગવાન શિવને પ્રિય રૂદ્રાક્ષ અર્પણ કરી અને રોપા પોતાના વાડીમા બીજા વૃક્ષની વચ્ચે વાવ્યા. ત્યારબાદ રૂદ્રાશના વૃક્ષના થડ નીચે બરફ નાખતા અને સતત આ વૃક્ષને ઠંડકવાળું વાતાવરણ પૂરુ પાડતા. પાંચ વર્ષ પછી આ વૃક્ષમાં રૂદ્રાક્ષ આવ્યા પણ રૂદ્રાક્ષ ખરી પડતા. છેલ્લા પાંચ વર્ષથી આ રૂદ્રાક્ષના વૃક્ષમાંથી આ વર્ષે રૂદ્રાક્ષ આવવાની શરૂઆત થઇ છે. જેથી વજુભાઈ રૂદ્રાક્ષની માળા બનાવીને મંદિરમા આપે છે અને શિવ મંદિરમા પૂજાવિધિ માટે રૂદ્રાક્ષ આપે છે.

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો