લગ્નજીવનને સુખી રાખવા માટે દ્રૌપદીએ જણાવ્યા છે આ સૂત્રો, જે દરેક સ્ત્રીઓએ અનુસરવા જેવા છે.
મહાભારતની કથા અને તેમાં છૂપાયેલા ઘણા બધા સંદેશાઓથી આપણે વાકેફ છીએ પરંતુ કેટલીક વાતો એવી પણ છે જે આજે પણ આપણાથી અજાણ છે. આજે અમે આવા જ એક પાત્ર સાથે જોડાયેલી કથાને તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યાં છીએ અને તે કથા છે પાંચ પાંડવોની પત્ની દ્રૌપદીની.
આપણે જાણીએ છીએ કે, દ્રૌપદીના લગ્ન અર્જુન સાથે થયા હતા પરંતુ માતા કુંતીની આજ્ઞાને અર્જુન ટાળી ન શક્યા જેથી દ્રૌપદીએ આજીવન પાંચ પાંડવોની પત્ની બનીને રહેવું પડ્યું.
વનવાસ સમયે દ્રૌપદી અને પાંડવો વૃક્ષ નીચે આરામ કરી રહ્યાં હતા ત્યાં પત્ની સત્યભામા સાથે શ્રીકૃષ્ણ આવી પહોંચ્યા. કૃષ્ણ પાંડવો સાથે વાતોમાં લીન થઈ ગયા અને દ્રૌપદી તથા સત્યભામા વાતો કરવા માટે દૂર જઈને બેસી ગઈ.
વાતચીત દરમિયાન સત્યભામાએ દ્રૌપદીને પૂછ્યું કે, તે કેવી રીતે પાંચેય પતિઓને સમાન રીતે પોતાની સાથે જોડેલા રાખે છે, કેવી રીતે તે બધાને એકસરખું લગ્નજીવન આપી શકે છે? સત્યભામાની આ જિજ્ઞાસાને શાંત કરવા માટે દ્રૌપદીએ લગ્નજીવનને સુખી રાખવા માટે કેટલાક સૂત્રો જણાવ્યા જે આજે પણ પ્રાસંગિક છે. આજે અમે તમને આ સૂત્રો જણાવી રહ્યાં છીએ.
ઈર્ષ્યા
દ્રૌપદીએ કહ્યું કે, જો પતિ-પત્નીને એકબીજા સાથે ખુશ અને સંતુષ્ટ રહેવુ હોય તો બંને વચ્ચે ઈર્ષ્યાભાવ ન હોવો જોઈએ.
એકબીજા માટે સમર્પણ અને આદર
દરેકે પોતાના સાથી માટે પ્રતિબદ્ધ રહેવુ જોઈ અને પોતાના અહમને સંબંધથી દૂર રાખવો જોઈએ. સાથે જ પત્નીએ ક્યારેય પતિ પર નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.
જાસૂસી ન કરવી
ઘણી સ્ત્રીઓ પોતાના પતિ પર નજર રાખવાનો પ્રયત્ન કરતી હોય છે અને તેનાથી સંબંધો પર નકારાત્મક પ્રભાવ પડે છે.
એકબીજાની જરૂરિયાતને ધ્યાન રાખવું
પતિ-પત્નીએ એકબીજાની તથા પરિવારની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવું જોઈએ. જે સ્ત્રી સાસરાના દરેક વ્યક્તિની જરૂરિયાતનું ધ્યાન રાખે છે તેનો પતિ હંમેશાં ખુશ રહે છે.
સંગત
લગ્ન બાદ પત્નીએ ઝઘડાળું અથવા ચરિત્રહીન સ્ત્રીઓનો સાથ છોડી દેવો જોઈએ. નહીંતર આના કારણે તેનું લગ્ન જીવન તૂટી શકે છે.
આવું ક્યારેય ન કરવું
લગ્ન બાદ સ્ત્રીએ પોતાના ગુસ્સાને નિયંત્રિત કરવો જોઈએ અને સાથે જ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વધારે હળીમળીને વાત ન કરવી જોઈએ. જે મહિલાઓ આવું કરે છે તેમની છબિ સમાજમાં બગડી જાય છે.
પતિની જવાબદારી
દ્રૌપદી અનુસાર, એક સુખી લગ્નજીવન માટે સૌથી મોટી શરત એ છે કે, પતિએ પોતાની પત્નીની દરેક જરૂરિયાતને પૂરી કરવી જોઈએ અને તેને સંતુષ્ટ રાખવી જોઈએ. પણ સાથે જ પત્નીની જવાબદારી એ આવે છે કે, તે પતિ પાસેથી અનૈતિક ઈચ્છાઓ ન રાખે.
સ્વાસ્થ્યની સંભાળ
પતિએ પોતાની પત્નીને એક તંદુરસ્ત જીવન આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. આના માટે તેણે વિશેષપણે તેના ખાનપાન અને રોજિંદા જીવનનો ખ્યાલ રાખવો જોઈએ.