ગુજરાતના આ નાનકડાં ગામે કરી અનોખી પહેલ, ગામમાં દીકરીના જન્મ પર આપશે 10 હજાર રૂપિયા
સાવલી તાલુકાના દિપાપુરા ગામે ૭૧માં પ્રજાસત્તાક દિનની ઉજવણી બાદ ગામના સરપંચ દ્વારા ગ્રામસભાનું આયોજન કરીને બેટી બચાવો કાર્યક્રમ અંતર્ગત દિપાપુરા અને નારપુરા ગામમાં નવી જન્મ પામનારી દીકરીના નામે પંચાયત દ્વારા દસ હજારની એફડી કરીને પ્રોત્સાહન આપવાનો ઠરાવ કરતા સમગ્ર તાલુકામાં પંચાયતના વિચારોની વાહવાહી થતી જોવા મળી રહી છે.
સાવલી તાલુકાના મેવલી પંથકમાં આવેલુ દિપાપુરા ગામ જૂથ પંચાયત ગામ છે. જેમાં દિપાપુરા અને નારપુરા બે ગામો સમાવિષ્ટ છે. બંને ગામોની વસ્તી કુલ ૧૭૦૦ની આસપાસ છે. સમગ્ર દેશ ૭૧માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હતો ત્યારે સાવલીના આ નાનકડા ગામે સમગ્ર દેશને માટે નવી રાહ ચીંધી છે. ગામના સરપંચ એડવોકેટ જયેશભાઇ બાકરોલાની અધ્યક્ષતામાં એક ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો કે, આ બન્ને ગામોમાં જે દીકરીનો જન્મ થાય તેના નામે ગ્રામ પંચાયત દ્વારા દસ હજાર રૃપિયાની રોકડ એફડી સ્વરૃપે મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે અને બેન્કમાં તે માટે અલગ ખાતુ ખોલવામાં આવનાર છે.
સાથે સાથે આ નવી જન્મનારી દીકરીના વાલી ગ્રામ પંચાયતની જમીનમાં ૧૦ વૃક્ષો વાવશે અને તેનું જતન કરશે અને આ દસ હજાર રૃપિયા એફડી કરવામાં આવનાર છે તેના માટે લોકફાળો કરવામાં આવશે તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે અને આ રૃપિયા ૧૮ વર્ષ પૂર્ણ થયે દીકરીના ઉચ્ચ શિક્ષણ અર્થે વપરાશે તેવો ઠરાવ કરવામાં આવ્યો છે. આમ દરેક દીકરીના વાલી દીકરીની સાથે સાથે વાવેલા વૃક્ષોનું પણ અઢાર વર્ષ સુધી જતન કરશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ બાબતે ગામના સરપંચ જયેશભાઇ બાકરોલાને પુછતા તેમણે જણાવ્યું હતું કે આ યોજનાથી દીકરીઓના જન્મને પ્રોત્સાહન મળશે સાથે સાથે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરશે અને કન્યા શિક્ષણને વેગ મળશે તેમજ વૃક્ષો વાવવાથી પર્યાવરણની પણ જાળવણી થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..