નાની-નાની વાતમાં ટોર્ચર કરતા પ્રિન્સીપાલના ત્રાસથી કંટાળીને શિક્ષકે પ્રિન્સીપાલની ચેમ્બરમાં ઝેરી દવા પીધી
બહુચરાજીના શંખલપુર રોડ પર આવેલી રત્નમણી સ્કૂલ ફોર ચિલ્ડ્રનના પ્રિન્સીપાલના ત્રાસથી કંટાળીને અંગ્રેજીના શિક્ષકે શુક્રવારે સવારે તેમની ચેમ્બરમાં જ ઝેરી દવા ગટગટાવી લેતા ગંબીર હાલતમાં મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઘટનાની જાણ થતા સ્કૂલના ટ્રસ્ટીઓ પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને શિક્ષકના પરિવારને શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી હતી.
મુળ પાંચોટના રહીશ અને હાલમાં મહેસાણના રામોસણા રોડ પર ન્યુ પારસ નગર સોસાયટીમાં રહેતા રજનીભાઇ વિનોદભાઇ મકવાણા(ઉ.વ.૩૨) નામના અંગ્રેજીના શિક્ષક રત્નમણી સ્કૂલ ફોર ચિલ્ડ્રન બહુચરાજી ખાતે છેલ્લા ૫-૬ વર્ષથી અંગ્રેજીના શિક્ષક તરીકે નોકરી કરે છે. રજનીભાઇ મકવાણાએ શુક્રવારે સવારે પ્રિન્સીપાલ વીણાબેન પટેલના ત્રાસને કારણે તેમની ચેમ્બરમાં જ ઉધઇ મારવાની ઝેરી દવા ગટગટાવી લેતા તેમને ગંભીર હાલતમાં શંખલપુરના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયા છે.
રજનીભાઇ મકવાણાના પત્ની વનિતાબેને આક્ષેપ કર્યો હતો કે પ્રિન્સીપાલ વીણાબેન પટેલ નાની-નાની વાતમાં ટોર્ચર કરતા હતા અને શુક્રવારે હાજરી પત્રકમાં વિદ્યાર્થીના નામનો નજીવો પ્રશ્ન થયો હતો જેમાં મેશ્વને બદલે મેશ્વા લખાઇ જતા પ્રિન્સીપાલે માફીપત્ર લખી આપવા માથાકૂટ કરી દબાણ કર્યું હતું. પરંતુ સામાન્ય ભૂલ હોય રજનીભાઇએ લેખિતમાં માફીપત્ર આપવાની ના પાડી હતી. ત્યારબાદ આ પ્રશ્ન પુરો પણ થઇ ગયો હતો. આ ઉપરાંત પ્રિન્સીપાલ જાતિવિષયક ત્રાસ આપતા હોવાનો અને રજનીભાઇનું કામ સારુ હોવાછતાં તેમના પગારમાં માત્ર રુ.૩૦૦નો નજીવો વધારો થયો હતો. છેલ્લા બે-ત્રણ વર્ષથી પ્રિન્સીપાલ સતત હેરાન કરતા હોવાથી તેમણે ઝેરી દવા પી લીધી હતી. હાલમાં તેની હાલત ગંભીર છે અને તેઓ બેભાન છે.
આ ઘટનાની જાણ થતા સમાજ કલ્યાણ શાખાના નાયબ નિયામક વી.આર.રોહિત મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને શિક્ષક રજનીભાઇના પરિવાર અને અન્ય શિક્ષકો સાથે વાત કરી ઘટનાની પુરી માહિતી મેળવી હતી અને પીડીત પરિવારને સહાય તાત્કાલિક મળી રહે તે માટેની ત્વરીત કાર્યવાહી કરી હતી.
છ થી સાત શિક્ષકો અને કર્મચારીઓએ વીણાબેનના ત્રાસથી નોકરી છોડી
રજનીભાઇ મકવાણાને સારવાર માટે લાવનાર સ્કૂલના પ્રિન્સીપાલ મહાદેવભાઇ પંચાલે જણાવ્યું હતું કે સ્કૂલમાં છેલ્લા પાંચેક વર્ષથી સિનિયર પ્રિન્સીપાલ તરીકે વીણાબેન પટેલ છે. સ્કૂલમાં હુ માત્ર સહી કરવા પુરતો પ્રિન્સીપાલ છું બાકી તેનો બધો વહીવટ વીણાબેન પટેલ અને જગત સર કરી રહ્યા છે. વીણાબેનના ત્રાસથી દિપક વાઘેલા નામના શિક્ષકે પણ રાજીનામું આપ્યું હતું. તેમજ રાજીનામામાં બેનના ત્રાસથી સ્કૂલ છોડી રહ્યાનું લખ્યુ પણ હતું. આ ઉપરાંત શિક્ષિકા ખુશ્બુબેન, એડમીનીસ્ટ્રેશનમાં નિલેશભાઇ સહિતના છથી સાત લોકોએ નોકરી છોડી છે અથવા કાઢી મુકાયા છે. ખુશ્બુબેનનો વાંક ન હોવા છતાં કાઢી મુકાયા હતા અને તેઓ સ્ટાફ પાસે ખુબ રડયા પણ હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..