અમદાવાદની નવી SVP હોસ્પિ.માં ગરીબ દર્દીઓ સાથે ડિપોઝિટના નામે રૂ.5000ની ઉઘાડી લૂંટ

ગુજરાતમાં ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ફ્રી સારવાર માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક યોજનાઓ બહાર પાડી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નઘરોળ તંત્ર દ્વારા નવી બનેલી સરદાર વલ્લભભાઈ પટેલના નામની એસવીપી હોસ્પિટલમાં ખુલ્લેઆમ દર્દીઓ અને તેના સગાઓ સાથે લૂંટફાટ કરવામાં આવતી હોવાની ફરિયાદો દર્દીના સગાઓ, વિરોધપક્ષના સભ્યો અને જાગૃત નાગરિકો કરી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર મા અમૃતમ યોજના અને કેન્દ્ર સરકાર આયુષ્માન જેવી યોજનાઓ ચલાવી રહી છે તો બીજી તરફ એસવીપીમાં દાખલ થતા દર્દીઓ પાસેથી ડિપોઝિટ પેટે રૂ.5000 ઉઘરાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે.

SVPના સંચાલકોએ પીએમ મોદીની સલાહ 100 દિવસ પણ ન માની

ગત જાન્યુઆરીમાં પીએમ મોદીએ જ્યારે હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ત્યારે ખૂબ જ સંવેદનશીલતા પૂર્વક આ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગને યોગ્ય સારવાર મળી રહે તે માટે એસવીપીના સંચાલકોને કડક શબ્દોમાં સલાહ સૂચન આપ્યા હતા. પરંતુ પીએમની સલાહ એસવીપીના સંચાલકો 100 દિવસ સુધી પણ ન માન્યા અને ગરીબ તથા મધ્યમ વર્ગના દર્દીઓ સાથે લૂંટફાંટ શરૂ કરી દીધી.

રૂ. 5000 જમા ન કરાવે ત્યાં સુધી દર્દીની સારવાર શરૂ કરવામાં આવતી નથી.. PM-CM ગરીબ દર્દીઓની સારવાર માટે યોજનાઓ બનાવે છે અને મેયર-મ્યુનિ. કમિ. લૂંટફાટ કરે છે

સારવારની મંજૂરી ન મળે તો ડિપોઝિટ ફી પેટે રાખી લે છે

સરકારી યોજના હેઠળ કોઈપણ દર્દીને સારવાર આપતા પહેલા હોસ્પિટલ તરફથી મંજૂરી લેવાની રહેતી હોય છે અને આ મંજૂરી હોસ્પિટલને સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન જ મળતી હોય છે. એવામાં જો મંજૂરી મળે તો ડિપોઝિટ પેટે લીધેલા રૂ. 5000 દર્દીના પરિવારજનોને પરત આપી દેવામાં આવે છે પરંતુ જો સરકારી યોજનાઓ હેઠળ દર્દીની સારવારની મંજૂરી હોસ્પિટલને ન મળે તો શરૂઆતમાં લીધેલી રૂપિયા 5000ની ડિપોઝિટ હોસ્પિટલ દ્વારા ફી પેટે વસુલવામાં આવે છે.

જરૂરી દવા ન લાવે ત્યાં સુધી સારવાર શરૂ કરતા નથી

SVP હોસ્પિટલમાં દર્દીઓ ઈમરજન્સી સેવા લેવા જાય ત્યારે રૂ. 5000 જમા ન કરાવે ત્યાં સુધી તેની સારવાર શરૂ કરવામાં આવતી નથી. તેમજ દર્દી રૂ.5000 ચૂકવે પછી જ તેની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવે છે. SVPમાં પેપરલેસ કામ થતું હોવાથી ડોકટરો દ્વારા કોમ્પ્યુટરની મદદ વડે દર્દીના પરિવારજનને જરૂરી દવાઓ લેવા માટેનું એક લિસ્ટ આપવામાં આવે છે અને દર્દીનો પરિવારજન જરૂરી દવા લઈને પરત ફરે પછી જ આ ટ્રીટમેન્ટ ચાલુ થાય છે.

જૂની વીએસમાં દર્દીઓ ઘટ્યાં

આ ઉપરાંત જૂની વીએસ હોસ્પિટલમાં રીયાલિટી ચેક કરતા ઓર્થોપેડિક, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, પીડિયાટ્રિક ઓપીડી અને ઇન ડોર સેવાઓ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ એક્સ-રે, સિટી સ્કેન, MRIની સુવિધાઓ પણ ચાલુ હતી. પેથોલોજી, બ્લડ, યુરિનના સેમ્પલ અને લેબોરેટરીની સુવિધાઓ પણ ચાલુ જોવા મળી હતી. જો કે જે રીતે પહેલા દર્દીઓની વહેલી સવારથી લાઈનો અને પડાપડી થતી હતી તેવી ભીડ હોસ્પિટલમાં જોવા નથી મળતી. જૂની વીએસ હોસ્પિટલમાં અનેક સુવિધાઓ બંધ થઈ ગઈ હોવાને લઇ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ પણ ઓછા થઈ ગયા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો