ફેમિલી માટે લીધેલી કારને યુવાને બનાવી દીધી એમ્બ્યુલન્સ, રાત્રે દર્દીઓ માટે આપે છે ફ્રી સેવા
સુરતઃ પુણાની શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા અને મહિને સામાન્ય આવક ધરાવતા બિપીન હિરપરા બે વર્ષથી દર્દીઓને મફત એમ્બ્યુલન્સ સેવા પુરી પાડી ભગીરથ કાર્ય કરી રહ્યાં છે. સુખનાં સૌ સગા, પણ દુ:ખમાં ન કોઈ..!’ ઉક્તિને સાર્થક કરતાં આજના કળિયુગમાં મુશ્કેલીની ઘડીએ સગા-સબંધી પણ માણસની મદદે નથી પહોંચતા. ત્યારે પુણાનાં આ યુવકને સેવાની એવી લગની લાગી કે, પોતાની જાત ખર્ચીને રાત્રી દરમિયાન દર્દીઓને વિનામૂલ્યે હોસ્પિટલ સુધી પહોંચાડે છે. બિપીનભાઈએ જણાવ્યું હતું કે, ફેમિલી માટે લીધેલી કારને એમ્બ્યુલન્સ બનાવી દઈ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડું છું.
દર્દીને મુશ્કેલીની ઘડીએ હોસ્પિટલ સુધી પહોંચાડી માનવતા મહેકાવી
મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા અને સિલાઈ મશીનની દુકાન ચલાવી મહિને 15 હજાર કમાતા બિપીન હિરપરાએ છેલ્લા બે વર્ષથી અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. જેમાં તે રાત્રીનાં 10.00 વાગ્યાથી સવારે 05.00 વાગ્યા સુધી કોઈપણ જાતની ફી વિના પોતાની ઈકો કાર થકી મફત એમ્બ્યુલન્સ સેવા પુરી પાડે છે. દિવસ દરમિયાન કામ કરવા છતાં કોઈ દર્દીનો ફોન આવે એટલે પોતે જ ડ્રાઈવર બની દર્દીની વહારે પહોંચી જાય છે. છેલ્લા બે વર્ષમાં રાત ઉજાગરા કરીને તેમણે અત્યાર સુધીમાં 50થી વધુ દર્દીને મુશ્કેલીની ઘડીએ હોસ્પિટલ સુધી પહોંચાડી માનવતા મહેકાવી છે.
લોકોનાં અકસ્માત અને સારવારનાં અભાવે મૃત્યુ થતાં જોઈ વિચાર આવ્યો
આ અંગે વાત કરતાં બિપીન હિરપરા જણાવે છે કે, મારા બનેવી કેન્સરની બિમારી હતી. ત્યારે મોટાભાગે તેમને હું હોસ્પિટલ લઈ જતો હતો. ત્યારે સમજાયું કે, બિમારી અને હોસ્પિટલનાં ધક્કા શું હોય છે. ઘણીવાર મારી નજર સામે અકસ્માતો જોયા છે અને સારવારનાં અભાવે લોકોનાં મૃત્યુ પણ થતાં જોયા છે. તેથી ઈમરજન્સીમાં દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવાનો વિચાર આવ્યો હતો.દિવસે દુકાનનું કામ કરું છું અને રાત્રે કોઈ દર્દીનો ફોન આવે તો હોસ્પિટલ પહોંચાડી સેવા પુરી પાડુ છું.
ફેમિલી માટે લીધેલી કારને બનાવી દીધી એમ્બ્યુલન્સ સર્વિસ વાન
બે વર્ષ પહેલાં બિપીન હિરપરાએ પોતાના પરિવાર માટે ઈકો કાર ખરીદી હતી. પરંતુ, સેવાની ભાવનાને કારણે ગાડીનું પાર્સિંગ થાય એ પહેલા જ ગાડી પર વિના મૂલ્યે એમ્બ્યુલન્સ સેવાનું બોર્ડ લગાવી દીધું હતું અને હાલ પોતાના પરિવાર કરતાં લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે કારનો વધુ ઉપયોગ થાય છે.
મહિને કમાણીમાંથી 2500 રૂ. ગાડીનાં પેટ્રોલ માટે ફાળવાય છે
નિ:શુલ્ક એમ્બ્યુલન્સ સર્વિસ માટે દર મહિનાની આવકમાંથી 2500 રૂપિયાની રકમ ગાડીમાં પેટ્રોલ પુરાવવા માટે અલગ મુકી દેવામાં આવે છે. જ્યારે પણ દર્દીને હોસ્પિટલ મુકવા માટે જવાનું થાય, ત્યારે આ ફંડમાંથી પેટ્રોલ પુરાવવામાં આવે છે. આ ઉપરાંત ઘણીવાર દર્દીઓની સંખ્યા વધી જાય, ત્યારે પોતાના ખિસ્સામાંથી પણ પૈસા ખર્ચી નાંખે છે. પોતાની સ્થિતી અને ભંડોળને ધ્યાને લઈ એમ્બ્યુલન્સ સેવા શહેરની બહાર સુધી નહીં આપી શકવાનો તેઓને અફસોસ છે.