સુરતની એવી શાળા જ્યાં નથી લેવાતી ફી, અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જમીન પર બેસીને બાળકો કરે છે અભ્યાસ
સુરત શહેરના વેસુમાં આવેલી ગુરૂકુલમ્ શાળામાં ભારતીય સંસ્કૃતિની પરંપરાને અનુરૂપ બાળકોને અભ્યાસ કરાવામાં આવે છે. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પાસે ફી લેવામાં આવતી નથી. એટલું જ નહીં આ શાળામાં અબજોપતિના સંતાનો પણ અભ્યાસ કરે છે. જેમાં 175 બાળકોને ભણાવવા માટે 45 શિક્ષકો છે. વિદ્યાર્થીઓ લિંપણવાળી જમીન પર બેસીને અભ્યાસ કરે છે.
બૌદ્ધિક અને શારીરિક રીતે વિકાસ કરતી સ્કૂલ
આ સ્કૂલમાં શિક્ષણ આપવાની પદ્ધતી ખુબ જ રસપ્રદ છે. ટેક્નોલોજીના યુગમાં શિક્ષણ સંસ્થાઓએ બિઝનેસનું રૂપ ધારણ કર્યુ છે, પેરેન્ટ્સ પણ હરીફાઈ અને સરખામણીથી પિડાય છે જેના કારણે આર્કિટેક્ચર અને ઈન્ટિરિયરની રીતે સારી દેખાતી સ્કૂલમાં બાળકોને મુકવાનો નિર્ણય કરે છે, ત્યારે શહેરમાં એક અનોખી શિક્ષણ પદ્ધતિથી બાળકોનો માનસિક, બૌદ્ધિક અને શારીરિક રીતે વિકાસ કરતી સ્કૂલ આવેલી છે. આ સ્કૂલની ખાસિયત એ છે કે, તેમાં એક પણ રૂપિયો ફી લેવામાં આવતી નથી. વર્ષે 5 હજાર કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરતી કંપનીના માલિકના સંતાનો આ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે એડમિશન લે છે.
ટીચરની કલા અને આવડત જોવામાં આવી છે
આ ગુરૂકુલનો સમય સવારે 8.30થી બપોરે 4 વાગ્યા સુધીનો છે. જેમાં સંસ્કૃત, ગુજરાતી, વૈદિક ગણિત, અંગ્રેજી, ધાર્મિક જેવા વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ ઉપરાંત નૃત્ય, ગાયન, રંગોલી, મહેંદી, ચિત્ર, ભરતકામ, યોગાસન, હસ્તકલા, જીમનાસ્ટિક અને મેમરી ટેક્નિક જેવા વિષયનો અભ્યાસ કરાવાવમાં આવે છે. જ્યારે સ્કૂલમાં ટીચર સિલેક્શન કરવામાં આવે ત્યારે તેમની ડિગ્રી જોવામાં આવતી નથી. માત્ર તેમની કલા અને આવડત જોઈને જોબ આપવામાં આવે છે.
બાળકોનું ઘડતર કરવાનું કામ
દિનેશ તાતડ સંસ્થાના સ્થાપક છે. જે કહે છે કે, પહેલા ભારતમાં અન્ન, ઔષધ અને વિદ્યા પ્રાપ્ત કરવા માટે કદી પૈસા ખર્ચવા પડતા ન હતાં, પરંતુ આજે ટ્યુશન ક્લાસીસો, થેલો ભરીને પુસ્તકો અને નોટો, મોંઘી સાધન સામગ્રી. આ બઘું અત્યંત વિપરીત અવસ્થાનો સંકેત આપનારું છે. કારણ કે, શિક્ષણ સાધનથી નહીં પણ સાધનાથી થાય છે. શિક્ષણએ પૈસાથી મળનારી વસ્તુ નથી. અમે આ ગુરૂકુલમાં બાળકોનું ઘડતર કરવાનું કામ કરીએ છીએ. હું ટેક્સટાઈલનો બિઝનેસ કરું છું અને મારા બાળકો પણ આ સ્કૂલમાં જ અભ્યાસ કરે છે.
સવજીભાઈએ ફેમિલીની 4 દીકરીને સ્કૂલમાં મૂકી
સવજી ધોળકિયા કહે છે કે, ધોળકિયા પરિવારની ચાર દિકરીઓએ આ સ્કૂલમાં એડમિશન લીધું છે. આજની શાળામાં સંસ્કાર આપવાનું કામ થતું નથી, જ્યારે આ સ્કૂલમાં સંસ્કાર આપીને બાળકનું ઘડતર કરવામાં આવે છે એટલા માટે અમે ચાર દિકરીઓને આ સ્કૂલમાં મુકી છે.
જીવનલક્ષી શિક્ષણ આપવામાં આવે છે
રાજેશ મહેશ્વરી કહે છે કે, સીબીએસઈની 17 સ્કૂલો ચલાવું છું. પરંતુ મારા પુત્ર માધવને આ સ્કૂલમાં એડમિશન આપ્યું છે. સ્કૂલમાં બાળકના માનસિક અને બૌદ્ધિક રીતે વિકાસ થાય છે. બાળકોને જીવનલક્ષી શિક્ષણ મળે એવી સ્કૂલમાં મુકવા જોઈએ. આ સ્કૂલમાં બાળકોને જીવનલક્ષી શિક્ષણ આપવામાં આવે છે.
મારી દીકરીને સંસ્કૃતની 6259 ગાથા મોઢે છે
પિડિયાટ્રીક ડો.હિરલ કાતરિયા કહે છે કે, મારી દિકરી પુજાને મેં આ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે મુકી છે. અન્ય સ્કૂલો કરતાં આ સ્કૂલમાં બાળકોને સારું શિક્ષણ આપે છે. અમે રિસર્ચ કર્યુ ત્યાર બાદ દિકરીને આ સ્કૂલમાં અભ્યાસ માટે મુકી છે. મારી દિકરી 10 વર્ષની છે પરંતુ સંસ્કૃતની 6259 ગાથા યાદ છે.
જે તમે જાણવા માગો છો
- એડમિશન
જેમને પોતાના સંતાનોને આ સ્કૂલમાં મુકવા હોય તો તેમના સંસ્કારો જાણવામાં આવે છે. ત્યાર બાદ સ્કૂલ કેવી રીતે ચાલે છે એ બતાવાવમાં આવે છે. ત્યાર પછી થાય છે એમિશન.
- કેવી રીતે ચાલે સ્કૂલ
સ્કૂલ દાન દ્વારા ચાલે છે. શહેરના ઉદ્યૌગપતિઓ સ્કૂલની કામગીરીને જોઈને સામે ચાલીને દાન આપે છે.
- આઈડિયા કેવી રીતે આવ્યો?
સ્થાપક દિનેશ તાતડે જોધપુરમાંથી બી.કોમ કર્યુ હતુ. સ્ટેટ વિષયમાં 97 માર્કસ આવ્યા હતાં. પરંતુ એક પણ વસ્તુ યાદ ન હતી. એટલે યાદ રાખી શકાય અને જીવનલક્ષી જ્ઞાન આપી શકાય એવું શિક્ષણ આપવા માટે આ સ્કૂલની શરૂ આત કરવામાં આવી છે.
- ક્યા બોર્ડમાં છે
સ્કૂલ એક પણ બોર્ડમાં નથી, 14 વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી જે ડાયરેક્ટ ધોરણ 10ની પરીક્ષા આપવાની હોય છે.
વિદ્યાર્થીઓને ભણાવવા માટે 45 શિક્ષકોનો સ્ટાફ
- છાણથી લિપણ કરેલા ક્લાસમાં ભણાવવામાં આવે છે.
- ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જમીન પર બેસીને જ શિક્ષણ આપવામાં આવે છે.
- સ્કૂલના રસોડામાં કોલસાના ઉપયોગથી રસોઈ તૈયાર કરવામાં આવે છે.
- પ્લાસ્ટિક અને સ્ટિલના ગ્લાસની જગ્યાએ તાંબાની થાળી અને ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે છે.
- સ્કૂલમાં વિદ્યાર્થીઓને ખાદીના કાપડમાંથી તૈયાર કરવામાં આવેલો ડ્રેસ પહેરે છે.
- ભોજન ફાસ્ટફૂડની જગ્યાએ ઓર્ગેનિંગ વસ્તુમાંથી બનેવેલું સાદુ ભોજન પીરસવામાં આવે છે.
- 175 બાળકો અભ્યાસ કરી રહ્યા છે
- 10 વિદ્યાર્થીઓના અભ્યાસ માટે એક ક્લાસરૂમની સુવિધા
- 45 શિક્ષકો 175 બાળકોને અલગ અલગ વિષય પર ભણાવે
- 15 વર્ષમાં 1000 બાળકો સ્કૂલમાં અભ્યાસ કરી ચુક્યા છે
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.. દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..