કાશ! એ દિવસે હું મારી પીંછીમાંથી નદી વહેવડાવી શકી હોત : અગ્નિકાંડના 22 માસૂમો માંની એક કૃતિ દયાળાની કહાની
તક્ષશિલામાં જે બન્યું, એ ભયાવહ હતું. એ લોકોનાં સ્વજનોએ જણાવ્યું, કે એમને જો કંઈક કહેવાનો એક મોકો મળ્યો હોત તો શું કહ્યું હોત! મૃતકોને પોતાની વાત કહેવાનો પ્રયોગ વાંચો આ પોસ્ટમાં..
કોરો કૅનવાસ જોઉં ને ત્યારે મને એટલે કે કૃતિ દયાળાને સર્જક હોવાની લાગણી થઈ આવતી. ક્યાંક હું જાંબુડિયું ઝાડ દોરતી, ક્યાંક લાલ-પીળાં ફૂલો, ક્યાંક રસ્તો અને ક્યાંક ઘટાદાર વૃક્ષ નીચેનું ઘર દોરતી પણ મારી ફૅવરિટ તો હતી નદી. ક્યારેક ધોધના રૂપે પર્વત પરથી ઊતરતી નદી, ક્યારેક પુલ નીચેથી ચુપચાપ પસાર થતી નદી… મારી પીંછી ધારે તે, ધારે તેટલું પાણી વહેવડાવી દેતી. તે દિવસે તક્ષશીલા આર્કેડમાં આવેલા મારા કોચિંગ ક્લાસની દીવાલ પર લાગેલાં એક પણ ચિત્રમાંથી નદી વહી શકી નહોતી. મારી પાસે પીંછી તો હતી પણ હું નદી વહેવડાવી શકી નહોતી અને કાગળના પેઠે અમે સળગી ગયા હતા.
સાચું કહું તો એ સમયે મારી દોરેલી નદી પર આશા નહોતી, મારી આશા તો ટકેલી હતી ફાયર બ્રિગેડનાં પાણી પર. આખું ટૅન્કર પાણીથી ભરેલું હતું છતાં પણ ફાયર બ્રિગેડ નપાણિયું નીવડ્યું હતું. આગ અમને આંબી ગઈ ત્યાં સુધી પાણી અમારા સુધી પહોંચાડવામાં ફાયર બ્રિગેડ નિષ્ફળ જ નીવડ્યું હતું.
આગ લાગી ત્યારે મેં બે જ વ્યક્તિને યાદ કરી હતી, ભગવાન અને પપ્પા! ભગવાન આવ્યા નહીં ને પપ્પા પહોંચી શક્યા નહીં. મેં પપ્પાને ફોન કર્યો, ‘પપ્પા! જલદી આવો. અહીંયાં આગ લાગી છે. તમે મને બચાવી લો.’ મારા પપ્પા હિંમતવાળા છે પણ તમે જ કહો, પોતાનું સંતાન મોતના મુખ પાસે ઊભું હોય તો મમ્મી-પપ્પાનો જીવ અધ્ધર તો થઈ જ જાય ને! મારી વાત સાંભળીને પપ્પા હેબતાઈ ગયા હશે છતાં હું ગભરાઈ ન જાઉં એટલે કહ્યું, ‘બેટા! ગભરાતી નહીં, હિંમત રાખજે. બહાર નીકળવાની કોશિશ કર. બહાર નીકળી જા…’ મારા પપ્પા મારા માટે રોલ મોડેલ છે.
એમણે આટલું કહ્યું ને મારામાં હિંમત આવી ગઈ હતી પણ આગમાંથી હેમખેમ બચવાનું એ થોડું મારી કલ્પના પ્રમાણે ચિત્ર દોરવા જેટલું સહેલું હતું! હું બચવા માટેના રસ્તા શોધવા લાગી પણ મને એક જ રસ્તો મળતો હતો, આગમાં હોમાઈ જવાનો! મારા કેટલાક મિત્રો જીવ બચાવવા બારીમાંથી કૂદી પડ્યા હતા. મને પણ કૂદી જવાની ઇચ્છા થઈ હતી. નીચેથી અનેક લોકોના અવાજો સંભળાતા હતા. હું છલાંગ લગાવીશ તો કોઈ ને કોઈ મને ઝીલી જ લેશે, એવું મેં વિચાર્યું હતું પણ હું બારી સુધી પહોંચું એ પહેલાં જ આગ મારા સુધી પહોંચી ગઈ! હું આગની જ્વાળાઓમાં સપડાઈ ગઈ!
પપ્પા, તમે લીધેલા નવા ફ્લેટમાં મેં કુંભ તો મૂક્યો હતો પણ હવે હું ત્યાં ક્યારેય નહીં જઈ શકું. ભાઈ સાહિલ, તું મારા વતી નવા ફ્લેટમાં રમજે. મમ્મી-પપ્પા, મારાં ચિત્રો તમને બહુ ગમતાં હતાં ને! તમે મોબાઇલની હોમ સ્ક્રિન ઉપર પણ મારાં ચિત્રો રાખતાં હતાં. હવે મારો ફોટો રાખવો પડશે.