દુર્ઘટના: MPથી પ્રેમ લગ્ન કરી 6 મહિના પહેલાં રોજગારીની શોધમાં સુરત આવેલા દંપતીનું ગેસ ગૂંગળામણથી ભરનીંદરમાં જ મોત, પત્નીના પેટમાં 2 મહિનાનો ગર્ભ હતો

વતનમાં પ્રેમ લગ્ન લોકો નહીં સ્વીકારે એ ડરથી પતિ-પત્ની તરીકેની નવી જીવનયાત્રા સુરતમાં શરૂ કરી હતી. છ મહિના પહેલાં જ સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કાલી અને સુલતાનની સફરનો અંત કેમિકલના ગંદા વેપલાએ કર્યો છે. મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના વતની કાલી ઉર્ફે કિરણ અને સુલતાન વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમને મૂર્ત સ્વરૂપ આપવા બન્નેએ ભાગીને લગ્ન કર્યાં હતાં. બાદમાં રોજગારી અને શાંતિના જીવન માટે તેઓ સુરતની સચિન જીઆઈડીસીની મિલમાં નોકરી કરીને જીવન ગુજારતાં હતાં. મધુર લગ્નજીવનની મીઠી યાત્રામાં કાલીને બે માસનો ગર્ભ પણ હતો. પતિ-પત્ની બેમાંથી ત્રણ બનવાનો આનંદ ઊજવી રહ્યાં હતાં, એવામાં જ ભરનીંદરમાં મોત મળતાં દંપતીની સાથે કામ કરતા લોકો પણ શોકમાં ગરક થઈ ગયા હતા.

પતિ-પત્ની તરીકે નવા જીવનની શરૂઆત કરનારા કાલી અને સુલતાન રોજેરોજ મિલમાં મજૂરી કરીને શાંતિનો રોટલો ખાઈ રહ્યાં હતાં. જોકે સુમધુર દાંપત્ય જીવન જીવતાં કાલી અને સુલતાનની પ્રેમકહાણી કહો કે લગ્નજીવન પર કેમિકલ વેપલો ચલાવનારા માફિયાઓની જાણે નજર લાગી ગઈ હતી. વહેલી પરોઠના ચારેક વાગ્યે કેમિકલ ઠાલવવામાં આવતાં જ બન્ને પતિ-પત્ની ઊંઘમાં જ તરફડવા લાગ્યાં હતા, સાથે કામ કરતા અન્ય કામદારો એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ લાવ્યાં હતાં. જોકે સારવાર મળે એ પહેલાં જ બન્ને પતિ-પત્નીનાં મોત નીપજી ચૂક્યાં હતાં.

કાલી અને સુલતાની પ્રેમયાત્રાના પરિપાક સ્વરૂપે કાલી ઉર્ફે કિરણને બે માસનો ગર્ભ પણ રહ્યો હતો. ગર્ભ રહ્યાના પહેલા જ દિવસથી બન્ને ખુશ હતાં. બેમાંથી ત્રણ બનવાની યાત્રા પણ બન્ને સાથે જ જીવી રહ્યાં હતાં. સુલતાન કિરણ માટે રોજેરોજ કામ પરથી છૂટીને કંઈ ને કંઈ સારી વસ્તુ ખરીદી લાવીને કિરણને ખુશ રાખવાનો પ્રયાસ કરતો હતો. જેથી આવનારું બાળક પણ ખુશ રહે. જોકે ગર્ભસ્થ બાળક આ દુનિયામાં આવે એ પહેલાં જ કેમિકલને તેનો શ્વાસ રુંધી દેતાં આ ફાની દુનિયામાં આવ્યા પહેલાં જ બાળક પણ જતું રહ્યું હતું.

સાથે કામ કરનાર શ્રમિકે કહ્યું હતું કે કાલી અને સુલતાન બહુ પ્રેમાળ જોડી હતી. બન્ને વચ્ચેનો પ્રેમ અમારા ટોળામાં ખૂબ જ સરાહનીય હતો. અમે તેમના મોતને હજુ સુધી સ્વીકારી શકતા નથી. સુલતાન ત્રણ ભાઈમાં બીજા નંબરનો દિલદાર હતો. જ્યારે કાલી ઉર્ફે કિરણ પણ ખૂબ જ સોહામણી હતી. કિરણ ગર્ભવતી થઈ ત્યારથી સુલતાન પણ ધીરે ધીરે વધારે સ્થિર અને જવાબદારીવાળો બની ગયો હતો. જોકે આ દંપતી સહિત છ જણને મોતનો રસ્તો દેખાડનારા સામે યોગ્ય કાર્યવાહી થાય એ જ અમારી માગ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો