સુરતમાં 23 વર્ષનો પાટીદાર યુવક બ્રેનડેડ થતા પરિવારે હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુ દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું
લેઉવા પટેલ સમાજનાં બ્રેઈનડેડ પ્રયાગ હંસરાજભાઈ ઘોણીયા માત્ર 23 વર્ષનો છે. જેનાં બ્રેન ડેડ થતા પરિવારે તેનાં અંગો ડોનેટ કરવાનો ઘણો જ મહત્વનો નિર્ણય લીધો છએ. અને ડોનેટ લાઈફનાં માધ્યમથી પોતાનાં વ્હાલસોયા દીકરાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. આ પાટિદાર પરિવારે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. સુરતની યુનિટી હોસ્પિટલથી અમદાવાદનું ૨૭૬ કિ.મીનું અંતર ૧૧૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભુજની રહેવાસી ૨૯ વર્ષીય યુવતીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ચેન્નઈનું ૧૬૧૦ કિ.મી.નું અંતર ૨૧૦ મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ સુદાનની નાગરિકતા ધરાવતા ૨૩ વર્ષીય યુવકમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. સોમવાર, ૧૫ નવેમ્બરના રોજ યુનિટી હોસ્પીટલના ડોકટરોએ પ્રયાગને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પ્રયાગના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
શ્રી દર્શન રોહાઉસ, કરડવા ગામ, ડીંડોલી મુકામે રહેતો અને ઓનલાઈન સાડી વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલો પ્રયાગ તા. ૭ નવેમ્બરના રોજ મુંબઈથી પોતાના મિત્રો સાથે મોટરકારમાં સુરત આવી રહ્યો હતો ત્યારે ચારોટી પાસે ટાયર ફાટતા મોટરકાર ડીવાઈડર સાથે અથડાતા પ્રયાગને માથામાં અને કરોડરજ્જુમાં ઈજાઓ થવાથી કાસામાં આવેલ સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વાપીની હરિયા હોસ્પીટલમાં દાખલ કરી વધુ સારવાર માટે સુરતની યુનિટી હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ.ધવલ પટેલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં સોજો અને લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ કરોડરજ્જુના મણકામાં ફ્રેકચર થયું હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ પ્રયાગની તબિયત વધુ ગંભીર થતા MRI કરાવતા મગજમાં લકવાની અસર જણાતા તા. ૧૪ નવેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ધવલ પટેલે ક્રેનીયોટોમી કરી મગજનો સોજો દુર કર્યો હતો.
પ્રયાગનાં પિતાશ્રી હંસરાજભાઈ અને માતા રમાબેને જણાવ્યું કે બનવાકાળ જે બનવાનું હતું તે બની ગયું છે, અમારો દીકરો બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. વધુમાં તેઓએ જણાવ્યું કે અમે વારંવાર વર્તમાન પત્રોમાં અંગદાનના સમાચારો વાંચીએ છીએ. આ એક ઈશ્વરીય કાર્ય છે. પ્રયાગનો ભાઈ સાવન જે T.Y B.Com માં અભ્યાસ કરે છે.
SOTTO દ્વારા લિવર અમદાવાદની IKDRCને, એક કિડની અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, બીજી કિડની અને હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યું છે. દેશની વિવિધ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલોમાં B+ve બ્લડગ્રૂપનું કોઈ ભારતીય દર્દી ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર ના હોવાને કારણે NOTTO દ્વારા ફેફસાંની ફાળવણી ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ સુદાનની નાગરિકતા ધરાવતા ૨૩ વર્ષીય યુવકને કરવામાં આવી હતી.
દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી ૩૫ વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી ૩૦ વર્ષીય મહિલામાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ જુનાગઢના રહેવાસી ૩૬ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC માં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભુજની રહેવાસી ૨૯ વર્ષીય યુવતીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ યુવતીને જન્મજાત હૃદયની તકલીફ હતી. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ સુદાનની નાગરિકતા ધરાવતા ૨૩ વર્ષીય યુવકમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..