4 હજારની નોકરી કરતો’તો ચરોતરી પટેલ, પોતના દમ પર ફેલાવ્યું કરોડોનું સામ્રાજ્ય
બિઝનેસ ગુજરાતીના લોહીમાં હોવાનું પૂરવાર કરતા અનેક ગુજરાતી બિઝનેસમેન આપણી નજર સમક્ષ છે. ઘણા ગુજરાતીઓ અધવચ્ચે અભ્યાસ છોડીને પોતાની મહેનત અને સૂઝબૂઝથી આજે કરોડો રૂપિયાનો બિઝનેસ કરી રહ્યાં છે. તેવા જ એક બિઝનેસમેન છે મુંબઈની ફેમસ જ્વેલરી આઉટલેટ ચેન ‘સુવર્ણસ્પર્શ’ના સીએમડી વિમલ પટેલ.
100 કરોડના બિઝનેસ ક્લબમાં સામેલ ‘સુવર્ણસ્પર્શ’ કંપનીને સફળતા સુધી પહોંચાડવા વિમલ પટેલે પણ અથાગ સંઘર્ષ અને મુશ્કેલીનો સામનો કર્યો છે. એક સમયે મજૂરીકામ કરતા વિમલ પટેલ આજે મહારાષ્ટ્રમાં 52 જેટલા જ્વેલરી આઉટલેટ્સ ધરાવે છે.
આ પણ વાંચજો:-
નાની ઉંમરથી જ શરૂ થયો સંઘર્ષ
- 1976માં ગુજરાતના આણંદ ખાતે મધ્યમ પરિવારમાં જન્મેલા વિમલ પટેલ ભણવામાં હોશિયાર ન હતા.
- ધોરણ છના અભ્યાસ બાદ સાતમાં ધોરણમાં ફેલ થતા ભણવાનું છોડી મિત્રો સાથે ફર્યા કરતા.
- ડાયમંડ પોલિશિંગનું કામ કરતા પિતા અને મિત્રો પાસેથી આ ગાળામાં તેમણે હીરા પોલિશનું કામ શિખ્યું.
- નાની ઉંમરથી ગુસ્સાવાળા સ્વભાવના કારણે પિતાએ તેમને મુંબઈ જઈ કામ કરવાનું કહ્યું.
1996માં વિમલ પટેલ આવ્યા મુંબઈ
- વિમલ પટેલ 20 વર્ષની ઉંમરે 1996માં કામ કરવા માટે પહેલી વાર મુંબઈ આવ્યા.
- મુંબઈમાં પહેલા વિમલ પટેલને મજૂરી કરવાનું કામ મળ્યું, જેમાં તેમને માત્ર 4000 રૂપિયા મળતા હતા.
- ચાર હજાર રૂપિયામાં પોતાનો ખર્ચ પણ માંડ પૂરો પડતો હોવાથી વિમલે કંઈક બીજુ કરવાનો વિચાર કર્યો.
- હીરા પોલિશનું કામ આવડતું હોવાથી વિમલે મુંબઈના ચીરા બજારમાં હીરાની ફેક્ટરીમાં આ કામ શોધવાનું શરૂ કર્યું.
- થોડા જ સમય દરમ્યાન આ કામમાં વિમલનું વેતન પણ વધી જતા તેમને નવું કરવાનો જુસ્સો આવ્યો.
શરૂ કર્યો પોતાનો વ્યવસાય
- મુંબઈમાં વિમલના કેટલાંક મિત્રો આ સમયે અનપોલિશ્ડ ડાયમંડનું માર્કેટિંગ કરતા હતા.
- વિમલ પણ નવેમ્બર 1997માં મિત્રો સાથે કમિશન પર રફ અને જેમ સ્ટોનનું ખરીદ-વેચાણ કરવા લાગ્યા.
- માર્ચ-1998 સુધીમાં તો તેઓ ટ્રેડિંગથી રોજના એકથી બે હજાર રૂપિયા કમાવા લાગ્યા.
- કમિશનના પૈસા બચાવી 1999માં વિમલે 50 હજારની મૂડી સાથે ડાયમંડ ટ્રેડિંગ ફર્મ ખોલી.
- મહેનત અને અનુભવના કારણે વિમલ ટ્રેડિંગ ફર્મમાંથી પહેલા વર્ષે જ 15 લાખ રૂપિયાની કમાણી કરી.
- આ સમયે વિમલ સાથે માત્ર આઠ કર્મચારીઓ કામ કરતા હતા.
વિમલને ભોગવ્યું પડ્યું મોટું નુકસાન
- વ્યવસ્થિત રીતે બિઝનેસ સેટ થયાના થોડા સમયમાં વિમલ પટેલને મોટું નુકસાન ભોગવવું પડ્યું.
- વર્ષ 2001માં સાથે કામ કરતો એક કર્મચારી વિમલના 29 લાખના હીરા લઈને ભાગી ગયો.
- આ રૂપિયા એક ટ્રેડરના હોવાથી વિમલે તમામ વસ્તુ વેચીને રૂપિયા ચૂકવવા પડ્યાં.
- ફરીથી હિંમત હાર્યા વિના વિમલ પટેલે જેમ સ્ટોન વેચવાનું ચાલુ કર્યું.
- પાંચ વર્ષની કમાણીમાંથી તેમણે ઝવેરી બજારમાં એક નાની ઓફિસ ભાડે લઈ ડાયમંડ ટ્રેડિંગ કન્ટ્રોલિંગની શરૂઆત કરી.
- વિમલ વ્યવસાય માટે શ્રીલંકા-થાઈલેન્ડ જવા-આવવા લાગ્યા, સારી ક્વોલિટીના રફ ડાયમંડના કારણે માર્જિન પણ વધ્યું.
ફરી શરૂ કર્યો વ્યવસાય અને મળી સફળતા
- વિમલ પટેલને 2008માં આવેલી મંદીના કારણે ફરી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
- માર્કેટમાં રોકડના સંકટના કારણે સ્ટોન્સ આયાત કરવા પણ મુશ્કેલ થઈ ગયા.
- જ્વેલર્સ સાથે ઘણા સમયથી કામ કરતા હોવાથી આ ક્ષેત્રમાં સાહસ કરવાનો વિચાર કર્યો.
- વિમલ પટેલે ફરી પોતાની તમામ બચતના 50 લાખ રૂપિયાના રોકાણ સાથે જલગાંવમાં 1200 ચોરસ ફૂટનો જ્વેલરી સ્ટોર્સ ખોલ્યો.
- અનોખી રીતે વિચારતા વિમલે સ્ટોર્સ માટે એક જ્યોતિષી હાયર કર્યા જેથી એસ્ટ્રોલોજરની સલાહ અનુસાર લોકો રત્નો ખરીદી શકે.
- આ ઉપરાંત જન્મકુંડળી અને ગ્રહો અનુકૂળ રત્ન ધારણ કર્યા બાદ પરિણામ ન મળે તો રકમ પરતની યોજના પણ મુકી.
- અનોખી યોજના અને કોન્સેપ્ટના કારણે પહેલા દિવસે જ સ્ટોર્સમાં એક લાખ રૂપિયા જેવી કમાણી થઈ.
- આ સફળતા બાદ તેઓએ વ્યવસાયમાં પાછળ વળીને ક્યારેય જોયું નથી.
52 આઉટલેટ્સ ધરાવે છે વિમલ પટેલ
- 2011માં વિમલ પટેલે ‘સુવર્ણસ્પર્શ’ જેમ્સ એન્ડ જ્વેલરી નામની એક બીજી કંપની બનાવી.
- આ કંપની હેઠળ તેઓ વાસીમાં જ્વેલરી પણ બનાવવા લાગ્યા, જેથી પડતર 70થી 80 ટકા સુધી ઘટી ગઈ.
- એક પછી એક એમ ધીમે ધીમે કરતા આજે મહારાષ્ટ્રમાં ‘સુવર્ણસ્પર્શ’ના 52 રિટેલ સ્ટોર્સ છે.
- એસ્ટ્રોલોજરની મદદથી રત્નોની ખરીદી માટે જાણીતી ‘‘સુવર્ણસ્પર્શ’’માં 550થી વધારે કર્મચારીઓ કામ કરે છે.