સપનું થયું સાકાર: સ્ટડી પુરી થયા પહેલા જ મળી લાખોની ઓફર, હવે મેળવશે આટલો પગાર
એમ.એસ.યુનિવર્સિટી ટેક્નોલોજી ફેકલ્ટીના કોમ્પ્યૂટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગનાં એક જ બેચના બે વિદ્યાર્થીઓને આઇટી ક્ષેત્રની અગ્રણી કંપનીમાં લાખો રૂપિયાના પેકેજની જોબ ઓફર થઇ છે. યુનિ.માં પ્રથમવાર કોઇ વિદ્યાર્થીને ગૂગલમાં જોબ ઓફર થઇ છે. જેમાં વાર્ષિક 1.57 કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. ઉપરાંત એક વિદ્યાર્થીને ઓરેકલમાં 24 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું છે.
બીઇ કોમ્પ્યૂટર સાયન્સની સાથે સાથે યુનિ.ના જ કોમ્પ્યૂટર સેન્ટરમાં ઇન્ટર્નશિપ કર્યા બાદ અમેરિકાની સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં માસ્ટરનો અભ્યાસ કરનાર શૈલી પરીખને છેલ્લું સેમેસ્ટર ચાલુ છે ત્યારે જ ગૂગલમાં 1.57 કરોડનું પેકેજ આપવામાં આવ્યું છે. ગૂગલમાં સોફટવેર એન્જિનિયર તરીકે પસંદગી પામનાર શૈલીએ જણાવ્યું હતું કે પહેલાંથી જ ગૂગલમાં જોબ કરવાની ઇચ્છા હતી જે સાકાર થઇ છે.
એમ.એસ.યુનિવર્સિટીમાં કરેલી ઇન્ટર્નશિપ ખૂબ જ ઉપયોગી સાબિત થઇ છે. તે સમય દરમિયાન પીએચડીના વિદ્યાર્થીઓના મેન્યુઅલ પ્રોસેસ કરીને ધક્કા ખાવા પડતા હતા તે તમામ વસ્તુઓ ઓનલાઇન કરી શકાય તે પ્રકારનો પ્રોજેકટ પૂર્ણ કર્યો હતો. જેના કારણે પીએચડી કરનારા વિદ્યાર્થીઓને સરળતા થઇ છે.
તેમની જ બેચના અન્ય એક વિદ્યાર્થી ઋષિકેશ પટેલે પણ બીઇ 2017માં કર્યું હતું. તેણે પણ યુનિ.ના કોમ્પ્યૂટર સેન્ટર ખાતે જ ઇન્ટર્નશિપ કરી હતી. ત્યારબાદ મુંબઇ આઇઆઇટીમાં વધુ અભ્યાસ માટે ગયો હતો. ઋષિકેશને છેલ્લું સેમેસ્ટર પૂર્ણ થાય તે અગાઉ જ ઓરેકલમાં 24 લાખ રૂપિયાની જોબ ઓફર થઇ છે. તેણે જણાવ્યું હતું કે ઓરેકલ માટે સામેથી કોલ આવ્યો હતો. ટેસ્ટ અને ઇન્ટર્વ્યૂ પ્રક્રિયા ક્લિયર કર્યા બાદ સિલેકશન થયું છે.
બેંગ્લોર અને હૈદરાબાદ બે લોકેશન છે. તેમાંથી એકની પસંદગી કરવાની છે. ઋષિકેશે પણ યુનિ.ના કોમ્પ્યૂટર સેન્ટરમાં ઇન્ટર્નશિપ કરી હતી અને તેમાં એન્યુઅલ રિપોર્ટ મેનજમેન્ટ સિસ્ટમ પર પ્રોજેકટ બનાવ્યો હતો જેનો હાલમાં પણ યુનિવર્સિટી દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
7 વિદ્યાર્થીઓને દર વર્ષે ઇન્ટર્નશિપની તક અપાય છે
બીઇ કોમ્પ્યૂટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં દર વર્ષે 7 જેટલા વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપની તક મળે છે. જેના માટે સિલેકશન કમિટી દ્વારા વિદ્યાર્થીઓની ઇન્ટર્વ્યૂ પ્રક્રિયા કરીને સિલેકશન કરવામાં આવે છે. 150 થી 200 જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટર્વ્યૂ આપતા હોય છે. – ડો.વીરલ કાપડિયા, ડે.ડાયરેકટર,કોમ્પ્યૂટર સેન્ટર
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..