સૌરાષ્ટ્રના એક એવા વડીલ જે વૃક્ષપ્રેમના લીધે ઝાડવાવાળા બાપા તરીકે ઓળખાય છે: લાકડું બાળવું ન પડે તેથી જીવતેજીવ સમાધિ તૈયાર કરાવી રાખી છે.
આ વાત સૌરાષ્ટ્રના એવા વડીલની જેમણે વૃક્ષારોપણ માટે જીવનના અમૂલ્ય 45 વર્ષ આપી દીધા છે. ઉપલેટાના ભાયાવદર ગામના 89 વર્ષના પ્રેમજીભાઈ પટેલ વૃક્ષપ્રેમના લીધે ઝાડવાવાળા બાપા તરીકે ઓળખાય છે. 45 વરસના સમયગાળામાં તેમણે અંદાજે 1 કરોડ જેટલા વૃક્ષો રોપ્યાં છે. પ્રેમજીભાઈએ આજીવન વૃક્ષારોપણ કર્યા બાદ મૃત્યું પછી અંતિમ દાહ માટે વૃક્ષ કપાય એ પસંદ નથી. તેમણે મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર ના બદલે સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે.
તેમણે સમાધિ માટેની જગ્યા નક્કી રાખીને ખાડો ખોદાવી રાખ્યો છે. વૃક્ષારોપણ અને પાણી સંગ્રહ માટે મુંબઈમાં ધીકતો ધંધો છોડી અનોખું અભિયાન શરૂ કર્યું હતું. તેમણે પોતાના માટે જે સમાધી તૈયાર કરાવી છે ત્યાં પણ વૃક્ષ રોપવાની યોજના તૈયાર રાખી છે. બાદમાં આ જમીન ગામના જ ખેડૂતને વાપરવા માટે આપી દેવાની તેમની ઈચ્છા છે.
જુનાગઢનો વાંદરો દ્વારકા જાય તો તેને ક્યાંય નીચે ના ઉતરવું પડે એટલા વૃક્ષો હતાં
સૌરાષ્ટ્રના વેરાન વિસ્તારોનો પ્રેમજીભાઈએ અભ્યાસ કર્યો હતો. તેમણે જાણવા મળ્યું હતું કે જેટલી પણ વેરાન જમીન છે ત્યાં અગાઉ લીલાછમ વૃક્ષો હતા. જૂના વખતના લોકો કહેતા કે જુનાગઢનો વાંદરો દ્વારકા જાય તો તેને કયાંય નીચે ના ઉતરવુ પડે એટલા વૃક્ષો હતા. પણ બળતણ માટે આ બધા વૃક્ષો કપાઈ ગયા છે. આ જાણીને તેમનો જીવ બળી ગયો અને મનોમન નકકી કરી લીધુ કે તેઓ ધરતી માતાને લીલી ચુંદડી ઓઢાડશે. ત્યારથી આખું અભિયાન છેડ્યું.
વૃક્ષ પ્રેમ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી લીમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હુ પ્રેમજી બાપાની કામગિરીનો પહેલેથી જ સાક્ષી છું. તે જ્યાં જતા તેની સાથે જતો. પહેલા તો લોકો ચેકડેમ બનાવવા માટે રાજી નહોતા થતા. પણ પ્રેમજીબાપા બધાને વ્યક્તિગત સમજાવતા હતા. તેઓની કામગિરી જોઇને બધાને પુરો વિશ્વાસ આવી ગયો. પછી તો લોકો ચેકડેમ બનાવવા માટે સામેથી પોસ્ટકાર્ડ લખતા હતા. આ પોસ્ટ કાર્ડ મળ્યા બાદ ખુદ અમે સાઈટ વિઝિટ કરતા અને બધી કામગિરી કરતા હતા. આ બધા માટે પ્રેમજીબાપાએ દિવસ રાત એક કર્યા છે. ખોટી સંગતે ચડી ગયેલા યુવાનોને વૃક્ષારોપણ તરફ વાળ્યા તેથી તેઓના જીવનમાં પણ પરિવર્તન આવ્યુ. આ રીતે સૌરાષ્ટ્રના ગામડાનો ખેડુત ખમતીધર થયો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.