ચાંદીનો સિક્કો કે તાંબાનો સિક્કો ? – સમજવા જેવી બોધકથા
એક દયાળું રાજા હતો. આજે એમનો જન્મદિવસ હતો. રાજાએ પોતાના જન્મદિવસે એક નિર્ણય કર્યો કે અત્યારે મારે એક સામાન્ય માણસ તરીકે ભગવાનના મંદિરે ચાલીને દર્શન કરવા જવુ છે. મને રસ્તામાં જે પહેલો માંગણ મળશે તેને આજે હું ખુશ કરી દઇશ અને તેને સંતુષ્ટ કરીશ.રાજા પહેરવેશ બદલીને એક સામાન્ય માણસની જેમ બહાર નીકળ્યો. થોડો આગળ ગયો ત્યાં એને રસ્તામાં એક ભીખારી મળ્યો. ભીખારીએ રાજાની સામે હાથ લંબાવીને ભીખ માંગી. રાજાએ નક્કી કર્યા પ્રમાણે ભીખારીને દાનમાં તાંબાનો એક સિક્કો આપ્યો.ભીખારીતો રાજીનો રેડ થઇ ગયો. આનંદના અતિરેકમાં એણે સિક્કાને ઉંચે ઉલાળ્યો અને સિક્કો બાજુની ગટરમાં પડી ગયો. સિક્કો બહાર કાઢવા એણે ગટરમાં હાથ નાંખ્યો પણ સિક્કો હાથમાં ન આવ્યો.
રાજાએ આ જોયુ એટલે એણે ભીખારીને પોતાની પાસે બોલાવીને ચાંદીનો એક સિક્કો આપ્યો. ભીખારીએ આભાર માનીને એ સિક્કો લીધો અને ફરીથી ગટર પાસે જઇને પેલો સિક્કો કાઢવા ગટરમાં હાથ નાંખ્યો. રાજાને થયુ કે હજુ આ બીચારો સંતુષ્ટ થયો નથી. એમણે ભીખારીને પાછો બોલાવ્યો અને આ વખતે સોનાનો સિક્કો આપ્યો. ભીખારી સોનાનો સિક્કો લઇને ફરીથી ગટર પાસે ગયો અને ગટરમાં હાથ નાંખ્યો.
રાજા વિચારવા લાગ્યા કે આ માણસ આમ કેમ કરે છે ? હું જે આપુ છુ એનાથી તેને સંતોષ કેમ નથી થતો ? મેં તો સંકલ્પ કર્યો છે કે આજે જે માણસ પ્રથમ મળે એને સંતુષ્ટ કરવો જ છે. રાજાએ એ ભીખારીને પોતાની પાસે બોલાવીને કહ્યુ , ” ભાઇ મેં તને તાંબાના સિક્કાના બદલામાં ચાંદીનો અને સોનાનો સિક્કો આપ્યો તો પણ તને સંતોષ નથી થતો હવે મને તું એ કહે કે તને હું શું આપુ તો સંતોષ થાય ? ”
ભીખારીએ ગટરમાં હાથ નાંખીને કહ્યુ , ” ભાઇ , મને આ ગટરમાં પડેલો સિક્કો મળશેને ત્યારે જ સંતોષ થશે ! ”
મિત્રો , આપણી સ્થિતી પણ આ ભીખારી જેવી છે. ભગવાને આપેલી કોઇ નાની વસ્તુ છીનવાઇ જાઇ પછી તેના બદલામાં ઘણીવાર ભગવાન બહુ મોટી વસ્તુ આપે છે. આ મોટી વસ્તુ મળ્યા પછી પણ પેલી છીનવાઇ ગયેલી નાની વસ્તુને યાદ કરીને રડ્યા રાખીએ છીએ , મળેલી મોટી વસ્તુનો આનંદ તો સાવ વિસરાઇ જાય છે
– શૈલેશ સગપરીયા