અકબરે બીરબલને પૂછ્યું કે ભગવાન ક્યાં રહે છે, કેવી રીતે મળે છે અને શું કરે છે? બીરબલે કહ્યું કે આ ત્રણ પ્રશ્નોના જવાબ તો મારો પુત્ર પણ આપી શકે છે, જાણો પછી શું થયું..

અકબરના પ્રશ્નો અને બીરબલના જવાબો સાથે સંકળાયેલા ઘણા કિસ્સા બહુ વખણાય છે. બીરબલ ખૂબજ બુદ્ધિશાળી હતા. અકબરના દરેક સવાલોના પરફેક્ટ જવાબ હોતા હતા તેમની પાસે. અહીં જાણો એવો જ એક રસપ્રદ કિસ્સો, જેમાં અકબરે બીરબલને ભગવાન સાથે સંકળાયેલા ત્રણ પ્રશ્ન પૂછ્યા હતા…

– ઈશ્વર ક્યાં રહે છે? ઈશ્વર કેવી રીતે મળે છે? ઈશ્વર શું કરે છે?

– જ્યારે અકબરે આ પ્રશ્ન પૂછ્યા તો બીરબલને બહુ આશ્ચર્ય થયું અને તેમને એ સમયે એ પ્રશ્નોના જવાબ ન સૂજ્યા. બીરબલે કહ્યું કે, આ પ્રશ્નોના જવાબ તેઓ કાલે જણાવશે.

– બીરબલ આ પ્રશ્નો બાબતે બહુ ચિંતામાં હતા. બીરબલના પુત્રએ તેમની ચિંતાનું કારણ પૂછ્યું તો બીરબલે અકબરના ત્રણ પ્રશ્નો જણાવ્યા. બીરબલના પુત્રએ જણાવ્યું કે તે જાતે જ બાદશાહને દરબારમાં આ પ્રશ્નોના જવાબ કાલે આપશે.

અકબરે બીરબલને પૂછ્યું કે ભગવાન ક્યાં રહે છે, કેવી રીતે મળે છે, શું કરે છે? બીરબલે કહ્યું કે આ ત્રણ પ્રશ્નોના જવાબ તો મારો પુત્ર પણ આપી શકે છે

– બીજા દિવસે બીરબલ પોતાના પુત્રને લઈને દરબારમાં ગયો અને બાદશાહ અકબરને કહ્યું કે, તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ તો મારો પુત્ર પણ આપી શકે છે.

– અકબરે કહ્યું, વાંધો નહીં. જણાવ ઈશ્વર ક્યાં રહે છે?

– આ પ્રશ્નના જવાબ માટે બીરબલના પુત્રએ દૂધ મંગાવ્યું, જેમાં ખાંડ મિક્સ કરેલી હતી. તેણે એ દૂધ અકબરને આપ્યું અને કહ્યું, ચાખીને જણાવો, આ દૂધ કેવું છે?

– અકબરે ચાખીને કહ્યું, દૂધ ગળ્યું છે.

– ત્યારે બીરબલના પુત્રએ કહ્યું કે, શું આમાં ખાંડ દેખાય છે?

– અકબરે કહ્યું, ના, આમાં ખાંડ દેખાતી તો નથી. એ તો દૂધમાં ઓગળી ગઈ છે.

– બીરબલના પુત્રએ કહ્યું કે, જહાંપનાહ, બસ આ જ રીતે ભગવાન પણ સંસારની દરેક વસ્તુઓમાં છે, પરંતુ દૂધમાં ઓગળેલી ખાંડની જેમ દેખાતા નથી. અકબર આ જવાબથી સંતુષ્ટ થયા.

– હવે અકબરે બીજો પ્રશ્ન પૂછ્યો, ઈશ્વર કેવી રીતે મળે છે?

– આ પ્રશ્નનો જવાબ આપવા માટે બીરબલના પુત્રએ દહીં મંગાવ્યું.

– બીરબલના પુત્રએ અકબરને દહીં આપીને કહ્યું, જુઓ આમાં માખણ દેખાય છે?

– અકબરે કહ્યું કે, આ દહીંમાં માખણ તો છે, પરંતુ બરાબર વલોવ્યા બાદ જ દેખાશે.

– બીરબલના પુત્રએ કહ્યું કે, જહાંપનાહ, આ જ રીતે ઈશ્વર પણ આપણા મનનું મંથન કરવાથી મળી શકે છે.

– આ જવાબથી પણ અકબરને સંતોષ થયો.

– અકબરે ત્રીજો પ્રશ્ન પૂછ્યો, જણાવ ઈશ્વર શું કરે છે?

– બીરબલના પુત્રએ જણાવ્યું કે, જહાંપનાહ, આ પ્રશ્નના જવાબ માટે તમારે મને ગુરૂ માનવો પડશે.

– અકબરે કહ્યું, વાંધો નહીં. હવે તું મારો ગુરૂ અને હું તારો શિષ્ય.

– બીરબલના પુત્રએ કહ્યું કે, ગુરૂ હંમેશાં ઊંચા સ્થાન પર બેસે છે અને શિષ્ય નીચે બેસે છે.

– અકબર તરત જ સિંહાસન પરથી ઊભો થઈ ગયો અને બીરબલના પુત્રને ત્યાં બેસાડી તે નીચે બેસી ગયો.

– સિંહાસન પર બેસતાં જ બીરબલના પુત્રએ કહ્યું કે, જહાંપનાહ, આ જ મારા ત્રીજા પ્રશ્નનો જવાબ છે. ઈશ્વર રાજાને રંક બનાવે છે અને રંકને રાજા બનાવી દે છે.

– આ જવાબથી પણ અકબરને સંતોષ થયો. ત્રણેય પ્રશ્નના સાચા જવાબ આપવાથી તેણે બીરબલના પુત્રનું સન્માન કર્યું.

કથાનો સાર

વ્યક્તિની ઉંમર નાની હોય કે મોટી, તે બુદ્ધિશાળી હશે તો તેને દરેક જગ્યાએ માન-સન્માન મળશે. બીરબલની જેમજ તેનો પુત્ર પણ બુદ્ધિશાળી હતો, જેના કારણે બાદશાહ અકબરે તેનું સન્માન કર્યું. આપણે પણ આપણી બુદ્ધિનો ઉપયોગ કરી જીવનમાં આવતી દરેક મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ. તેજ બુદ્ધિ માટે રોજ સવારે મેડિટેશન કરવું જોઇએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો