સુરતમાં પિતાને કિડનીની બીમારી વચ્ચે આયુષી ઢોલરીયાએ ધોરણ 10માં 99.99 PR મેળવ્યા
આજે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સારું પરિણામ મેળવનાર મોટા ભાગના વિદ્યાર્થીઓ સામાન્ય ઘરના છે. તો કેટલાક વિદ્યાર્થિઓએ પિતાની ગંભીર બીમારી વચ્ચે પણ અભ્યાસ કરીને સારું પરિણામ મેળવ્યું છે. વરાછાની આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતી આયુષી ભીમજીભાઈ ઢોલરીયાએ પિતાની કિડનીની બીમારી વચ્ચે અભ્યાસ કરીને 99.99 PR અને 96.50 ટકા મેળવ્યા છે. માતા હાઉસ વાઈફ છે. અને પિતાને અઠવાડિયામાં બે વાર ડાયાલીસીસ કરવવાનું પણ હોય છે. આયુષીને ન્યુરોલોજીસ્ટ બનવાની ઈચ્છા છે.
સામાન્ય પરિવારના સંતાનોએ ઝળહળતી સિદ્ધી મેળવી
પિતાની છત્રછાયા ગુમાવનાર મિહિરને માતાએ પેટે પાટા બાંધીને ભણાવ્યો
અમદાવાદનો મિહિર કોશરેકર જે ધોરણ-10માં 99.79 PR સાથે ઉત્તીર્ણ થયો છે. તે 9 માસનો હતો ત્યારે જ તેના પિતા મૃત્યુ પામ્યા હતા. ભાઈ અને માતાએ ભણાવીને આગળ વધાર્યો. આજે જે પણ કાઈ છું એ માતાના કારણે. માતા કોમ્પ્યુટર કંપનીમાં એકાઉન્ટ વિભાગમાં 10 હજારની નોકરી કરી બંને બાળકોને ભણાવ્યા. મિહિરના માતાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, સાસરા તરફથી કોઈ સહારો ન મળ્યો પણ પતિ જતા રહેતા મોટી જવાબદારી આવી અને તેને ડર્યા વગર નિભાવી. આગળ બંને પુત્રોને એન્જીનીયર થતા જોવા માંગુ છું. મહિને એક હજાર બચે તેમાં આ બાળકોને મોજશોખ કરાવું છું.
પુલવામામાં CRPFમાં ફરજ બજાવતા જવાનની દીકરી યશ્વીને SSCમાં 98 PR
વસ્ત્રાલની માધવ સ્કૂલમાં ભણતી યશ્વી સોનારા 98 PR અને 87 ટકા સાથે સ્કૂલમાં પ્રથમ ક્રમાંકે આવી છે. યશ્વીના પિતા દિનેશ સોનારા કાશ્મીરના પુલવામાં CRPFમાં ફરજ બજાવે છે. યશ્વીએ વાતચીતમાં જણાવ્યું હતું કે ‘હું રોજના 7થી8 કલાક વાચન કરતી હતી. મારા પિતા હાલ કાશ્મીરમાં CRPFમાં ફરજ બજાવે છે. જ્યારે પુલવામાં હુમલો થયો હતો. ત્યારે મારા પિતા ત્યાં જ હતા. જેથી હું ગભરાઈ ગઈ હતી. તેમની સાથે વાતચીત થયા બાદ મેં ફરીથી મહેનત ચાલું કરી અને 87 ટકા મેળવ્યા’.
સરહદ પર ફરજ બજાવતા પિતાને પુત્રીએ પરિણામ જણાવ્યું: યશ્વીની માતા હાઉસ વાઈફ સાથે LICની એજન્ટ પણ છે. યશ્વીના એક મોટી બહેન છે અને એક નાનો ભાઈ છે. બહેન ફ્રસ્ટ યર Bscમાં અભ્યાસ કરે છે. યશ્વીએ આજે સવારે સરહદ પર ફરજ બજાવતા પિતાને ફોન કરીને પરિણામ વિશે જણાવ્યું હતું. રિઝલ્ટ સાંભળ્યા બાદ તેના પિતા ખુબ ખુશ થયા હતા.