રાજકોટમાં પારકા કામ કરનાર માતાના પુત્રને 99.45 PR, પાનની કેબિન ધરાવનારના પુત્રને 99.98 PR, મજુરી કરતા પિતાની પુત્રીને 99.75 PR, ખેડૂતના પુત્રને 99.14 PR
ધોરણ 10નું પરિણામ જાહેર થતાં જ શહેરમાં ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પારકા કામ કરનાર માતાના પુત્ર મિહિરે ધોરણ 10માં 99.45 PR મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. આ સાથે જ પાનની કેબિન ધરાવનારના પુત્રને 99.98 PR, છુટક મજુરી કરતા પિતાની પુત્રીને 99.75 PR, ખેડૂતના પુત્રને 99.14 PR અને સુથારી કામ કરનારના પુત્રએ 98.99 PR મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. .
પારકા કામ કરી ગુજરાતન ચલાવનાર માતાના પુત્રએ 99.45 PR મેળવ્યા
રાજકોટમાં પારકા કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવનાર માતાના પુત્ર મિહિર પારેખે 99.45 PR મેળવી માતાનું નામ રોશન કર્યું છે. પિતાના અવસાન બાદ માતા પારકા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેના પુત્ર મિહિરે માતાના સ્વપ્નને પૂર્ણ કરતા માતાના આંખમાંથી હર્ષના આંસુ છલકાઈ ગયા હતા.
મોરબીમાં રીક્ષા ડ્રાઈવરની પુત્રીએ 99.98 PR સાથે બીજા ક્રમે
મોરબીમાં રીક્ષા ડ્રાઈવરની પુત્રી નિકિતા ભરતભાઇ મૂછડિયાએ ધોરણ 10માં 99.98 PR મેળવી પરિવાર સહિત મોરબીનું નામ રોશન કર્યું છે. નિકિતાના પિતાએ BAનો અભ્યાસ કર્યો છે અને તેના પિતાને પ્રોફેસર બનવાની ઈચ્છા હતી. પરંતુ તેની ઈચ્છા પૂર્ણ ન થતાં હવે નિકિતા તેના પિતાની ઈચ્છા પૂર્ણ કરશે.
પાનની કેબિન ધરાવનારના પુત્રએ પરિવારનું નામ રોશન કર્યું
રાજકોટમાં પાનની કેબિન ધરાવતા ભરતભાઈ બારડના પુત્ર પ્રિન્સે ધોરણ 10માં 99.98 PR મેળવી પિતાનું નામ રોશન કર્યું છે. પ્રિન્સના પિતા પાનની કેબિન ચલાવવાની સાથે સાથે મજુરી કામ પણ કરે છે. પ્રિન્સ દરરોજ 5-6 કલાક વાંચતો હતો અને તે મોબાઈલનો ઉપયોગ કરતો ન હતો. આમ પ્રિન્સે 99.98 PR મેળવી પિતાનું નામ રોશન કર્યું છે.
ખેડૂત પુત્રએ પિતાનું નામ રોશન કર્યું
જૂનાગઢના ખેડૂત ભરતભાઈના પુત્ર જયદિપ સિસોદીયાએ ધોરણ 10માં 99.14 PR મેળવી પિતાનું નામ રોશન કર્યું છે. પિતા ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે. જયદિપે જણાવ્યું હતું કે તે દરરોજ 5 કલાકની મહેનત કરતો હતો અને સ્કુલમાં જે કરવવામાં આવતું હતું તે ઘરે આવીને રીપીટ કરતો હતો. જયદિપે ભણવાની સાથે સાથે સ્પોર્ટસમાં પણ અવ્વલ છે. તેને સ્ટેટ લેવલે સ્પોર્ટસમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. જયદિપને આગળ સાયસન્સમાં બી ગ્રુપ રાખીને ડોક્ટર બનવું છે.
સ્નેહાએ 99.75 PR મેળવી પરિવારનું નામ રોશન કર્યું
રાજકોટના આંબેડકરનગરમાં રહેતા અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા નરેન્દ્રભાઈ ચાવડાની પુત્રી સ્નેહા ચાવડાએ 99.75 PR મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. સ્નેહા દરરોજ પાંચ કલાકની મહેનત કરતી હતી. સ્નેહાના પિતા કલરકામ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે.
સુથારીનું મજુરી કામ કરનારના પુત્રએ 98.99 PR મેળવ્યા
શહેરમાં સુથારીનું મજરી કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવનાર પિતા જ્યંતિભાઈ ડાબીના પુત્ર હર્ષ ડાભીએ ધોરણ 10માં 98.99 PR મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. હર્ષ દરરોજ 5-6 કલાક વાંચતો હતો અને હવે તેને ડોક્ટર બનવું છે.
કુરિયર સર્વિસ કરનારના પુત્રએ 99.94 PR મેળવ્યા
શહેરમાં કુરિયર સર્વિસનું કામ કરનાર રમેશભાઈ પાડલીયાના પુત્ર હેત પાડલીયાએ 99.94 PR મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. હેતના પિતા રમેશભાઈ સાયકલ પર કુરિયર આપવા જવાનું કામ કરે છે. હર્ષ દરરોજ 8 કલાક મહેનત કરતો હતો અને તેને આગળ ડોક્ટર બનવાની ઈચ્છા છે.