પૂણેના દંપતીનું અનોખું ઇનોવેશન : 1.3 કરોડ રૂપિયા ખર્ચીને મહિલાઓ માટે બનાવી 13 સ્પેશિયલ બસ, જેમાં બાળકોને ફીડિંગ કરાવવાની, ડાયપર બદલવા સહિતની સુવિધા
દેશભરમાં વ્યસ્ત બજારો કે રસ્તા પર મહિલાઓ માટે સુવિધાઘરની અછત છે. જ્યાં પણ સુવિધાઓ છે ત્યાં યોગ્ય સાફ-સફાઇ ન હોવાથી મહિલાઓને પરેશાની થાય છે. સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. પૂણેના દંપતીએ આ સમસ્યા ઉકેલવા ઇનોવેશન કર્યું છે. તેમણે પૂણે મહાનગરપાલિકા સાથે મળીને ભંગાર થઇ ચૂકેલી બસોને મહિલાઓ માટે સુવિધાઘરમાં ફેરવી નાખી છે. નામ રાખ્યું છે- તી સ્વાસ્થ્ય. મરાઠીમાં ‘તી’ મહિલાઓનું સંબોધન છે. અત્યાર સુધીમાં આવી 13 બસ તૈયાર કરાઇ છે. આ બસો માત્ર 5 રૂ.માં મહિલાઓને સુવિધાઓ આપે છે. અહીં બાળકોના ડાયપર બદલવાની તથા તેમને ફીડિંગ કરાવવાની વ્યવસ્થા પણ કરાઇ છે.
બસોમાં મહિલા એટેન્ડન્ટ પણ રખાઇ છે: 2016માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર કુણાલ કુમારે મહિલાઓ માટે સુવિધાઘરની અછત દૂર કરવાની પહેલ કરી. ત્યારે તેમણે સેનિટેશન ઉદ્યોગ સાથે જોડાયેલા ઉલ્કા સાદલકર અને રાજીવ ખૈરને કહેણ મોકલ્યું. તેમની કંપની સારાપ્લાસ્ટનું મોટું નામ છે. દેશ-વિદેશમાં તેઓ ઘણા પુરસ્કાર જીતી ચૂક્યા છે. વાતચીતમાં ભંગાર બસોને સુવિધાઘરમાં બદલવાનો વિચાર આવ્યો.ઉલ્કા જણાવે છે કે અમેરિકામાં બેઘર લોકો રહેવા માટે જૂના વાહનોનો ઉપયોગ કરે છે. પૂણેમાં વ્યસ્ત બજારો અને રસ્તા પર જગ્યાના અભાવે વોશરૂમ બનાવવાનું શક્ય નહોતું. તેથી અમે ભંગાર બસોનો ઉપયોગ કર્યો.
આ બસો 10 વર્ષ સુધી સેવાઓ આપી શકે છે
પૂણે મહાનગરપાલિકાના જોઇન્ટ કમિશનર જ્ઞાનેશ્વર મોલકે જણાવ્યું કે મ્યુનિ. દ્વારા જૂની બસો કંપનીને આપી દેવાય છે. તે બદલવામાં 10 લાખ રૂ. ખર્ચ થાય છે. તેનાથી તે 8-10 વર્ષ સુધી વાપરવા યોગ્ય થઇ જાય છે.
સ્વચ્છતાની માહિતી આપતું સ્ક્રીન પણ
સેન્સરવાળા નળ – અરીસો – ડાયપર બદલવા માટેની જગ્યા – સેનેટરી પેડ વેન્ડિંગ મશીન – શિશુઓને ફીડિંગ કરાવવાની જગ્યા – સ્વચ્છતાની માહિતી આપતું એલઇડી સ્ક્રીન – કાફે સાખે ઓર્ગેનિક ફૂડ વેચાણ કેન્દ્ર.
લાઇટો-ઉપકરણો સોલર પેનલથી ચાલે છે
ઉલ્કા કહે છે કે આ બસમાં લાઇટો તથા અન્ય ઉપકરણો સોલર પેનલથી ચાલે છે, જેથી ખર્ચ ઓછો આવે છે. બસમાં ટેક્નિશિયન પણ રાખ્યો છે, જે સોલર પેનલમાં ક્ષતિ હોય તો તરત દૂર કરે છે.
બેંગલુરુ, ચેન્નઇ, મુંબઇ અને ઇન્દોરમાં પણ જલદી સેવા શરૂ થશે
રાજીવ ખૈરે જણાવ્યું કે ‘તી સ્વાસ્થ્યગૃહ’ને પૂણેમાં મળી રહેલા પ્રતિસાદ બાદ અમને બીજા 5 શહેરમાંથી પ્રસ્તાવ મળ્યા છે. પૂણેમાં ઓછામાં ઓછી 100 જગ્યાએ આવી બસો ઉપલબ્ધ કરાવવાની યોજના છે. બેંગલુરુ, ઇન્દોર, મુંબઇ, ચેન્નઇ સહિત અન્ય શહેરોના નગર નિગમોએ પણ આ પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી છે. આ શહેરોમાં પણ ટૂંક સમયમાં આવી બસોની સુવિધા શરૂ કરાશે.