રિક્ષાચાલકના દીકરાનું બાળપણનું સપનું થયું સાકાર, શહીદ મેજર ઋષિકેશ રામાણીથી પ્રેરિત થઈને મેળવ્યો NDAમાં પ્રવેશ

અમદાવાદ- શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતો હેમલ શ્રીમાળી જ્યારે શાળામાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે શહીદ મેજર રિષિકેશ રામાણીના પિતા વલ્લભ રામાણીના હાથે શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ પુરસ્કાર મળ્યુ હતું. તે સમયે વલ્લભ રામાણીએ હેમલને સૈનિક શાળા માટે પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. વલ્લભ રામાણીની વાત માનીને હેમલે પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયો. આટલુ જ નહીં, વર્ષ 2021ના અંતમાં તેણે નેશનલ ડિફેન્સ એકેડેમીની પરીક્ષા પણ પાસ કરી હતી. તાજેતરમાં જ તેને મહારાષ્ટ્રના પુના શહેરની પાસે આવેલા ખડકવાસલા ખાતે એનડીએમાં પ્રવેશ મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે હેમલના પિતા મુકેશ શહેરમાં રિક્ષા ચલાવે છે. તેમને પોતાના દીકરા પર ગર્વ છે. તેઓ કહે છે કે, હેમલ પરિવારનો પહેલો એવો સભ્ય છે જે યુનિફોર્મ પહેરશે. મુકેશ શ્રીમાળી જણાવે છે કે, મારા સસરા રાજ્ય પોલીસમાં કાર્યરત હતા અને હું પણ હોમ ગાર્ડમાં સ્વૈચ્છિક કામ કરતો હતો. પરંતુ મારી પત્ની જે શહીદોની વાતો હેમલને કહેતી હતી તેનાથી તે ઘણો પ્રેરિત થયો છે. તે જ્યારે બાળમંદિરમાં હતો અને પૂછવામાં આવ્યુ હતું કે મોટો થઈને તે શું બનવા માંગશે તો તેણે ત્યાં સૈનિક લખ્યુ હતું. હવે જ્યારે તેણે એનડીએમાં પ્રવેશ મેળવ્યો છે તે અમારા માટે ઘણી ભાવનાત્મક વાત છે. આખરે તેનું બાળપણનું સપનું સાકાર થયું છે.

વલ્લભ રામાણી જણાવે છે કે, હેમલ એક હોંશિયાર વિદ્યાર્થી છે. જ્યારે તે નાનો હતો ત્યારે અમે શાળામાં સારું પ્રદર્શન કરવા બદલ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપ્યા હતા, તેમાંથી એક હતો. તે ઘણાં પ્રશ્નો પૂછતો હતો. સૈનિક શાળામાં પ્રવેશ મેળવ્યા પછી પણ તે સંપર્કમાં હતો અને અમારી ઓફિસની મુલાકાત લેતો રહેતો હતો. ઓફિસમાં અમે રિષિકેશનો યુનિફોર્મ અને અન્ય વસ્તુઓ સાચવીને રાખી છે.

ઓપરેશન મેઘદૂત દરમિયાન શહીદ થયેલા કેપ્ટન નિલેશ સોનીના મોટા ભાઈ જગદિશ સોની જણાવે છે કે, ગુજરાતીઓ માટે એક એવી છાપ ઉભી થઈ છે કે તેઓ મોટી સંખ્યામાં સેનામાં નથી જોડાતા. પરંતુ હેમલ જેવા યુવકો સાબિત કરે છે કે જો યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો અહીંના યુવાનો પણ દેશની સેવા માટે ખડેપગે રહે છે. ઉલ્લેખનીય છે કે હેમલને કેપ્ટન નિલેશ સોની મેડલ ફોર બેસ્ટ એનડીએ કેડેટ 2021-22 પણ મળ્યો હતો.

મુકેશ શ્રીમાળીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, હેમલે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેને ભાષાની સમસ્યા નડી હતી. ધોરણ પાંચ સુધી તે ગુજરાતી મીડિયમની સ્કૂલમાં ભણ્યો હતો. માટે જ્યારે તેને સૈનિક સ્કૂલમાં મૂકવામાં આવ્યો તો સીબીએસઈના અભ્યાસક્રમ અને ભાષાને સમજવી તેના માટે મુશ્કેલ હતા. પરંતુ તેની ધગશ એટલી હતી કે તે ખીસ્સામાં એક ડિક્શનરી રાખતો હતો. તે બાળપણથી જ ઘણો નમ્ર હતો. તેની ઉંમરના છોકરાઓ જે વસ્તુઓ માંગે એવી કોઈ માંગ તેણે નહોતી કરી. પાછલા થોડા વર્ષોમાં તેણે ઈન્ડિયન આર્મી ઓફિસર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમને વિશ્વાસ છે કે તે આગળ વધશે અને અમારા પરિવાર અને શહેરનું નામ રોશન કરશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો